પુરુષ પોતાની વ્યથા કોને કહે? બહુ મૂંઝાયા પછી મોતને મીઠું કરે!

article by bhadrayu vachharajani

ભદ્રાયુ વછરાજાની

Nov 18, 2018, 12:05 AM IST

‘તારા મમ્મી મને મીંઢી કહી પડોશમાં વગોવે છે. હવે તું કંઇક કર. હું આવું નહીં ચલાવું હા!’
એક પત્નીએ પરણ્યાના દોઢ વર્ષે પતિને ધમકીભર્યો સંદેશો આપ્યો.
‘બેટા, તારી વહુ મોઢાંમાં મગ ભરીને જીવે છે તેમ કેમ ચાલે? તને ખબરછે કે એ હું પૂછું તો
હોંકારો પણ દેતી નથી? બેટા, આમ ઘર ક્યાંથી ચાલે? તું જ કંઇક રસ્તો કાઢ તો સારું.’
એ જ પતિના માતાશ્રીએ પોતાના દીકરાને વહાલથી વ્યથામાં ગરકાવ કરી દીધો!!

મા અને પત્ની બંનેને સાચવવાની કસરતને લઈને પુરુષ અંદરથી ભાંગતો જાય છે! છેલ્લા પિસ્તાલીસ વર્ષોમાં સ્ત્રીઓની તુલનામાં પુરુષની આત્મહત્યાના કિસ્સાઓમાં પાંસઠ ટકાનો વધારો થયો છે!!

આ પરિસ્થિતિમાં એ પુરુષ શું કરે? ના, આમ જુઓ તો પ્રશ્ન એનો નથી. એ આ પ્રશ્ન માટે ક્યાંય જવાબદાર પણ નથી, છતાં આ પુરુષ હા કહે તો હાથ કપાય ને ના કહે તો નાક કપાય... એનો પ્રયાસ તો છે બંનેને ખુશ રાખવાનો, કારણ એક સ્ત્રીએ તેને ઉછેરીને મોટો કર્યો છે, તોબીજી સ્ત્રી તેના સંવેગોને હવે સંવારવાની છે. પુરુષ કોને નારાજ કરે? અને એ બંનેને રાજી કરી શકે એ શક્ય જ નથી ત્યારે પુરુષ પોતાની વ્યથા કોને કહે? મા અને પત્નીને સાચવી લેવાની કસરતને લઇને પુરુષ અંદરથી ભાંગતો જાય છે, પોતાની જાતને હારેલો લાચાર સમજવા લાગે છે. અને પછી કાં તો ઇન્ટ્રોવર્ટ બની એકાકી-અળગો જીવવા લાગે છે ને કાં તો એક્સટ્રોવર્ટ બની વ્યસન કે બુરી આદત તરફ ઢળવા લાગે છે... આપણા સમાજની આ નગ્ન વાસ્તવિકતા છે ત્યારે 2018ના ‘ઇન્ટરનેશનલ મેન્સ ડે’ની થીમ છે: Stop Male Suicide.


વિશ્વસ્તરે એક મોટી ચિંતા સેવાય રહી છે તે આ છે કે: વિશ્વના મોટા મોટા દેશોમાં પુરુષોની આત્મહત્યાની સંખ્યા દિનપ્રતિદિન વધતી રહી છે. છેલ્લા પિસ્તાલીસ વર્ષોમાં સ્ત્રીઓની તુલનામાં પુરુષની આત્મહત્યાના કિસ્સાઓમાં પાંસઠ ટકાનો વધારો થયો છે!! વિશ્વની સ્વાસ્થ્ય સંસ્થાઓ આ Male Suicideને ચિંતાજનક Silent Epidemic કહે છે. આપણા સત્તાણું ટકા દેશોમાં મેઇલ સ્યુસાઇડનું પ્રમાણ વધી રહ્યું છે, એ ખરેખર ભયસૂચક છે. આત્મહત્યા એ મનોઅસંતુલનનું પરિણામ છે ત્યારે તેના આંકડા કંઇ સરખામણીનો વિષય નથી, પણ સ્ત્રીઓ કરતાં બમણા પુરુષો અકથ્ય વેદનાને લઇને જીવ આપી દે છે. અમેરિકા અને યુકેમાં પાંચમાંથી ચાર અને ઓસ્ટ્રલિયાને કેનેડામાં ચારમાંથી ત્રણ આત્મહત્યા પુરુષો દ્વારા થઇ રહેલ છે! એવું નથી કે માત્ર જીવ દઇ દેવો એ જ એક લક્ષણ છે, પરંતુ 2015ના સર્વે અનુસાર સ્ત્રીની આવરદા સરેરાશ 74 વર્ષની ગણવામાં આવી છે, તો તેની સામે પુરુષો સરેરાશ 69 વર્ષ સુધી જીવે છે!...

ફલત: આપણા દીકરા કે દીકરી બહુ નાની ઉંમરે દાદાને ગુમાવી બેસી તેવું બની રહ્યું છે. ભારત જેવા દેશમાં તો એવું નોંધાય રહ્યું છે કે 60થી 70ની ઉંમરની વચ્ચે પતિ વિદાય લે પછી તેની પત્ની પંદરથી પચ્ચીસ વર્ષ સુખરૂપ જીવે છે. સાસુને વેંઢારવાનું વહુના નસીબમાં વધુ આવે છે અને તેની આડઅસર ઘરના પુરુષની સાંવેગિકતા ઉપર નઠારી પડે છે. કામ-ધંધા કે નોકરીના તનાવથી થાકી પુરુષ ઘરે આવે ત્યાં પત્ની સાસુની ફરિયાદોનો ધોધ વરસાવે છે અને એ માતા પાસે ટાઢક મેળવવા જાય ત્યાં મા પોતાની વહુ વિશે વ્યંગ વાણી છેડે છે... પુરુષને પ્રશ્ન થાય છે કે: ‘અબ જાયેં તો જાયેં કહાઁ?’


આપણે ખેડૂતોની ને દલિતોની આત્મહત્યા વિશે સમાચાર વાંચીને ત્યારે ક્યારેય ક્યાં વિચારીએ છીએ કે એક પુરુષ મરી રહ્યો છે! અને પુરુષને આજે પણ ઘરનો મોભી ગણ્યો છે ત્યારે એક કુટુંબનો મોભ ભાંગી રહ્યો છે, તેનું શું? ‘ઇન્ટરનેશનલ મેન્સ ડે’ની ઉજવણી એ માત્ર ગુડી ગુડી વાતોથી પુરુષજીવને બહેકાવવા માટે નથી, વિશ્વસંસ્થા કહે છે કે ત્રણ પગથિયાં ચડો ને પૌરુષત્વનો દિલથી આદર કરો: Learn, Love, Listen... પુરુષને સમજવો પડશે, પુરુષ સમજાશે તો તેને ચાહી શકાશે અને ચાહત ઉભરશે તો પુરુષને કાન દઇ શકાશે... સ્ત્રીને સૌ સાંભળે. સ્ત્રી ક્યાંય પણ દિલ ખોલી વાતો કરી શકે ને આંસુ સારી શકે, પણ પુરુષના હૃદય પાસે કાન કોણ ધરે?

[email protected]

X
article by bhadrayu vachharajani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી