ચાલો સિનેમા / હેમામાલિની : ગંગા કોલિંગ

article by bhawanasomaaya

ભાવના સોમૈયા

Feb 01, 2019, 12:25 PM IST

હેમામાલિની સાથે આ સંદર્ભે વાત કરતા તેમણે કહ્યું કે,‘જ્યારે હું પાંચ વર્ષની હતી ત્યારે મેં નૃત્ય શીખવાની શરૂઆત કરી હતી. ત્યારે મારા ગુરુજીએ મારા નાનકડા ઘૂંટણ ફરતે ઘૂંઘરું બાંધ્યા અને મને મુદ્રાઓ રજૂ કરવા કહ્યું.

મારા નાનકડા પગમાં ભયંકર દુખાવો થતો હતો પણ ઘૂંઘરું કાઢવાની મંજૂરી નહોતી.’ મારા મમ્મી મારા ચહેરા પરના ભાવો વાંચીને કહે કે,‘તું ધીમે ધીમે ટેવાઈ જઈશ.’ અને હું ટેવાઈ ગઈ. એકાદ અઠવાડિયામાં તો હું ઘૂંઘરું બાંધીને નૃત્ય માટે તૈયાર થઈ ગઈ. પછી મેં એક પબ્લિક પરફોર્મન્સ પણ આપ્યું. જ્યારે હું અભિનેત્રી બની ત્યારે સ્ટેજ પર ડાન્સ પરફોર્મન્સ આપવાનું ચાલુ રાખ્યું હતું જેની સામે વાંધો ઉઠાવતા કેટલાક નિર્માતાઓએ મારા મમ્મીને કહ્યું કે, મારા શાસ્ત્રીય નૃત્યના પરફોર્મન્સને કારણે એક સ્ટાર હિરોઈન તરીકેની મહત્તામાં ઘટાડો થશે. મારા મમ્મીની દલીલ હતી કે કળા ક્યારેય સ્ટારડમની આડે આવતી જ નથી. ધીમેધીમે લોકો હેમાને એ રીતે સ્વીકારતા થઈ જશે.

  • થોડા સમય પહેલાં આયોજિત પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમમાં એક્ટર, ડાન્સર અને સાંસદ હેમામાલિનીએ વારાણસીમાં નૃત્ય રજૂ કર્યું. સિત્તેર વર્ષ વટાવી ગયા પછી પણ આ ઉંમરે હેમામાલિની સ્ટેજ પર નૃત્યનાટિકા રજૂ કરી શકે છે તે પાછ‌ળનું રહસ્ય તેમની સાથેની મુલાકાતમાં જાણવા મળ્યું. પ્રસ્તુત છે તેમની સાથે થયેલી વાતચીતના અંશો

પણ મારા માટે આ બે દુનિયા વચ્ચેના સંતુલન જેવી અઘરી બાબત હતી. ડાન્સ પરફોર્મન્સ અને ફિલ્મના શૂટિંગની તારીખો એકબીજા સાથે ટકરાતી હોય. પણ છતાં અમે મેનેજ કરી લેતા હતા અને મારા શો હાઉસફુલ જતા હતા એટલે અમારી હિંમત જળવાઈ રહેતી. જે દર્શકો મારું નૃત્ય જોવા આવતા તેમાંથી જેટલા પ્રમાણમાં લોકો સ્ટાર હેમામાલિનીને જોવા આવતા હતા તેટલા જ પ્રમાણમાં લોકો એક ક્લાસિકલ ડાન્સરને જોવા પણ આવતા હતા. આ દર્શકોનો ઉષ્માપૂર્ણ પ્રતિસાદ જોઈને મારામાં ઉર્જા જળવાઈ રહેતી.


મારા પપ્પાની સલાહ મુજબ અમે ધીમે ધીમે સંગીત નૃત્યનાટિકા તરફ વળ્યા. જેની પ્રથમ પ્રસ્તુતિ એટલે નાટ્યવિહાર કલા કેન્દ્ર પ્રોડક્શનની નૃત્યનાટિકા ‘મીરા’. જેની કોરિયોગ્રાફી ભૂષણ લખન્દ્રીએ કરી હતી. અને એ નિર્ણય સાચો સાબિત થયો કારણ કે શુદ્ધ ક્લાસિકલ ડાન્સ ફોર્મ કરતા નૃત્યનાટિકાને લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો. અમે પછી રામચરિતમાનસમાંથી પ્રેરણા લઈને ‘રામાયણ’ નામની નૃત્યનાટિકા તૈયાર કરી. પછીના વર્ષોમાં મેં ‘દુર્ગા’ અને ‘દ્રૌપદી’ નામની નૃત્યનાટિકાઓ કરી જેને દર્શકોનો બહોળો આવકાર મળ્યો.

પછી મેં ‘સાવિત્રી’ અને ‘મહાલક્ષ્મી’ના પાત્રોને પણ સ્ટેજ પર જીવંત કર્યા. ભગવાન કૃષ્ણ મને સૌથી વધુ પ્રિય દેવ છે અને અમે ક્રિષ્ના ફેસ્ટીવલનું આયોજન કરતા હોઈએ છીએ. જેમાં ‘યશોદા ક્રિષ્ના’, ‘ગીત ગોવિંદ’,‘રાધા ક્રિષ્ના’ અને ‘દ્રૌપદી’ નામની નાટિકાઓનું સતત ચાર દિવસ મંચન કરતા હોઈએ છીએ.


થોડા સમય પહેલા સ્વર્ગવાસી થયેલા મ્યુઝિક ડિરેક્ટર રવિન્દ્ર જૈન મારી લગભગ બધી નૃત્યનાટિકાઓમાં સંગીત આપતા અને સ્ટેજ પર મને સ્વર આપતા કવિતા કૃષ્ણમૂર્તિ. મારા માટે નૃત્ય એક સમર્પણ છે, મેડિટેશન છે, પરંપરા છે. મેં મારી દીકરીઓ ઈશા અને આહના સાથે ‘પરંપરા’ પરફોર્મ કરેલું કારણ કે હું ઈચ્છું છું કે આ પરંપરાનું વહન થતું રહે. થોડા વર્ષો અગાઉ ઈશા અને મેં ‘ગંગા’ના પાત્રને લઈને 12 મિનિટનું નૃત્ય રજૂ કરેલું. રવિન્દ્રજીનો આગ્રહ હતો કે તેને અમે નૃત્યનાટિકારૂપે રજૂ કરીએ પણ કોઈ કારણોસર તે થઈ ન શક્યું અને તે દરમિયાન તેઓ આ ફાની દુનિયા છોડીને ચાલી નીકળ્યા. તેમના જવાથી હું બહુ દુ:ખી હતી પરંતુ પરમેશ્વર કોઈને કોઈ રીતે આપણા જીવનમાં સંતુલન લાવી જ દેતા હોય છે. અને તેમણે મ્યુઝિક ડિરેક્ટર અસિત દેસાઈને મોકલ્યા.


હવે આને તમે જોગાનુજોગ કહો કે ગમે તે પણ આપણા કેન્દ્રિય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ મને મળ્યા અને તેમણે મને પ્રવાસી ભારતીય દિવસના અનુસંધાને ‘ગંગા’ પરફોર્મ કરવાનું સજેશન આપ્યું. અને આ વખતે હું આ તક ચૂકવા માગતી નહોતી કારણ કે આ વખતે ગંગાજી મને તેમની પાસે બોલાવી રહ્યા હતા. આપણા પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ મુજબ રાજા ભગીરથ, ગંગાજીને પૃથ્વી પર લાવવા માટે તપ કરે છે અને પૃથ્વી પર ગંગાને લઈ આવે છે મેં મારા ભગીરથ પ્રયત્નો દ્વારા ગંગાને સ્ટેજ પર લાવવાનો પ્રયત્ન કર્યો છે.


ગંગા સાંપ્રત છે. આજની સમસ્યાઓને વાચા આપે છે. તેનંુ એક પોતાનું તત્ત્વજ્ઞાન છે. અને સૌથી અગત્યની વાત એ કે એક યોગ્ય શહેરમાં યોગ્ય પ્લેટફોર્મ પર ‘ગંગા’નું પ્રિમિયર થયું. લોકો મને પૂછતા હતા કે આટલા વર્ષો પછી અને મારી આટલી ઉંમરે હું આટલા કલાકો કઈ રીતે પરફોર્મ કરી શકીશ? પણ આ બધુ હું કરી શકીશ અને કર્યું તે ઉપરવાળાના આર્શીવાદનો પ્રતાપ હતો.

દર્શકોએ બે કલાક સુધી નૃત્યનાટિકા માણી. પરંતુ આ બે કલાક પાછળ અમારા કેટલાય કલાકોનો પરિશ્રમ જવાબદાર હતો. જે કદાચ લોકોને ન દેખાયો હોય તે સ્વાભાવિક છે. પણ જ્યારે આપણે કશુંક કરી રહ્યા હોઈએ અને તેમાં પુષ્કળ આનંદ મળતો હોય ત્યારે બસ આપણે કરી નાખતા હોઈએ છીએ. પછી તેમાં ઉંમર કે અન્ય બાહ્ય પરિબળો કે સમસ્યાઓ ગૌણ બની જતી હોય છે.
[email protected]

X
article by bhawanasomaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી