ઓફબીટ / કવિતા : આંખોથી નજરને ફોરવર્ડ કરવાની કલા

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Apr 24, 2019, 05:43 PM IST

કવિતા એટલે છાંયડાનું સરનામું. એને વાંચતાં જ આંખોમાં અયોધ્યા જેવું સુખ વર્તાય. કવિતા વાંચીએ ત્યારે આપણે પણ ભાવક તરીકે આપણી અંદર કવિની કવિતાને ગણગણતા હોઈએ છીએ. એ ગણગણવાનું સ્વરાંકન કવિતા વાંચ્યા પછી આપણી જ અંદર સુષુપ્ત રીતે ગુપ્ત થઈને સરસ્વતીની જેમ વહેતું હોય છે. કવિતા એટલે લયમાં પરોવેલી શ્વાસની વેણી! જુઓ, કિરણસિંહ ચૌહાણ જીવનને કવિતામાં કેવી રીતે ગુંથે છે!
જીવવા માટેનો ચોક્કસ કોઈ અભ્યાસક્રમ નથી,
બાકી સઘળી બાબતે અભ્યાસ મારો કમ નથી.
જીવનમાં અભ્યાસ છે, પણ એનો અભ્યાસક્રમ નથી. એનો મતલબ શું થયો? અંધકાર અને અહંકારની વચ્ચે આપણે ઝૂરવાનું અને જીવવાનું. અંધકાર કંઈ જેવો તેવો થોડો છે? એ જ તો અજવાળું પ્રગટાવે છે. રાત છે તો દિવસની રજૂઆત છે. આ અંધકાર જેને દેખાઈ જાય એ જ ‘વીજળીને ઝબકારે મોતીડાં પરોવી’ શકે. ભરત વિંઝુડા આવા અંધકારને કમ્પ્યૂટરમાંથી હાર્ડડિસ્કમાં ટ્રાન્સફર કરીને ડેટાને સંઘરી
રાખે છે.
આંખ મીંચું એટલે આકાર દેખાશે નહીં,
ઊંઘ આવી જાય તો અંધાર દેખાશે નહીં.
અંધારનો આકાર અજવાળામાં પણ દેખાયો છે? એ તો ધુમ્મસનો આકાર પોતપોતાની જાતે કલ્પવાની વાત છે. આપણે પળને માણીએ છીએ, પરંતુ પળ પછીની પળની ચિંતામાં દુ:ખ નાના છોકરાની જેમ અધખૂલેલા બારણામાંથી પ્રવેશી જાય છે. ભાવિન ગોપાણી આવા જ ભાવ સાથે...
ખુશીની વાતમાં દુ:ખની અસર તો નહીં પડે,
પડે વરસાદ ત્યારે કોઈ ઘર તો નહીં પડે.
વરસાદની સાથે આનંદ તો આવે જ, કારણ કે વરસાદ કોને ન ગમે? જેનું કાચું ઘર હોય એને વરસાદ અડધોપડધો ગમે. વાત સમજાય તો પ્રફુલ્લ પંડ્યા કવિતા અને લખવાને આ રીતે મૂલવે છે...
હવે લખવાનો અર્થ નથી રહેવાનો એટલે,
હસવાનો અર્થ મટી જાય છે.
હવે રડવાનો અર્થ નથી રહેવાનો એટલે,
મટવાનો અર્થ મટી જાય છે!
મટવાનો અર્થ મટી જાય પછી જીવનનો અર્થ આપોઆપ સમજાય અને સર્જાય છે. આજે નદીઓ સુકાતી જાય છે અને નવા પુલ બનતા જ જાય છે. આપણે થાકથી જ થાકી ગયા છીએ. જિજ્ઞા મહેતા તો એમ કહે છે,
જો તમે હો માર્ગમાં, થાકી જવું પોસાય કંઈ,
થાકથી રિસાઈને, હારી જવું પોસાય કંઈ?
આ માર્ગને કવિતામાં થાક ખાધા વગર પસાર કરનારા કવિ સંજુ વાળા જ આવું કહી શકે...
પાર ઊતરવું છે એ નક્કી છે,
સામે કાંઠે તું છે એ નક્કી છે.
સામે કાંઠો પણ છે અને ‘તું’ પણ છે. આ ‘તું’ એ ‘હું’નું જ દર્પણ છે અને આ કાંઠો ઓળંગીને પાર ઊતરવાનું પણ નક્કી જ છે. આ પાર ઊતરવા માટે બે કાંઠા જોઈએ. એક કવિતાનો-કવિનો બીજો આપણી ઉપર નિર્ભર અને આપણાથી સભર છે. આ ‘તું’ કેવી રીતે મળે છે. લલિત ત્રિવેદીથી જ આ વાતને ‘ઓફબીટ’ વળાંક આપીએ.
ન ગુર્જરીમાં કહીશ કે ન હું ઉર્દૂમાં કહીશ,
કહીશ વાત જો ખુશબૂની તો ખુશબૂમાં કહીશ.
ઓન ધ બીટ્સ :
બેઉ હાથે ખિસ્સાં ભરવામાં સમય ઓછો પડ્યો,
ને સમયને ઠીક કરવામાં સમય ઓછો પડ્યો.
ધ્વજ મારા નામનો ફરકાવી દે તો હું બધે,
આંધીની માફક પ્રસરવામાં સમય ઓછો પડ્યો.
- હરીશ ધોબી
[email protected]
X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી