ચાલો સિનેમા / શિવને સમજવાનો એક પ્રયત્ન

article by bhawanasomaaya

ભાવના સોમૈયા

Mar 04, 2019, 06:09 PM IST

ધાર્મિક કથાઓનું મનોરંજન જગતમાં એક સ્થાન રહ્યું છે. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ વિશે જેટલા પ્રમાણમાં ફિલ્મો બની છે તેટલા પ્રમાણમાં ભગવાન શિવ વિશે ફિલ્મો બની નથી. જો કે ટેલિવિઝન ધારાવાહિકોમાં ભગવાન શિવને લઈને સારું એવું કાર્ય થયું છે. ગઈ રાતે ટીવી પર ‘દેવોં કે દેવ...મહાદેવ’ શ્રેણીના જૂના એપિસોડ ચાલી રહ્યા હતા. જોવાની શરૂઆત થઈ તો ચેનલ બદલવાનું મન થતું નહોતું. ધારાવાહિક વિષયવસ્તુની દૃષ્ટિએ ખૂબ સમૃદ્ધ છે. તે જે રીતે લખવામાં આવી છે તે પણ અદ્ભૂત છે. પહેલા એપિસોડમાં મહાદેવજીના ભક્ત પરશુરામની વાત કરવામાં આવી છે. એક દિવસ મહાદેવજી ધ્યાનમાં બેઠા હતા. તેમણે કાર્તિકેય અને ગણેશજીને સૂચના આપી રાખી હતી કે ધ્યાનમાં કોઈ તેમને ખલેલ ન પહોંચાડેે. તેવામાં ઋષિ પરશુરામને આવવાનું બને છે. ગણેશજી વિનમ્રતાપૂર્વક પાછા વળી જવાનું કહે છે. પરશુરામ આરાધ્યદેવને મળ્યા વિના જવાનો ઈનકાર કરી દે છે અને ગુસ્સામાં આવીને ગણેશજી પર શસ્ત્રથી પ્રહાર કરે છે. જેમાં ગણેશજીનો દંતશૂળ તૂટી જાય છે. થોડા સમય પછી જ્યારે ભગવાન શિવ ધ્યાનમાંથી જાગૃત થાય છે ત્યારે ગુસ્સે થયેલા પાર્વતી પરશુરામને સજા આપવાનું શિવજીને જણાવે છે. ત્યારે ગણેશજી સ્પષ્ટતા કરે છે કે, પરશુરામના પ્રહારને વ્યર્થ બનાવવા માટે સક્ષમ હતા પરંતુ પરશુરામે જે શસ્ત્રથી પ્રહાર કર્યો હતો એ મહાદેવજીના આશીર્વાદથી પ્રાપ્ત થયું હતું. અને પોતે નહોતા ઈચ્છતા કે પિતાના આશીર્વાદથી પ્રાપ્ત શસ્ત્ર ક્યાંય બિનઅસરકારક પુરવાર થાય. ગણેશજીની આ વાતથી પરશુરામ પ્રસન્ન થાય છે અને કહે છે કે,‘જે બની ગયું છે તે ન બન્યું નહીં થાય પણ ગણેશજીના તૂટેલા દંતશૂળથી એક મહાન મહાકાવ્ય લખાશે.’

  • ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ વિશે જેટલા પ્રમાણમાં ફિલ્મો બની છે તેટલા પ્રમાણમાં ભગવાન શિવ વિશે ફિલ્મો બની નથી. જો કે ધારાવાહિકોમાં ભગવાન શિવને લઈને સારું એવું કાર્ય થયું છે. ટીવી પર ‘દેવોં કે દેવ...મહાદેવ’ શ્રેણીના જૂના એપિસોડ ચાલી રહ્યા હોય અને એક વખત જોવાની શરૂઆત કરો તો ચેનલ બદલવાનું મન જ ન થાય

અન્ય એક એપિસોડમાં ભગવાન શિવ અને કાર્તિકેય વચ્ચે સંવાદની વાત આવે છે. જેની શરૂઆત કંઈક આ રીતે થાય છે. એક દિવસ કાર્તિકેયનું મન ભારે હોય છે કારણ કે તેમના હાથે ભગવાન શિવના એક ભક્તની હત્યા થઈ હોય છે અને જ્યાં સુધી તેનું પ્રાયશ્ચિત નહીં કરે ત્યાં સુધી શાંતિ નહીં પ્રાપ્ત થાય . તેવામાં ભગવાન કૃષ્ણ કાર્તિકેયને તેનો ઉકેલ જણાવતા કહે છે કે, નવા તીર્થની સ્થાપના કરીને ત્યાં શિવલિંગની સ્થાપના કરવાથી કરેલા કર્મોમાંથી મુક્તિ મળશે. આ કાર્યમાં ગણેશજી તેમના ભાઈ કાર્તિકેય સાથે જોયા છે અને માતા પાર્વતીને કહે છે કે તેઓ ભાઈને લઈને સુખરૂપ કૈલાશ આવી જશે. બંને ભાઈઓ ચાલી નીકળે છે ઘણું ચાલ્યા બાદ તેમના એક ખડક દેખાય છે. જેમાંથી શિવલિંગ બનાવી શકાય તેમ છે. પરંતુ તે બને તે પહેલા મહાદેવજી તેમની કસોટી કરે છે. શિવ જેમ બધા ભક્તોની કસોટી કરે છે તે જ રીતે તેમના સંતાનો પણ તેમાંથી અપવાદ નથી. વૃદ્ધ માણસનું રૂપ લઈને તેઓ કાર્તિકેયને મળે છે. તેઓ કહે છે કે ઘણા વખતથી પૂજા માટે શિવલિંગ બનાવવાનું નક્કી કરીને બેઠા છે પરંતુ પોતે શિવલિંગ બનાવી શકવામાં સક્ષમ નથી. આ સાંભળીને કાર્તિકેય તેમણે બનાવેલું શિવલિંગ વૃદ્ધને આપી દે છે. ગણેશજી પણ આ નિર્ણય સાથે સહમત હોય છે. હવે બંને નવા ખડકની શોધમાં નીકળી પડે છે, કે જેને કોતરીને શિવલિંગ બનાવી શકાય. તેવામાં એક જગ્યાએ તેમને પર્વતોના સમ્રાટ કહે છે કે, જ્યાં સુધી લડીને કાર્તિકેય સાબિત નહીં કરે કે તે એક યોદ્ધા છે ત્યાં સુધી કોઈ પણ પથ્થરને હાથ અડાડવાની પણ મંજૂરી નહીં આપે. કાર્તિકેય સમજાવવાનો પ્રયત્ન કરે છે કે, હિંસા કોઈ સમસ્યાનો ઉકેલ નથી અને પોતાનો ઉદ્દેશ્ય પણ નથી. ત્યારે સમ્રાટ બીજો વિકલ્પ આપે છે. તે કહે છે કે પોતે સવાલ પૂછશે જેના સાચા જવાબ કાર્તિકેયે આપવાના રહેશે. પણ જો સાચા જવાબ નહીં આપી શકે તો કાર્તિકેય પોતે ખડક બની જશે. આ વાત સાથે કાર્તિકેય સહમત થાય છે. સમ્રાટનું રૂપ ધરીને આવેલા શિવજી કાર્તિકેયને પૂછે છે કે: જીવનની યાત્રામાં તમારો સૌથી સારો સાથી કોણ હોઈ શકે? કાર્તિકેય: ધીરજ. જો મારામાં ધીરજ હશે તો ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં ટકી જઈશ.
મહાદેવજી: એવો ક્યો રંગ છે જે ચોરી શકાતો નથી પરંતુ ખોવાઈ જઈ શકે છે?
કાર્તિકેય: જ્ઞાન. કોઈ કોઈના બુદ્ધિચાતુર્યને ચોરી ન જઈ શકે પરંતુ જો વ્યક્તિ સાવધ ન રહે તો અભિમાનને કારણે જ્ઞાન પર ઝાંખપ લાગે છે.
મહાદેવજી: કઈ બાબતનો ત્યાગ કર્યા બાદ શાંતિ પ્રાપ્ત થતી હોય છે?
કાર્તિકેય: અભિમાન. અહંકારનો ત્યાગ કરવાથી હળવાશ અનુભવાશે.
મહાદેવજી: કઈ વસ્તુ એવી છે જે ગુમાવવાથી આનંદની અનુભૂતિ થશે?
કાર્તિકેય: ગુસ્સો એક નકારાત્મક લાગણી છે અને તે ગુમાવવો જ સારો.
મહાદેવજી: કઈ બાબત તમને અન્ય કરતાં ઉચ્ચ સાબિત કરતી હોય છે - જન્મ કે ગુણો?
કાર્તિકેય: કરુણા. કારણ કે દયાભાવ વિના બધું જ વ્યર્થ છે.
મહાદેવજી: છેલ્લો સવાલ. બધા ગુણોમાં સૌથી શ્રેષ્ઠ ગુણ ક્યો છે?
કાર્તિકેય: મારા માટે મારા કુટુંબ સાથેનું જોડાણ.
અને આ રીતે પ્રશ્નોત્તરીને અંતે સમ્રાટ ખુશ થાય છે અને કાર્તિકેયને એક ખડક શિવલિંગ બનાવવા માટે આપે છે.
જય શિવશંભુ!

[email protected]

X
article by bhawanasomaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી