ચાલો સિનેમા / રાજ કપૂર મેમોરિયલ : ધ શો ગોઝ ઓન

article by bhawanasomaaya

ભાવના સોમૈયા

Feb 08, 2019, 01:35 PM IST

આપણે વિદેશમાં વેક્સ મ્યુઝિયમ જોવા માટે જઈશું પરંતુ આપણા પોતાના મ્યુઝિયમ જોવાનો વિચાર નહીં કરીએ. મેં તાજેતરમાં પૂનાના લોનીમાં રાજ કપૂરની સ્મૃતિમાં બનાવવામાં આવેલા ‘વિશ્વશાંતિ ગુરુકુલ રાજબાગ’ની મુલાકાત લીધી. આ સ્મૃતિ સંસ્થાનની શરૂઆત સંજયસિંઘ, સંજય ચેટર્જી અને પ્રશાંત વાલુકરે કરી હતી. આ બધા ઈન્ડિયન ટ્રેડિશનલ કલ્ચરલ સેન્ટરના ડિરેક્ટર્સ રહી ચૂક્યા છે. તેઓની મહેનતના ફળસ્વરૂપે ‘આર કે મેમોરિયલ’માં રાજ કપૂર એક કલાકાર અને ફિલ્મસર્જક તરીકેના ઈતિહાસની નોંધ સચવાયેલી છે. અહીં રાજ કપૂરના જીવનને લગતી દુર્લભ તસવીરો સચવાયેલી છે. રાજ કપૂરે દાનમાં આપેલી વિશાળ ભૂમિ પર આ સંસ્થાની ઈમારત બાંધવામાં આવી છે.

  • તાજેતરમાં પૂનાના લોનીમાં વિશ્વશાંતિ ગુરુકુલ રાજબાગની મુલાકાત લીધી. અહીં રાજ કપૂરના જીવનને લગતી દુર્લભ તસવીરો સચવાયેલી છે.

ચારેબાજુ લીલા છમ્મ વૃક્ષો, કલરવ કરતા પક્ષીઓ વચ્ચે આવેલી આ જગ્યા અત્યંત રમણીય છે. જો કે આ મ્યુઝિયમમાં ભારતીય ફિલ્મોની સીમાચિહ્નરૂપ ફિલ્મો અને હસ્તીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જેમ કે ‘મધર ઈન્ડિયા’ની નરગિસ, ‘પાકિઝા’ની મીનાકુમારી, ‘ગાઈડ’ની વહીદા રહેમાન, ‘આરાધના’ના રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર તેમજ ‘અભિમાન’ના અમિતાભ-જયા બચ્ચન તથા અન્ય કલાકારોના સ્ટેચ્યુ આ મ્યુઝિયમમાં છે. ઈન્દ્રધનુષની થીમ પર બનાવવામાં આવેલું પગોડા જેવી બાંધણી ધરાવતંુ આ મ્યુઝિયમ સાત વિભાગમાં વહેંચાયેલંુ છે. અહીં દરેક વિભાગને ઈન્દ્રધનુષના સાત રંગો આપવામાં આવેલા છે.
ઉપરાંત રાજ કપૂરની ફિલ્મના વિલન અને સહકલાકારોના સ્ટેચ્યુ પણ છે. એટલે ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈં’ અને ‘સંગમ’ના રાજેન્દ્રકુમારના સ્ટેચ્યુ છે. ઉપરાંત એક વિભાગમાં ગાયકો અને કમ્પોઝરને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ મ્યૂઝિયમ મહારાષ્ટ્રના પૂનામાં આવેલું છે. તે સિવાય મરાઠી સિનેજગતમાં યોગદાન આપનાર દાદ ફાળકેથી લઈને દાદા કોંડકે, જયશ્રી ગડકરથી લઈને સ્મિતા પાટીલના પૂતળા છે.
બધા સ્ટેચ્યુ એકદમ પરફેક્ટ કંડારાયા હોય તેવું પણ નથી એટલે ત્યાં જે તે કલાકારનું ચિત્ર પણ દિવાલ પર મૂકવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ સરસ રીતે જળવાયેલું છે અને જાહેર જનતા માટે નિશુલ્ક પ્રવેશ છે. આર કે બેનરની ફિલ્મોના લોકપ્રિય ગીતો અને સંવાદો પણ ત્યાં સાંભળવા મળે છે. મ્યુઝિયમ સાથે જ જોડાયેલું આરકે કોટેજ છે જ્યાં લોનીમાં શૂટિંગ વખતે રાજ કપૂરનો ઉતારો રહેતો હતો. આ કોટેજનું પ્રવેશદ્વારા ચેમ્બુરસ્થિત રાજ કપૂરના ઘરના પ્રવેશદ્વારને મળતો આવે છે. અંદર પ્રવેશીએ એટલે ઉંચી છત અને લીવિંગ એરિયા આરકે ફિલ્મોની યાદ અપાવ્યા વિના નહીં રહે. લિવિંગરૂમમાં ફિલ્મ પ્રોજેક્ટર છે. આ રૂમમાં ફિલ્મોના શૂટિંગ બાદ દરરોજ સાંજે શૂટિંગના રફ કટ રાજ કપૂર જોતા હતા. તેની પાસેના રૂમમાં ડાઈનિંગ એરિયા છે. જે મુલાકાતીઓ માટે રિફ્રેશમેન્ટ એરિયા છે. પછી લાકડાના દાદરા દ્વારા પહેલા માળે જઈએ એટલે રાજ કપૂરનો બેડરૂમ આવે છે. ત્યાં જમીન પર રાખેલા ગાદલા પર સૂતેલા રાજ કપૂરનું સ્ટેચ્યુ છે.

જે જોઈને ગાઈડ કહે છે કે,‘મુંબઈમાં તેઓ કઈ રીતે રહેતા હશે તે આપણને ખ્યાલ નથી પરંતુ જ્યારે લોનીમાં હોય ત્યાં તેઓ હંમેશા નીચે સૂતા હતા.’ મ્યૂઝિયમની સૌથી આકર્ષક બાબત છે બંગલાનો બાહરથી દેખાવ. જે જોઈને લાગે કે ‘આવારા’ની ડ્રીમ સિકવન્સ ખરી દુનિયામાં આવી ગઈ છે. અહીં બ્રહ્મા, વિષ્ણુ, મહેશના ઉંચા સ્ટેચ્યુ પણ છે. જેની બાજુમાંથી નરગિસ નીચે આવી રહી છે. અને નીચે રાજ કપૂર છે. જે ‘ઘર આયા મેરા પરદેશી...’ ગીતની યાદ અપાવે છે. થોડા આગળ જઈએ એટલે એક ધોધ જોવા મળશે જેની નીચે મંદાકિની ઉભી છે. જે ‘રામ તેરી ગંગા મૈલી’ની યાદ અપાવે છે. પછી જ્યારે બહાર નીકળીએ એટલે મેમોરિયલના પ્રવેશદ્વાર આગળ એક સ્ટ્રક્ચર પર દાદાસાહેબ ફાળકેનું નામ કોતરેલું જોવા મળે છે. જે જોઈને લાગે કે રાજ કપૂર શું હતા અને તેમને શું ગમે છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.
[email protected]

X
article by bhawanasomaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી