સબ ટાઇમ ટાઇમ કી બાતેં હૈં

article by bhawanasomaaya

ભાવના સોમૈયા

Nov 24, 2018, 12:26 PM IST

શો બિઝનેસની ટેવ પડી જાય તેવો બિઝનેસ છે, પણ તેની એક ખરાબ બાબત એ છે કે તેની કોઈ યાદશક્તિ નથી. જે લાઇમલાઇટમાં નથી રહેતા તે લોકોને, કલાકારોને ભુલાવી દેતા બહુ વાર લાગતી નથી. પણ જ્યારે ટેક્નોલોજીએ માનવજીવન પર આજના જેટલો કબજો નહોતો જમાવ્યો અને લોકો પાસે એકબીજાને મળવાનો સમય હતો, એકબીજાના મનની વાત કરવાનો સમય હતો. પોતાનાં સુખ-દુ:ખ એકબીજા સાથે વહેંચતા તે સમય જરા જુદો હતો. પચાસ અને સાઠના દશકમાં અને અમુક અંશે સિત્તેરના દશકમાં ફિલ્મજગત અને શો બિઝનેસમાં લોકો એકબીજાની નજીક હતા. ત્યારે દરેક વ્યક્તિ એકબીજાના મિત્રોને ઓળખતી અને એકબીજાને મદદરૂપ થતી.જોકે, સફળતા તે સમયે પણ એટલી જ મહત્ત્વની હતી અને સ્ટારડમ ત્યારે પણ લાયકાત ગણાતી, પણ આજ જેવું નિષ્ઠુરપણું તે વખતે નહોતું.

રાજ ગ્રોવર લિખિત આ પુસ્તકનો કાળક્રમ પચાસના દશકથી શરૂ થઈને સિત્તેરના દશક સુધી ફેલાયેલો છે. જેમાં અમિતાભ બચ્ચનના સંઘર્ષકાળથી માંડીને તેમને મળેલી સફળતા અને ઝરિના વહાબે કરેલી ખોટી ફિલ્મોની પસંદગી સુધીની વાતો છે. ઉર્દૂમાં લખાયેલું આ પુસ્તક હિન્દી અને હવે અંગ્રેજીમાં ભાષાંતરિત થયું છે

આજે શુક્રવારે વચનો આપવામાં આવે છે અને જો ફિલ્મ બોક્સઓફિસ પર બેસી જાય તો વચનો પણ ભુલાવી દેવામાં આવે છે. ફિલ્મ દર ફિલ્મ સંબંધોનાં સમીકરણો પણ બદલાતાં રહે છે. કલાકારની ચડતી અને પડતી પર તેનો આધાર હવે રહ્યો છે. આજે જે વ્યક્તિ કે કલાકાર હેડલાઇનમાં નથી કે સનસનાટીભર્યાં નિવેદનો નથી આપતી તેના પર મીડિયા પોતાનો સમય કે જગ્યા નથી બગાડતું, પણ એક સમય હતો જ્યારે અમે સ્ટાર અને તેમના મિત્રો સાથે કોઈપણ પ્રકારના હેતુ વિના સમય વિતાવી શકતા. આવા જ એક સમયની સ્ટોરી તમારી સામે રજૂ કરી રહી છું. વાત છે નિર્માતા રાજ ગ્રોવરની! સિત્તેરના દશકના પૂર્વાર્ધમાં રાજ ગ્રોવરનું નામ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતંુ હતું. જો તમારે નરગિસ કે સુનીલ દત્તને મળવું હોય તો રાજ ગ્રોવર દ્વારા જ મળી શકાતું, કારણ કે રાજ દત્ત પરિવારના વિશ્વાસુ મિત્ર હતા. એંશી અને નેવુના દશકમાં હું ગ્લોસી મેગેઝિનનું એડિટિંગ કરતી. તે જમાનામાં રાજ ગ્રોવર અવારનવાર ઓફિસે આવતા અને વીતેલાં વર્ષોના સિતારાઓનાં સંસ્મરણો વાગોળતા. તેઓ વાત કરવામાં કુશળ હતા. વાતવાતમાં શેરોશાયરી ટાંકવી અને આખી ઘટનાને વાર્તાની જેમ રસપ્રદ ઢબે કહેવી તે તેમની વિશેષતા હતી.


તેમની સાથે વાતો કરતી વખતે હું કહેતી કે, ‘તમારે આ તમારા બહુમૂલ્ય અનુભવોનું એક પુસ્તક લખવું જોઈએ.’ ત્યારે જવાબમાં ગ્રોવર કાયમ કહેતા કે, ‘જ્યારે મને લાગશે કે હું તૈયાર છંુ ત્યારે ચોક્કસ લખીશ. તે સમયે હું નહોતી જાણતી કે ગ્રોવર એક ડાયરીમાં સતત ઝીણી ઝીણી વિગતો ટપકાવતા રહેતા હતા અને પછી જ્યારે સમય આવ્યો ત્યારે તેમણે કહ્યા મુજબ એક પુસ્તક લખ્યું જેનું નામ છે, ‘ધ લિજેન્ડ્સ ઓફ બોલિવૂડ’.


મૂળ ઉર્દૂમાં લખાયેલું આ પુસ્તક હિન્દી અને હવે અંગ્રેજીમાં ભાષાંતરિત થયું છે. ‘સોસાયટી’ મેગેઝિનના પૂર્વ એડિટર સુચિત્રા અય્યરે તેનો અંગ્રેજી ભાવાનુવાદ કર્યો છે. 271 પેજ ધરાવતું અને 24 પ્રકરણો ધરાવતું આ પુસ્તક છે. આ પુસ્તક સાબિતી છે એ વાતની કે રાજ ગ્રોવર શો બિઝનેસની ઝીણામાં ઝીણી બાબતોનું નિરીક્ષણ કરતા રહ્યા છે. ફિલ્મ કલાકારો, ફિલ્મ શૂટિંગ અને તેમના ઘરમાં વિતાવેલા સમયની ઝીણવટભરી વિગતો છે. ફિલ્મ સ્ટારોના સારાનરસા સમય, તેમની સફળતા નિષ્ફળતાના સાક્ષી રહ્યા છે. પરિણામે જ તેઓ કલાકારોની માનસિકતાનું દસ્તાવેજીકરણ કરી શક્યા છે.

મૂળ ઉર્દૂમાં લખાયેલું આ પુસ્તક હિન્દી અને હવે અંગ્રેજીમાં ભાષાંતરિત થયું છે. સોસાયટી મેગેઝિનના પૂર્વ એડિટર સુચિત્રા અય્યરે તેનો અંગ્રેજી ભાવાનુવાદ કર્યો છે

આ પુસ્તકનો કાળક્રમ પચાસના દશકથી શરૂ થઈને સિત્તેરના દશક સુધી ફેલાયેલો છે. જેમાં અમિતાભ બચ્ચનના સંઘર્ષકાળથી માંડીને તેમને મળેલી સફળતા અને ઝરિના વહાબે કરેલી ખોટી ફિલ્મોની પસંદગી સુધીની વાતો છે. કઈ રીતે ઝરિના વહાબને રાજ ગ્રોવર એ ભૂલ સુધારવામાં મદદ કરે છે અને રાજશ્રી પ્રોડક્શન્સની ફિલ્મ અપાવે છે તે વિગતો પુસ્તકમાં છે.
પુસ્તક વાંચતી વખતે એવું લાગે કે જાણે મેમરી લેનમાંથી પસાર થતા હોઈએ. જ્યાં પ્રકાશ મહેરા, વિનોદ ખન્ના, જ્હોની વોકર, કપૂર પરિવારના કલાકારો સાથે મળવાનું બને છે. આ પ્રસંગોમાં સૌથી વધુ ઇમોશનલ સ્ટોરી નરગિસ અને સુનીલ દત્તની છે. આ પુસ્તક રાજ ગ્રોવરે નરગિસ અને સુનીલ દત્તને અર્પણ કર્યું છે. રાજ ગ્રોવરે લગભગ આખું જીવન મુંબઈમાં વિતાવ્યું અને કામ કર્યું, પરંતુ સુનીલ દત્તના અવસાન બાદ જાણે રાજ ગ્રોવરને લાગ્યું કે મુંબઈમાં પોતાનાં કોઈ મૂળ નથી. પરિણામે પુત્રો અને પૌત્રો સાથે રહેવા અમેરિકા શિફ્ટ થઈ જાય છે. પુસ્તક બધી રીતે મજાનું છે, પણ ટાઇટલ અને કવરપેજને બાદ કરતા! કારણ કે તેને પુસ્તકના વિષય સાથે કોઈ લેવાદેવા નથી. પુસ્તકમાં હિન્દી સિનેમાના જૂના વખતની વાતો છે. એ‌ વખતે હજુ હિન્દી સિનેમા માટે બોલિવૂડ જેવો શબ્દ અસ્તિત્વમાં આવ્યો નહોતો.

અભિનેતાઓ ત્યારે કલાકાર ગણાતા લિજેન્ડ્સ નહીં. જોકે, મૂળ ઉર્દૂ પુસ્તકનું શીર્ષક ‘યાદેં’ છે. એ જ રીતે અન્ય ભાષાના વાચકોને અપીલ કરે તેવું યોગ્ય શીર્ષક પસંદ કરવા જેવું હતું. છતાં એ સ્મરણોનો અંગ્રેજીમાં ભાવાનુવાદ કરવા બદલ સુચિત્રા અય્યરનો આભાર માનવો રહ્યો.

[email protected]

X
article by bhawanasomaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી