દીપિકા પદુકોણ : સ્વતંત્ર ઓળખ ધરાવતી નવોઢા

article by bhawanasomaaya

ભાવના સોમૈયા

Nov 30, 2018, 02:52 PM IST

વર્ષ 2006ની આસપાસની વાત છે જ્યારે પહેલી વખત મેં દીપિકા પદુકોણનું નામ ફેશન ડિઝાઇનર પ્રસાદ બિદ્દપ્પાના મોંઢે સાંભળ્યું હતું, કારણ કે તે વખતે ‘ઓમ શાંતિ ઓમ’માં શાહરુખ ખાન સામે દીપિકા પદુકોણને સાઇન કરવામાં આવી હતી. તે વખતે બિદ્દપ્પા દીપિકા વિશે વાત કરતા થાકતો નહોતો. શરૂઆતનાં વર્ષોમાં દીપિકાને સફળતા અને નિષ્ફળતા બંનેનો અનુભવ થયો. ‘બચના એ હસીનો’ જેવી સરેરાશ સફળ ફિલ્મ કરી તો ‘ચાંદની ચૌક ટુ ચાઇના’ જેવી સદંતર નિષ્ફળ ફિલ્મ પણ તેના ખાતામાં હતી.

દીપિકા પદુકોણે લગ્ન ભલે રણવીરસિંહ જેવા જાણીતા અભિનેતા કર્યા હોય પરંતુ તેની આગવી અને સ્વતંત્ર ઓળખ છે. દીપિકા કારકિર્દી અને પ્રણય સંબંધમાં નિષ્ફળતાનો સામનો કરી ચૂકી છે. ઈવન ડિપ્રેશનનો પણ ભોગ બની ચૂકી છે. ડિપ્રેશનમાંથી બહાર આ‌વ્યા બાદ તેણે આ વાત જાહેર પણ કરી હતી. જે તેનો આત્મવિશ્વાસ સૂચવે છે

તે વખતે મીડિયામાં તેના વિશે ચર્ચાઓ તેની પ્રતિભા કરતાં રણબીર કપૂર સાથેના તેના પ્રણય પ્રસંગોની વધુ થતી. સમીક્ષકોને હજી તેનામાં હીર દેખાવાનું બાકી હતું. જે તેમને ‘લવ આજ કલ’માં દીપિકાના પરફોર્મન્સમાં દેખાયું. પછી જોકે ‘કાર્તિક કોલિંગ કાર્તિક’ જેવી પ્રયોગાત્મક ફિલ્મ કરવા બદલ પણ તેની પ્રશંસા થઈ, પરંતુ હજી તેણે પોતાની જાતને સાબિત કરવાની બાકી હતી. દીપિકા સાથે પહેલી વખત મારી મુલાકાત રિશિ કપૂરના ઘરે થઈ હતી. ત્યારે નીતુ કપૂરના માતૃશ્રી રાજીસિંહનું અવસાન થયું હતું. વિધિ કરાવવા માટે પંડિતજી આવે તેની રાહ જોતાં અમે બધાં લિવિંગ રૂમમાં બેઠાં હતાં. તે વખતે રણબીરના બધા મિત્રો આવ્યા હતા.


તેના થોડા મહિનાઓ બાદ ફરી દીપિકા સાથે મુલાકાત થઈ ગઈ. તે વખતે આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘ખેલે હમ જી જાન સે’નું શૂટિંગ ગોવામાં થઈ રહ્યું હતું. તે વખતે તેના બ્રેકઅપની વાતો ચાલી રહી હતી, પરંતુ તેની કોઈ અસર દીપિકા શૂટિંગમાં દેખાવા દેતી નહોતી. બંગાળી સાડી પહેરીને સાઇકલ પર ફરતી દીપિકા એકદમ સ્વસ્થ જણાતી હતી. એક ફરક જોકે હવે તેનામાં આવી ગયો છે. તેના ચહેરા પર હવે પહેલાંની જેમ સ્મિત સામાન્ય રીતે જોવા મળતું નથી.

તે વખતે તેનો ખંજનવાળો ચહેરો જોવાલાયક હતો જ્યારે આશુતોષ તેને અચાનક બેડમિન્ટન રમવા ખેંચી જાય છે. તે વખતે આશુતોષ ગોવારિકર રમૂજમાં કહેતો પણ હતો કે, ‘મેં દીપિકાને એટલે જ સાઇન કરી છે, કારણ કે તેની સાથે બેડમિન્ટન રમી શકાય.’ આ સાંભળીને દીપિકા ખડખડાટ હસી પડેલી, જાણે દિલ ખોલીને હસી હતી! ફિલ્મની નિર્માત્રી સુનીતા ગોવારિકરે મને તે દિવસે કહ્યું કે, આજે જે સ્થાન ઐશ્વર્યા રાયનું છે તે ભવિષ્યમાં દીપિકા પદુકોણનું હશે.’ અને દીપિકાની કામ તરફની નિષ્ઠા અને પ્રોફેશનાલિઝમ જોતાં મને પણ સુનીતાની વાત સાચી પડશે તેમ લાગતું હતું.


2010ની વાત છે જ્યારે દીપિકા પદુકોણની ‘હાઉસફુલ’, ‘લફંગે પરિન્દે’, ‘બ્રેક કે બાદ’ અને ‘ખેલે હમ જી જાન સે’ જેવી ફિલ્મો ખાસ કંઈ ઉકાળી શકી નહોતી, છતાં તેના કામની નોંધ લેવાઈ રહી હતી અને એટલે જ તો પ્રકાશ ઝા જેવા દિગ્દર્શકે ફિલ્મ ‘આરક્ષણ’માં અમિતાભ બચ્ચનની દીકરીના રોલ માટે સાઇન કરી. એ પ્રથમ ઘટના હતી જ્યારે તે મેગાસ્ટાર સાથે સ્ક્રીન શેર કરી રહી હતી. 2012માં આવેલી ‘કોકટેલ’ ફિલ્મને હું દીપિકાની કારકિર્દીમાં આવેલો ટર્નિંગ પોઇન્ટ ગણું છું. તેના પછી અયાન મુખર્જી દિગ્દર્શિત ‘યે જવાની હૈ દીવાની’ અને સંજય લીલા ભણસાલીની ‘ગોલિયોં કી રાસલીલા: રામલીલા’ જેવી ફિલ્મો રિલીઝ થઈ. હવે ઇન્ડસ્ટ્રીના ટોચના દિગ્દર્શકો તેને પોતાની ફિલ્મમાં લેવા માગતા હતા. દીપિકા પાસે નામ અને દામ બંને હતાં.

તેવામાં એક સવારે દીપિકા ડિપ્રેશનનો ભોગ બની. જેમાં તેણે કાઉન્સેલર પાસે જવાનું શરૂ કર્યું. આ વાતથી બધાને આંચકો લાગ્યો. જોકે, કેટલાકે તેને પબ્લિસિટી સ્ટંટ પણ ગણાવ્યો. જ્યારે કેટલાક કહેતા હતા કે મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે દીપિકાએ એડવોકેટ રોક્યો છે. સફળતાએ સંવેદનાઓને બુઠ્ઠી બનાવી દીધી હતી. બાકી દીપિકા કારકિર્દીના એવા મુકામે હતી જ્યાં બધું બરાબર ચાલી રહ્યું હતું. 2014માં ‘ફાઇન્ડિંગ ફેની’ અને 2015માં સફળતમ ‘પિકુ’ આવી હતી. અસાધારણ સફળતાને કારણે હતાશા આવી હતી. ‘બાજીરાવ મસ્તાની’ના પ્રમોશન દરમિયાન મેં તેનામાં હકારાત્મક ફેરફાર જોયો. ‘બાજીરાવ મસ્તાની’ના દેખાવથી દીપિકા સંતુષ્ટ હતી. ‘તમાશા’એ પણ તેને પ્રશંસા અપાવી હતી, પરંતુ ‘પદ્માવત’ની રિલીઝ પહેલાંની ઘટનાએ તેને નિરાશ કરી હતી. પ્રસાદ બિદ્દપ્પાની વાત સાચી હતી. દીપિકા પદુકોણમાં કંઈક એવું ખાસ છે અને એટલે જ રણવીરસિંહને નસીબદાર ગણવો રહ્યો કે તેને રાજકુમારી જેવી દીપિકા મળી.

[email protected]

X
article by bhawanasomaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી