મહેશ ભટ્ટ એટલે એક પ્રતિભાસંપન્ન અને તરંગી વ્યક્તિત્વ

article by bhawanasomaaya

ભાવના સોમૈયા

Sep 21, 2018, 06:03 PM IST

એંશીના દશકમાં જ્યારે મહેશ ભટ્ટ પોતાની પ્રતિભા સાબિત કરવા માટે પ્રયત્નશીલ હતા. લાંબા વાળ અને ફેડેડ જિન્સ અને કોલ્હાપુરી ચંપલ સાથે જોવા મળતા હતા. ત્યારે દિવસમાં ત્રણ સિગારેટના પાકીટ પી જતા અને દરરોજ રાત્રે વ્હિસ્કીની એક બોટલ ખતમ કરી જતા.


તે દિવસોમાં મહેશ ક્યારેય મધરાત સિવાય ઘરે પરત આવતા નહીં અને અડધી રાતે આવીને ફેમિલીને જગાડતા, કારણ કે ઘરની જે બીજી ચાવી તેમને આપી રાખી હોય તે કાં તો ખોવાઈ ગઈ હોય અને કાં તો ક્યાંક ભુલાઈ ગઈ હોય. મહેશના આ બેજવાબદારીપૂર્ણ વર્તનથી કંટાળીને પત્ની કિરણે ઘરની ચાવી કાળા દોરામાં બાંધીને ગળામાં પહેરાવી દીધી હતી (આ વાત મહેશ ભટ્ટ દિગ્દર્શિત ફિલ્મ ‘અર્થ’માં કુલભૂષણ ખરબંદાના પાત્રમાં વણી લેવાઈ છે). છતાં મહેશ ભટ્ટ એ પણ ખોઈ બેસે છે અને રાતે આવીને ફેમિલીની ઊંઘ ડિસ્ટર્બ કરવામાં શરમ અનુભવે છે. પરિણામે બિલ્ડિંગના ચોકીદારની કેબિનમાં બાકીની રાત સૂઈ રહે છે.

છેલ્લા બે સપ્તાહથી પૂજા ભટ્ટ પિતા અને દિગ્દર્શક મહેશ ભટ્ટ સાથેની રેર તસવીરો પોસ્ટ કરી રહી હતી. કારણ હતું પિતા મહેશ ભટ્ટનો જન્મદિવસ આવી રહ્યો હતો. 20મી સપ્ટેમ્બરે એટલે કે ગઈકાલે મહેશ ભટ્ટનો સિત્તેરમો જન્મદિવસ હતો. એટલે મને પણ લાગ્યું કે આ એકદમ યોગ્ય સમય છે મહેશ ભટ્ટ સાથે જોડાયેલી સ્મૃતિઓ તાજી કરવાનો

મહેશ ભટ્ટના એ દિવસો બેપરવાઈથી ભરેલા હતા. જેમાં અડધી રાતના ટેલિફોન કોલ, ચિત્રવિચિત્ર પત્રો અને મોટા અવાજે થતી વાતચીતની નવાઈ નહોતી. મૂડ સ્વિંગની કોઈ નવાઈ નહોતી અને સ્વભાવે ઇમ્પલ્સિવ અને અનપ્રેડિક્ટેબલ.


ફિલ્મના સેટ પર ડિરેક્ટર તરીકે અગાઉથી જાણ કર્યા વિના ગમે ત્યારે સીન બદલી નાખવાની ટેવ હતી. તેમની ફિલ્મના કલાકારોને કાયમ એ મામલે સસ્પેન્સ રહેતું. ‌વળી, કેટલીક વિચિત્ર આદતો પણ ખરી! જેમ કે જમ્યા પછી હાથ-મોં ધોવાનાં નહીં, પણ નેપ્કિનથી લૂછી નાખવાનાં. તેમનાં પત્ની કહે છે કે, કેટલીક વખત વોશરૂમમાં પૉટી પર બેઠા-બેઠા મિટિંગો કરે. એકસાથે બે પુસ્તકો વાંચવા લાગે અને ચાલુ કારમાં સૂઈ જવું જેવી ઘટનાઓની કોઈ નવાઈ નહોતી.


બે લગ્નો, ચાર સંતાનો, અમુક ફિલ્મો અને શો બિઝનેસમાં વિતાવેલા દાયકાઓ પછી મહેશ ભટ્ટને આજે નવી પેઢી ગુરુ ગણે છે. આજના એક્ટરો અને સ્ટાફ તેમને ભટ્ટસાબ કહીને સંબોધન કરે છે. આજે પણ તેઓ કોઈ પણ પ્રકારના દંભ વિના સાદાં વસ્ત્રોમાં અને અવારનવાર સ્કલ કેપમાં જોવા મળે છે. જોકે, સ્કલ કેપ માથા પરની ટાલને ઢાંકવા માટે નહીં, પણ સાનસાઇટિસની તકલીફ સામે રાહત મળે તે માટે પહેરે છે. માથે વધેલા વાળ સફેદ થઈ ગયા છે. સિગારેટની જરૂરિયાતના વિકલ્પરૂપે મુખવાસ મમળાવતા રહે છે અને આલ્કોહોલ તરફના આકર્ષણનું સ્થાન હવે સિનેમાએ લઈ લીધું છે.


એ દિવસોમાં તેઓ લોકોના ચહેરા વાંચતા આજે જિંદગી વાંચે છે. તેમની આંખો આજે પણ તોફાની છે. જ્યારે તક દેખાય ત્યારે નાટકીય ઢબે કહેશે,‘ઇફ યુ વૉન્ટ ગોડ ટુ લાફ, ટેલ હીમ યોર પ્લાન્સ... આઇ ડોન્ટ’ .


તેઓ કહે છે કે, ‘એક જમાનો હતો જ્યારે રિમેક બનાવવા બદલ અમારું ફિલ્મ નિર્માણ બેનર ટીકાનું કેન્દ્ર બની ગયું હતું જ્યારે આજે બધા શરમ નેવે મૂકીને ફિલ્મો કોપી કરવા લાગ્યા છે અને કોઈને તેની પડી નથી, કારણ કે અંતે તો કમાણી પર આવીને બધું અટકે છે. આ વસ્તુને સૌ પ્રથમ મહેમૂદભાઈજાને ઓળખી લીધી હતી. એટલે જ તેઓ કહેતા ભૈય્યા સબસે બડા રૂપૈય્યા. ફિલ્મમેકિંગ એ બિઝનેસ છે, ક્યારેક આઇડિયા કામ કરી જાય છે અને સફળતા અને નાણાં રળી આપે છે, પણ ક્યારેક મૌલિક કોન્સેપ્ટ ધરાવતી ફિલ્મો સફળ નહોતી પણ થતી છતાં શો ગોઝ ઓન...


ઘણાં વર્ષો પહેલાંની વાત છે જ્યારે આલિયા ભટ્ટ બાળકી હતી. તેણે આઉટડોર શૂટિંગમાં ફોન કરીને મને પૂછ્યું કે, હું આટલો લાંબો સમય ઘરથી કેમ દૂર રહું છું? એક બાળક તરફથી આવો સવાલ આવશે તેની મને અપેક્ષા નહોતી એટલે હું તેના માટે તૈયાર નહોતો. એટલે મેં પ્રત્યુત્તરમાં કહ્યું કે, પૈસા કમાવા માટે મારે લાંબો સમય ઘરથી બહાર રહેવું પડે છે. તેણે મને કહ્યું કે, ફિલ્મ બનાવ્યા વિના પૈસા મળતા રહે તેવો માર્ગ નથી? મેં કહ્યું કે, ટૂંક સમયમાં એ ટાઇમ આવી જશે. એ વાતને ઘણાં વર્ષો વીતી ગયાં છે અને આજે આલિયા યુવાન થઈ ગઈ છે, ફિલ્મોમાં કામ કરે છે. આજે તે સમજી શકે છે કે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરો એટલે કામ કર્યા વિના રહી શકો નહીં.


ફિલ્મ જગતમાં આટલાં બધાં વર્ષો વિતાવ્યાં તે દરમિયાન અનેક લોકોના સંપર્કમાં આવ્યો, કેટલીયે ફિલ્મો બનાવી, મિત્રો અને દુશ્મનો બન્યા. અન્ય ક્ષેત્રો કરતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પર્સનલ અને વર્કિંગ રિલેશનશિપ સૌથી વધુ અનપ્રેડિક્ટેબલ છે. જે માણસ તમને સૌથી વધુ કમ્પેટિબલ લાગતા હોય તેમની સાથે કોઈ ડાયલોગ કે મ્યુઝિક કમ્પોઝિશન મામલે ક્યારે ઉગ્ર દલીલો ફાટી નીકળશે તે કંઈ કહેવાય નહીં. એક સારી વાર્તા પર્વતોમાંથી વહેતા ઝરણા જેવી હોય છે. એકદમ નાજુક અને આપમેળે રસ્તો કરીને તમારા હૃદય સુધી પહોંચી જનારી. એક ફિલ્મસર્જક ત્યાં સુધી જ જીવંત છે જ્યાં સુધી તે રસપ્રદ વાર્તાઓ કહેતો રહેશે. જે હું છું અને હંમેશાં રહીશ એવી આશા છે.’
[email protected]

X
article by bhawanasomaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી