મધુર ભંડારકર: વાસ્તવિક ફિલ્મોના સર્જક

article by bhawanasomaaya

ભાવના સોમૈયા

Dec 14, 2018, 07:40 PM IST

જ્યારે ફરહાન અખ્તરે દિગ્દર્શક તરીકે ‘દિલ ચાહતા હૈ’થી શરૂઆત કરી હતી એ જ ગાળામાં આશુતોષ ગોવારિકર દિગ્દર્શિત ‘લગાન’ અને કરણ જોહરની ‘કભી ખુશી કભી ગમ’ જેવી સફળતમ ફિલ્મો આવી હતી. આ બધી સફળ ફિલ્મોની વચ્ચે પણ આ બધા કરતાં ક્યાંય ઓછા બજેટની ફિલ્મ ‘ચાંદનીબાર’ બનાવીને મધુર ભંડારકરે દર્શકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. ‘ચાંદનીબાર’ ફિલ્મે સમીક્ષકોની પ્રશંસા તો ઉઘરાવી જ, પરંતુ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભોમાં પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

મધુર ભંડારકરની બધી ફિલ્મો હિટ રહી હોય તેવું પણ નથી, નિષ્ફળ પણ રહી છે. છતાં ફિલ્મ ફેસ્ટિવલમાં તેની ફિલ્મો અચૂક દર્શાવાતી રહી છે. છેલ્લે કાશ્મીર ફિલ્મ ફેસ્ટિવલમાં મધુર ભંડારકર સાથે મુલાકાત થઈ હતી ત્યારે થયેલી વાતચીતના અંશો અહીં રજૂ કર્યા છે

આ ફિલ્મે મધુરને એક ઓળખ અપાવી અને સિનેમાનો હેતુ શું છે તે પણ સાબિત કરી આપ્યું. ગ્લેમરસ અને બિગ બજેટ ફિલ્મોના ટોળામાં મધુર ભંડારકરની સ્મોલ બજેટ અને અર્થપૂર્ણ ફિલ્મોનું એક અલાયદું અને વિશિષ્ટ સ્થાન છે. દરેક ફિલ્મ સાથે નવીન મુદ્દો અને સંકુલ સમસ્યાને સરળતાથી રજૂ કરવામાં મધુરની હથોટી છે. રાજનીતિ પરની ફિલ્મ ‘સત્તા’ હોય કે ગ્લેમરસ ઇન્ડસ્ટ્રીનું પ્રતિબિંબ ઝીલતી ‘હિરોઇન’ હોય, તેની બધી ફિલ્મો હિટ રહી હોય તેવું પણ નથી, નિષ્ફળ પણ રહી છે. છતાં ફિલ્મ ફેસ્ટિવલમાં તેની ફિલ્મો અચૂક દર્શાવાતી રહી છે.


તે એક વખત કહ્યું હતું કે મુદ્દા આધારિત ફિલ્મો બનાવીને હવે મને લાગે છે કે હું એક્ટિવિસ્ટ હોઉં.
એ સાચું છે. જુઓ, મેં મારી ફિલ્મોમાં બારગર્લ્સની તકલીફો, કોર્પોરેટ સેક્ટરના લોકોની ઇનસિક્યુરિટી અને રેમ્પ પર ચાલતી મોડેલોનાં જીવનની કાળી બાજુ વણી લીધી છે. બાકી હિન્દી ફિલ્મોમાં ભિખારીઓ તો અવારનવાર દર્શાવવામાં આવે છે, પણ જે રીતે ‘ટ્રાફિક સિગ્નલ’માં ભિખારીઓની કડવી વાસ્તવિકતા દર્શાવી છે કે ‘પેજ થ્રી’માં મીડિયા કઈ રીતે કામ કરે છે તેવું જોવા મળતું નથી.


વિષય કઈ રીતે સૂઝે છે?
મનેય ખબર નથી. હું વિષયને શોધી લઉં છે કે વિષય મને શોધી લે છે, પણ જે વિચારો આવે છે કે સૂઝે છે એ બધું કુદરતી રીતે થાય છે. હું એક અનુભવ લઉં છંુ અને પછી તેને ફિલ્મમાં દર્શાવવાનું નક્કી કરું છું.


‘કેલેન્ડર ગર્લ્સ’ બનાવવાનું કઈ રીતે નક્કી કર્યું હતું?
હું અવારનવાર ગ્લેમરસ ઇવેન્ટ્સમાં જતો હોઉં છું. એક દિવસ મારો ઓફિસબોય સાફસૂફ કરી રહ્યો હતો અને જૂનું કેલેન્ડર કાઢીને મારા ડેસ્ક પર મૂકીને મને પૂછે કે આનું શું કરવું છે? મેં કેલેન્ડર જોયું અને મેં તેને કહ્યું કે કેલેન્ડર ટેબલ પર જ રહેવા દે. દરરોજ હું તેના અમુક પેજ ફેરવતો અને એ રીતે ફિલ્મના વિષયનો જન્મ થયો.


‘ચાંદનીબાર’થી લઈને ‘હિરોઇન’ સુધીમાં ઘણાં ક્ષેત્રોને આવરી લીધાં છે, તો પીપિંગ ટોમ જેવું ફીલ નથી થતું?
જે લોકો લવસ્ટોરીઝ બનાવે છે તેઓને પણ આવું લાગતું હોય છે. હું કમ સે કમ દરેક ફિલ્મમાં એક અલગ વિષય કે મુદ્દાને તો લઈને આવું છું. મારી ફિલ્મોમાં શહેરી અને ગ્રામ્ય બંને પ્રકારના ભારત જોવા મળશે. હું ગ્લેમર વર્લ્ડને દર્શાવું છું તો નાનાં શહેરોને પણ દર્શાવું છું. હું મારી જાતને પીપિંગ ટોમ ગણવાનો ઇન્કાર કરું છું, કારણ કે મારી ફિલ્મમાં દેખાય છે તેના કરતાં જે તે ક્ષેત્રમાં લોકો ક્યાંય વધુ બેશરમ છે. હું તો તેમની ઓળખ અને મારા સોર્સ જાહેર ન થાય માટે તેમનાં નામ-ઠામ બદલી નાખું છું. હું કોઈનો ભાંડો નથી ફોડતો. ઇવન હું તો મારી ફિલ્મમાં તેમની ઓળખ ગુપ્ત રાખીને તેમને બચાવી રહ્યો છું.


હા, પણ બધા જાણે છે કે તમારી ફિલ્મોનાં પાત્રો વાસ્તવિક લોકો અને ઘટનાઓ પર આધારિત હોય છે.
ખરું તો બધા એ પણ જાણે છે કે હું વાસ્તવિક ઘટનાઓને અમુક અંશે ફેરવીને વાસ્તવિકતામાં કલ્પનાના રંગો પૂરીને ફિલ્મ બનાવું છું, કારણ કે સાચી વાર્તા તો હકીકતમાં બહુ જ કરુણ અને દુ:ખદાયી હોય છે, જ્યારે હું મારી ફિલ્મ દ્વારા આશાનું કિરણ બતાવું છું. ‘ચાંદનીબાર’માં તબ્બુનું પાત્ર અને ‘ફેશન’માં પ્રિયંકા ચોપરા તેનાં ઉદાહરણો છે.


અને તમારી ફિલ્મોની હિરોઇનોને નેશનલ એવોર્ડ જીતવાની પણ તક મળી રહે છે?
કાયમ તો મારી ફિલ્મોની હિરોઇનને નેશનલ એવોર્ડ નથી મળતા, પણ હા ક્યારેક મળે છે. તબ્બુ અને પ્રિયંકા ચોપરાને નેશનલ એવોર્ડ મળ્યા છે, જ્યારે કરીના કપૂર અને બિપાશા બાસુને નથી મળ્યા. આનું નામ જ શો બિઝનેસ છે.


ક્યારેક લાંબા સમય સુધી ફિલ્મ નથી આવતી તો ત્યારે શું કરો છો?
સવાલ સરસ છે. જ્યારે હું ફિલ્મ નથી બનાવતો હોતો ત્યારે મુસાફરી કરું છું અને અનુભવો મેળવું છું, નિરીક્ષણ કરું છું, જે મારી પછીની ફિલ્મોમાં પ્રતિબિંબિત થતા હોય છે. થોડી ધીરજ રાખો હું ટૂંક સમયમાં જ ફિલ્મની જાહેરાત કરીશ.

[email protected]

X
article by bhawanasomaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી