જીવનના હકારની કવિતા / માયા અને સ્વાર્થ વગરની પ્રત્યેક ક્ષણ સત્સંગ

article by ankit desai

અંકિત ત્રિવેદી

Dec 23, 2018, 12:05 AM IST

‘સત્સંગથી જે સુખ, આનંદ મળે છે, તે અતિ સ્તુતિપાત્ર છે. જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન, ધ્યાનની સુકથા થાય, જ્યાં સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંતવિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એવો સત્સંગ તે મહાદુર્લભ છે. કોઈ એમ કહે કે, સત્સંગ મંડળમાં કોઈ માયાવી નહિ હોય? તો તેનું સમાધાન એ છે કે જ્યાં માયા અને સ્વાર્થ હોય છે ત્યાં સત્સંગ જ હોતો નથી...’
-શ્રીમદ્ રાજચંદ્ર

અસ્તિત્વએ પોતાની ઓળખ સ્થાપિત-પ્રસ્થાપિત કરવા નરી આંખે દેખાય એવો જે જીવ બનાવ્યો એ જીવ એટલે શ્રીમદ્ રાજચંદ્ર. આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રણેતા... આત્મસિદ્ધિ શાસ્ત્ર એટલે શરીરની ભાષાને પરમાત્માના સંગીતમાં ઢાળવાની સ્તુતિ. આ ફકરો શ્રીમદ્ રાજચંદ્રજીનો છે. જેમાં નર્યો-નકરો-ભર્યો-ભાદર્યો સત્સંગનો ‘હકાર’ ભર્યો છે. સત્સંગ એટલે સત્્નો સંગ એટલે કે જે કંઈ સારું છે, જે કંઈ વાગોળવાક્ષમ છે, જે કંઈ શુભત્વમાં ભળી ગયું છે એની સુંદર ચર્ચા થવી, પ્રશ્નો ઊભા થવા, જ્ઞાન અને ધ્યાનની સુકથા ગવાવી- આ બધા સત્સંગના નિયમો અને સત્સંગીનું આચરણ છે.

વિશ્વના સત્પુરુષોના ચરિત્ર ઉપર આપણે વિચારવંતા થઈએ, તત્ત્વજ્ઞાનના તરંગની લહેરીઓ આપણી નસોની જેમ છૂટી પડતી લાગે, જ્યાં સિદ્ધાંતનો વિચાર શબ્દકોશમાં નહીં, ‘હૃદયકોશ’માં શોધવો પડે અને સરળ રીતે સમજાઈ જાય પછી મોક્ષની આવશ્યકતા ન રહે. આવો સત્સંગ મહાદુર્લભ છે એવું જીવનના હકારના આ ફકરામાં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે.


આ ફકરાને આજના સદર્ભમાં જોઈએ તો કેટલો સાચો લાગે છે? સત્સંગ માટે ભેગા થવું પડે અને માણસ આજે પોતાનાથી જ છૂટો પડી ગયો છે. વોટ્સએપના ગ્રૂપમાં પોતાનું ‘પ્રૂફ’ ખોઈ બેઠેલો છે. સત્સંગ એટલે બધી જ દિશાના શુભ વિચારોની આપ-લે ભેગા મળીને થાય. માત્ર ધર્મ જ નહીં, એમાં જીવન, વિચાર અને વાણી પણ જોતરાય.


આપણે જાતને પવિત્ર રાખવા માટે યોગ, વિદ્યા, અભ્યાસ, પૂજા જેવાં બહારનાં આવરણો શોધીએ છીએ. સારી વાતોને સાંભળવાથી-અમલમાં મૂકવાથી આપણામાં સત્સંગની પવિત્રતાનો પિંડ બંધાય છે અને આપણાથી આસપાસનું બધું જ પવિત્ર થવા માંડે છે. આપણા શુભત્વની અસર આસપાસના વાતાવરણ પર અનુભવાય છે.


શ્રીમદ્ રાજચંદ્રને ફકરાની છેલ્લી બે પંક્તિમાં સમજવા જેવા છે. ઘણા સત્સંગો આંખોને આંજી નાખનારા હોય છે. માયાવી વૃત્તિથી થતા હોય છે. શ્રીમદ્ એમાં પોતાના આત્માનો અનુભવ મૂકે છે અને કહે છે કે, ‘માયા અને સ્વાર્થ હોય છે ત્યાં સત્સંગ હોતો જ નથી..’ આ જ વાતને જીવનના જિવાતા કલાકોમાં મૂકીએ તો એટલું સમજાય કે માયા અને સ્વાર્થ વગર જિવાતી પ્રત્યેક ક્ષણ સત્સંગ જ છે.
[email protected]

X
article by ankit desai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી