ચાલો સિનેમા / દિવંગત અભિનેત્રીની ચિરંતન સ્મૃતિ

article by bhavna somaiya

ભાવના સોમૈયા

Mar 29, 2019, 03:05 PM IST

પાંચ વર્ષ પહેલા એટલે કે 25 માર્ચ 2014ના રોજ અભિનેત્રી નંદા આ ફાની દુનિયા છોડીને ચાલી ગયા હતા. તેમણે જ્યારે અભિનયની શરૂઆત કરી ત્યારે બેબી નંદા તરીકે ઓળખાતા હતા. આપણે ત્યાં જેમ બનતું આવ્યું છે તેમ નંદાના કિસ્સામાં પણ બન્યું. એટલે કે તેમના અવસાન વખતે સામયિકો, અખબારો અને ટીવી ચેનલોએ શ્રદ્ધાંજલી પાઠવી. જેમાં નંદાની ઉજ્જવળ કારકિર્દી અને જીવનના પ્રકરણો વિશે વાત કરવામાં આવી હતી અને પછી કાયમને માટે આ પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકી દીધું. આ દુખદ છે પરંતુ હકીકત છે. શો બિઝનેસમાં કાર્યરત વ્યક્તિઓના જીવનની દરેક ચડતીપડતીની નોંધ લેવાતી હોય છે. પણ આજે જે ચર્ચામાં હોય તેના પર ફોકસ કરવા જતાં ભૂતકાળના સિતારાઓ વિસારે પાડી દેવામાં આવતા હોય છે.

  • ફિલ્મી દુનિયામાં જે આજે લાઈમલાઈટમાં છે તેના વિશે સૌ વાત કરશે. તેના ચાહકોનું પ્રમાણ આજે જેટલું છે તે પ્રમાણ હંમેશા નથી રહેવાનું. એક લોકપ્રિય ચહેરો ફિલ્મોમાંથી જેમજેમ ગાયબ થતો જશે તેમ તેમ તેના વિશે થતી વાતોનું પ્રમાણ ઘટતું જશે. આવા જ એક ચહેરાની વાત આજે કરવી છે

નંદા સાથે મારો પરિચય તેમના હેરડ્રેસર કુસુમ દ્વારા થયો હતો. સાયરાબાનુના માતા નસીમબાનુનુ અવસાન થયું હતું અને હું ખરખરો કરવા ગઈ હતી. જ્યાં સફેદ વસ્ત્રોમાં નંદાને ત્યાં જોયા, મને જોઈને તેમણે હળવું સ્મિત કર્યું. તેઓ રીઝર્વ નેચરના હતા તે વાત જાણીતી હતી એટલે મેં સીધી વાતચીત કરવાનું ટાળ્યું. પછી આશા પારેખના સાંઈઠમાં જન્મદિવસની ઉજવણીમાં અમે મળ્યાં. આમ તો નંદા જાહેરકાર્યક્રમો અને પાર્ટીઓથી દૂર રહેનારા પણ આશા પારેખના ઘરે આયોજિત એ પાર્ટીમાં તેઓ આવવાના હોવાના મને સમાચાર મળી ગયા હતા. તે દિવસે જે ટેબલ પર નંદા બેઠા હતા ત્યાં જ મારે બેસવાનું બન્યું. તે દિવસે તેઓ ટ્રેડમાર્ક સફેદ સાડીને બદલે સ્કાયબ્લૂ વસ્ત્રોમાં હતા. હું તેમની સામે જોતી હતી અને જાણે મારી આંખનો સવાલ વાંચી ગયા હોય તેમ સામેથી કહે કે,‘આશાએ મને કહ્યું હતું કે આજે હું અલગ રંગના વસ્ત્રો પહેરીને આવું. અને આજે આશાનો સ્પેશિયલ દિવસ છે એટલે તેને નિરાશ કરવા માંગતી નહોતી.’
‌વળી એક દિવસ વર્સોવાની એક મ્યુઝિકશોપમાં મળી ગયા. આ વખતે તેમનું સ્મિત જરા મોકળાશભર્યું હતું. તેમણે મને કહ્યું કે, પોતે અવારનવાર સાંજે ડ્રાઈવ પર નીકળે છે અને અહીંથી ખરીદી કરવા આવી જતી હોઉં છું. સાથે તેમણે મને ઘરે કોફી પીવાનું આમંત્રણ પણ આપ્યું. તેમનું આમંત્રણ નકારવાનો તો કોઈ સવાલ હોય જ નહીં. અને તે સાંજે કોફીના કપ પર કપ પીવાતા રહ્યા અને અમારી વચ્ચે વાતો ચાલતી રહી. પછી અમે વાતો કરતાં કરતાં લિવિંગરૂમમાંથી અગાસીએ ગયા. જ્યાંથી દરિયો અને સૂર્યાસ્ત દેખાતા હતા. તે વખતે દરિયામાં ભરતી હતી. દરિયા સામે જોતા જોતા નંદાએ વાળનો અંબોડો છોડતા કારકિર્દીની શરૂઆત વિશે વાત કરવા લાગ્યા. માસ્ટર વિનાયકની દિકરી તરીકે બાળકલાકાર તરીકે ફિલ્મોમાં શરૂઆત કરી. ધીમે ધીમે ઉંમર વધતા પચાસના દશકની બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોમાં હિરોઈન તરીકે કામ કર્યું અને પછી રંગીન ફિલ્મોના દૌરમાં પણ કામ કર્યું.

હાઈરાઈઝ એપાર્ટમેન્ટના પ્રાઈવેટ ટેરેસ પર ઉભેલા નંદા જીવન અને કારકિર્દીમાં આવેલા ઉતાર-ચઢાવ વિશે વાત કરી રહ્યા હતા. સંયુક્ત કુટુંબમાં તેઓ રહેતા હતા. માતા-પિતાના અવસાન બાદ કપરા દિવસો આવ્યા હતા. એક ફિલ્મ કલાકારની કારકિર્દીમાં બોક્સઓફિસ કલેક્શનનું ખૂબ મહત્ત્વ હોય છે. તેઓએ કહ્યું કે, મારા સમકાલીનોની જેમ હું કોઈ ચોક્કસ બેનર સાથે કાયમી જોડાયેલી ન રહી એટલે ટોચની હિરોઈન ન ગણાઈ. મારા કોઈ ગોડફાધર નહોતા. મેં ફિલ્મ ‘છોટી બહેન’માં બહેનની ભૂમિકાથી શરૂઆત કરી હતી. પછી ‘આજ ઔર કલ’ ફિલ્મમાં આદર્શ દીકરી બની. ‘હમ દોનો’માં આદર્શ પત્ની બની. પછી તો ‘જબ જબ ફૂલ ખીલે’,‘ધ ટ્રેન’ અને ‘ઈત્તેફાક’ જેવી ફિલ્મો પણ કરી. તે સમયના અભિનેતાઓ અને ફિલ્મસર્જકો સાથે મારે સારા સંબંધો રહ્યા. પછીના દિવસોમાં મને ‘શોર’,‘મઝદૂર’ અને ‘પ્રેમરોગ’ જેવી ફિલ્મોમાં ખૂબ સારી ભૂમિકાઓ કરવાની પણ તક મળી. યુવાનીના દિવસોમાં રાજ કપૂર અને મેં સાથે કામ કર્યું નહીં પણ આ દુનિયા સુખદ આશ્ચર્યો પણ ધરાવે છે. એટલે જ્યારે રાજ કપૂર નિર્મિત-દિગ્દર્શિત ફિલ્મ ‘પ્રેમરોગ’ મને ઓફર થઈ તે મારા માટે સુખદ આશ્વર્ય હતું. રાજ કપૂર એટલા પ્રતિભાસંપન્ન હતા કે શૂટિંગ વખતે આજુબાજુ ફરતા હોય તો પણ એમ લાગે જાણે ફિલ્મના વર્કશોપમાં ભાગ લઈ રહ્યા હોઈએ. જો કે ત્યારે કોને ખબર હતી કે એ તેમની છેલ્લી ફિલ્મ પુરવાર થશે.

મારી નંદા સાથેની છેલ્લી મુલાકાત વહીદા રહેમાનને ઘરે થઈ હતી. જ્યાં વહીદા રહેમાન અને નંદા તે વખતે રિલીઝ થયેલી ફિલ્મ વિશે ચર્ચા કરી રહ્યા હતા. એ સાંભળીને મને નવાઈ લાગી એટલે નંદા કહે કે,‘અમે ભલે આજે ફિલ્મોમાં અભિનય ન કરી રહ્યા હોઈએ પરંતુ ફિલ્મો અમારા લોહીમાં વહે છે.’ તેમની વાત સાથે સહમત થયા વિના રહી જ ન શકીએ. અને આજે તેમને યાદ કરતાં મારા ચહેરા પર હળવું સ્મિત ફરકી ગયું અને એક ગીત સ્મૃતિમાં તરી આવ્યું ‘એક પ્યાર કા નગમા હૈં...’

[email protected]

X
article by bhavna somaiya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી