ઓફબીટ / પ્રેમ : સુંદર જીવનની યોજના

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Feb 20, 2019, 12:58 PM IST

આત્માનું અવિભાજ્ય અંગ છે પ્રેમ! તમે પ્રેમને સ્વીકારતા નથી, પ્રેમ તમને ધારણ કરે છે. આ જગતમાં કોઈ એવો માણસ નહીં હોય જે પ્રેમમાં ન પડ્યો હોય! પ્રેમ અને વાસનામાં ભેદ છે. આપણે જે ભોગવીએ છીએ એ આપણા મૂડ પ્રમાણે સેટ થયેલી સુખની પરિભાષા છે. પ્રાણીઓની વાસના ભોગવીને દૂર થઈ જવામાં છે. થોડાક દિવસ સાથે રહ્યા પછી પ્રાણીઓ એકબીજાને ભૂલી જઈને પોતપોતાની સૃષ્ટિમાં ગરકાવ થઈ જાય છે. જન્મ આપીને થોડાક દિવસોમાં એ પોતાનાં સંતાનોને પણ ભૂલી જાય છે. પ્રેમ વાસનાથી પર હોય છે. આપણે વાસનાને જ પ્રેમ સમજીએ છીએ. પ્રેમ એ તો સંપૂર્ણ સ્વીકારની એપ્લિકેશન છે. જેને ડાઉનલોડ કર્યા પછી એપ પોતે કોઈ ઇન્ફર્મેશન નથી માગતી! એ wifi વિનાનું નેટવર્ક છે.

  • તમે જેવા છો એવા છતાં થઈ જાવ તે છતાં તમારો સંપૂર્ણ સ્વીકાર થાય એમાં પ્રેમની વસંત છે

તમે જેવા છો એવા છતાં થઈ જાવ તે છતાં તમારો સંપૂર્ણ સ્વીકાર થાય એમાં પ્રેમની વસંત છે. મારા જ લખેલા પ્રેમ પરના શેર અને કવિતા યાદ આવે છે. પ્રેમ થાય પછી કોઈ બારેમાસનો ભવ ઊજવાય છે.
લે હવે ચોમાસુ બારેમાસ છે,
કોક એવું આપણામાં ખાસ છે.
કોઈ ખાસ આપણામાં રહેવા આવે ત્યારે આપણી ચેતનામાં ચેરાપુંજીનો વરસાદ અનુભવાય છે. શું થાય છે આપણે પ્રેમમાં પડીએ છીએ ત્યારે?
પ્રેમમાં તો એમ થાતું હોય છે,
વાયરા સમ કોઈ વાતું હોય છે.
નામ લખવાનું હજુ બાકી હતું,
એ જ પાનામાં જિવાતું હોય છે.
જ્યાં જીવવાનો અનુભવ અને થયેલો પ્રેમ એકરસ થઈ જાય છે ત્યાં જ શ્વાસની આવનજાવન ચોર્યાસી લાખ ફેરાનો થાક ઉતારે છે.
તારા નામનું મંદિર ગણ કે તારા નામની દેરી,
રોજ કરું છું તારી પૂજા, બે પાંપણને ઘેરી.
આપણને પળની જેમ સાચવે છે તે પ્રેમ છે. જેવા છીએ તેવા રહીને બીજાના હૃદયમાં રહેવા જવાનું તેડું મોકલાવે તે પ્રેમ! એ ચોવીસ કલાક ઓનલાઇન પણ નથી હોતો! એ તો હોય છે હવા જેવો. એના પાસર્વડનું નામ સ્પર્શ છે. એની મેમરીનું નામ લાગણી છે. એની ડાયરીના પાનાં જેમ જેમ ભરાય છે તેમ તેમ કોરાં થતાં જાય છે!
નવી પેન લેતી વખતે કોના નામનું ચીતરામણ કરવાનું મન થાય છે? નવાં કપડાં પહેરીને અરીસા સામે ઊભા હોઈએ ત્યારે કોણ બાજુમાં ઊભું હોય તો ગમે? બધાં જ કામ પરવારીને રાત્રે સૂતી વખતે દિનચર્યાને અંતે અજાણતાં જ અંદર ઊગેલું નામ મોબાઇલમાં રણકે તો ઉપાડીને બોલાતા શબ્દમાં કોની કાળજીનો ખ્યાલ રખાય છે? ફરવા જતી વખતે ધારો કે ગાડીમાં એક સીટ ખાલી હોય તો કોણ સાથે હોવું જોઈએ? મૂડ બદલાય છે એની ખબર જેને સૌથી પહેલાં પડે છે તે વ્યક્તિમાં જ આપણે અંદર-બહાર કરીએ છીએ.
આપણે કોઈકને કરીએ છીએ એમ કોઈક આપણને પ્રેમ કરે, આ ઝંખના જ આપણને જિવાડે છે. તાજમહાલ પ્રેમનું પ્રતીક હોઈ શકે છે, પ્રેમ નહીં! સ્મારક અને સ્નેહ વચ્ચે પ્રેમ ઝોલા ખાય છે. વસ્તુ અને વહાલ વચ્ચે પ્રેમ અટવાય છે. એ ફેસબુકના ફોલોઅર્સ કે ઇન્સ્ટાગ્રામના ઇનોવેશનમાં નથી માનતો! પ્રેમ કોઈના માનવાથી થોડો થાય છે?
ઓન ધ બીટ્સ:
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મુહોબતના પુરાવાઓ.
- મરીઝ
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી