જીવનના હકારની કવિતા / શીતળ અજવાળું...

article by ankti trivedi

અંકિત ત્રિવેદી

Apr 01, 2019, 03:02 PM IST

ઉદ્્ગાર
અકથ્યને, કથિતને
ગ્રથિત કરવાની તાલાવેલીનું
શમેલું તોફાન,
એ કવિતા.
મુરઝાતી સંવેદના
તથા શાંત થતા શબ્દોને
અક્ષર થવાની અપેક્ષા,
એ કવિતા.
ખરતા પૂર્વે કળીને
ફોરમ ફેલાવવાની જિજીવિષા
ને
સૂરજ સામે ખૂલવાની ખેવના,
એ કવિતા.
રાખ થતા પૂર્વે,
થઈ સુગંધ ઊડી જવા,
અગરબત્તી વીંઝે પાંખ,
એ કવિતા.
રણના કણને,
વેદના મૂળને,
સાહિત્યના કુળને,
લાગેલી તરસ,
એ કવિતા.
સરસ્વતીની વીણાનો
રણઝણતો તાર,
કવિઓને
ગગન હિંડોળે ઝુલાવે,
એ કવિતા.
સમુદ્ર મંથને,
પ્રગટેલ હળાહળને
આકંઠ પીનારા,
નીલકંઠના ગળાનો ગળગળાટ,
એ કવિતા.
તાનારીરીનો ગુંજે મલ્હાર,
ને ગર્જે કેદારો
કવિ નરસિંહનો,
એ કવિતા.
વિખૂટા થઈ
વેરવિખેર વિખરાયેલ
અક્ષરોને
વિચારના દોરે પરોવી
ગાંઠ માર્યા વગર
મનનાકાશે તરતા મૂકો
તે છે
ડૂબ્યા વગરની
વહેતી કવિતા.
- સ્વામી તદ્રુપાનંદ

કવિતા એટલે અર્થ કુળ અને મૌનનું મૂળ. કવિતાએ કશું કહેવાનું ન હોય, એેણે તો સમયની સાથે સહુના થઈને વહેવાનું હોય. તોફાન પછીની શાંતિમાં થયેલું કવિતાનું નિરૂપણ કે મુરઝાતી સંવેદના તથા શાંત થયેલા શબ્દોને અક્ષરમાં ઢાળવાનું આવરણ એટલે કવિતા. કવિતાને નામ પાડીને બોલાવી શકાય એટલી તમામ પ્રીતે અને સ્મિતે સ્વામી તદ્રુપાનંદજીએ ‘અસ્તાચળના અજવાળા’માં એને બોલાવી છે.

ખરતી વખતે કળી ફોરમ ન બને, પણ એની ઇચ્છા તો રાખી જ શકે! પ્રત્યેક ખરતો શ્વાસ ઊભરતા અસ્તાચળનું અજવાળું જ છે. અગરબત્તીની રાખમાં કે રણમાં કે તરસ અને તૃપ્તિ પછીની તરસની પ્રતીક્ષામાં પણ કવિતા જ છે! કવિતા એ ઉદ્્ગારથી ઉચ્ચાર સુધીની સફર નથી, યાત્રા છે. એ સરસ્વતીની વીણાનો એવો તાર જે સર્જકને ‘વિરાટને હિંડોળે’ ઝુલાવે છે. નીલકંઠના ગળાનો ઝેર પીધા પછીનો આકંઠ મૌનનો વિસ્તાર કવિતાનો વારસદાર છે. એ નરસિંહના કેદારમાં કે તાનારીરીના મેઘ મલ્હારનો માંહ્યલો છે. એ વિચારોની ફાટેલી ચાદરને સીવીને રફૂ નથી કરતી, કવિતા તો રુંવાડે રુંવાડે સમયને ઊજવે છે. એ ભારે છે અને છતાંય સહુને તારે છે. એ પાણીમાં નહીં, વાણીમાં તરે છે.

કવિતા વાંચીને આંખો બંધ થઈ જાય તો સમજજો કે આંખથી હૃદય સુધી અસ્તિત્વએ દઝાડ્યા વગરનું શીતળ અજવાળું રેલાવ્યું છે. ‘જીવનના હકારની આ કવિતા’ ખરા અર્થમાં ‘કવિતાના હકારની કવિતા’ છે.
[email protected]

X
article by ankti trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી