ચાલો સિનેમા / કૈફી બહુત યાદ આયે

article by bhawanasomaaya

ભાવના સોમૈયા

Jan 18, 2019, 04:36 PM IST

‘અબ્બા યે હમારી અચ્છી દોસ્ત હૈં...’ એમ કહીને શબાના આઝમીએ પિતા કૈફી આઝમી સાથે મારો પરિચય કરાવ્યો હતો. તેમના નિવાસસ્થાન ‘જાનકી કુટીર’માં વાંસની ખુરશી પર કૈફી આઝમી બેઠા હતા. તેમનો ડાબો હાથ તે વખતે આદતવશ ખુરસીના હાથા પર ટેકવેલો હતો અને જમણો હાથ બીજા હાથા પર ધીમેથી રાખીને કહે કે,‘અગર દોસ્ત હૈં તો અચ્છી હી હોગી.’ આ સંવાદ વર્ષ 1980ના ઉનાળામાં થયો હતો.


પછી જેમ જેમ વર્ષો વીતતા ગયા અને આઝમી ફેમિલીની નજીક આવવાનું બન્યું તેમ તેમ કૈફી આઝમી નામના વિશાળ અને પ્રતિભાવાન વ્યક્તિના સંપર્કમાં આવવાનું બનતું ગયું. તેમના વ્યક્તિત્વનું આકર્ષક પાસુ એ હતું કે તેઓ સામેની વ્યક્તિથી પોતે ચડિયાતા છે તેવું દેખાવા ન દેતા. તેઓ છેક સુધી ખોટી પ્રશંસા કરનારાઓથી દૂર જ રહ્યા.

  • ચાર દિવસ પહેલાં એટલે કે 14 જાન્યુઆરીએ શાયર અને ગીતકાર કૈફી આઝમીની 100મી વર્ષગાંઠ ગઈ. તેઓ 2002ના મે મહિનામાં લાંબી બીમારીને અંતે આ ફાની દુનિયા છોડીને ચાલી નીકળ્યા હતા. એ વાતને આજે સત્તર વર્ષ થઈ ગયાં છે, પરંતુ તેમની સાથેની મુલાકાતોની સ્મૃતિઓ એટલી તાજી છે કે એમ લાગે જાણે હજુ ગઈ કાલની જ વાત હોય

એક દિવસ મેં તેમને પૂછ્યું કે,‘દિલ કી નાઝુક રગેં તૂટતી હૈં, યાદ ઈતના ભી કોઈ ન આયે’ જેવંુ ‘હસતે ઝખ્મ’નું ગીત કઈ રીતે લખી શક્યા? આ સાંભળીને તેમણે ભાવવિહિન આંખોથી લાંબો સમય મારી સામે જોયે રાખ્યું અને પછી દૃષ્ટિ ફેરવી લીધી. આ તેમની રીત હતી. તેમની સાથેની જે મારી યાદગાર સ્મૃતિ છે તેની વાત કરું. એક દિવસ બપોર પછી હું અબ્બા (લાંબા સંપર્ક બાદ હું પણ તેમને અબ્બા કહીને સંબોધન કરતી) ના ઓરડામાં તેમને શોધી રહી હતી.

જોયું તો તેમનો એક માણસ પાયજામામાંથી નાડુ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મને આવેલી આવેલી જોઈને એક બાળકની જેમ નિર્દોષતાપૂર્વક કહે કે,‘ઈસ વખ્ત યહાં એક ઔરત કી સખ્ત ઝરૂરત થી’. અધૂરું રહેલું કામ પૂરુ કરવા માટે મને આંગળી ચીંધીને બતાવ્યું.


બોમ્બે હોસ્પિટલમાં તેમની કમરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તે સમયે તેઓ પુષ્કળ પીડા ભોગવી રહ્યા હતા. તેઓ કહે કે,‘આજ શીબા કી બહુત યાદ આતી હૈ...’ શીબા કૈફીસાહેબની લાગણીશીલ પાલતુ કૂતરીનું નામ હતું, જે ક્યારેય તેમને ઘડીભર પણ એકલા મૂકીને જતી નહીં.


સમય વીતતો ગયો. મુંબઈની જસલોક હોસ્પિટલમાં અબ્બાએ અવારનવાર જવું પડતું. એક પછી એક માળ અને એક પછી એક રૂમમાંથી વિવિધ તબીબોની તપાસ બાદ અમે જ્યારે તેમને ઉંચા પલંગ પર સૂતેલા જોતા હતા ત્યારે તેમને વિવિધ નળીઓ લગાવેલી હતી અને કોઈક સાધનમાં તેમની તબિયતનું મોનિટરિંગ થઈ રહ્યું હતું. છતાં ક્યારેય કોઈ ફરીયાદ નહીં કે નહીં તેમને જોઈને લાગે કે તેઓ કેટલી પીડા અનુભવી રહ્યા હશે.

તેમના અંતિમદિવસોમાં તેઓ બધાથી અલગ થઈ ગયા હતા (તેમાં શાયરીનો પણ સમાવેશ થાય છે). જ્યારે તેમની દીકરી શબાના કાનમાં ઈયરફોન લગાવીને તેમણે લખેલા ગીતો સંભળાવતા ત્યારે તેઓ કોરી નજરે જોઈ રહેતા. માત્ર ત્યારે તેમનામાં ઉલ્લાસ જોવા મળ્યો હતો જ્યારે તેમને તેમના વતન ફુલપુર (મિજવાન) ગામમાં થઈ રહેલા વિકાસ કાર્યો વિશે વાત કરી હતી.

એક દિવસ સવારે તેઓ અનંતની યાત્રાએ નીકળી ગયા અને તેમની નવી કૂતરી ગૌરી એક ઓરડામાંથી બીજા ઓરડામાં શોધવા માટે આંટા મારી રહી હતી. પોતાના માલિકને ન જોઈને તે જ્યાં જ્યાં બેસતા ત્યાં શોધવા ફરી રહી હતી. તે દિવસની બપોર ધોમધખતી હતી અને રાત તેમના કુટુંબ માટે બહુ લાંબી રહી. અને મારા મનમાં તેમની કવિતા ‘મકાન’ની પંક્તિઓ ગૂંજી રહી હતી:


આજ કી રાત બહુત ગર્મ હવા ચલતી હૈ, આજ કી રાત ના ફૂટપાથ પે નીંદ આયેગી, સબ ઉઠો, મૈં ભી ઉઠું, તુમ ભી ઉઠો,
કોઈ ખિડકી ઈસી દિવાર મેં ખુલ જાયેગી...


પણ તે દિવસે અમારી પીડાનું શમન કરે તેવી કોઈ બારી ન ખૂલી. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ હૃદયમાં પીડા વધતી ગઈ. મોડી સાંજે મ્યુઝિક ડિરેક્ટર જતીન-લલિત સાંત્વના પાઠવવા આવ્યા. સાંત્વના પાઠવ્યા બાદ જતીન કૈફી આઝમીની પંક્તિ ગણગણવા લાગ્યા ‘વક્ત ને કીયા ક્યા હસીં સિતમ’ અને લલિતે તેમને સાથ આપતા ગાયું,‘જાને ક્યા ઢૂંઢતી રહેતી હૈ આંખે મુજમેં’ ત્યારબાદ જાવેદ અખ્તરે ગાયું ‘ઝરા સી આહટ હોતી હૈ’ અને પરિવારની નજીકના લોકોએ યાદ કર્યું ‘સારા મોરા કજરા ચુરાયા તુને...’ અને ‘ઈતને બાઝુ ઈતને સર...’.

અચાનક લાગ્યું કે જાણે કૈફી આઝમી ક્યાંય ગયા નથી, તેઓ તેમની અમર ગઝલો અને ગીતો દ્વારા આપણી વચ્ચે કાયમ જીવંત રહેવાના છે.

[email protected]

X
article by bhawanasomaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી