ઓફબીટ / આપણી અઠ્ઠાઈ

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Apr 17, 2019, 07:00 PM IST

જે વીરોના વીર છે અને વીરોમાં વીર છે તે મહાવીર. એ પ્રભુ છે અને પ્રિય છે. એ ત્રિશલાના જાયા છે અને આપણા કલ્યાણમાં આવતી માય છે. એમની આંગીથી પ્રભાવિત ન થવાય! આંગીનું અજવાળું આપણા રુદિયામાં ઊતરવું જોઈએ. અંદર ઊતરેલા અજવાળા સાથે વાત કરવાનો સમય પણ કાઢવો જોઈએ. ભગવાન મહાવીર તો આપણે ન થઈ શકીએ, પણ આપણી અંદર રહેલા ક્ષત્રિયનો નાશ કરીને અરિહંત તો બની જ શકીએ ને! જૈન દર્શન વિશાળ અને સમૃદ્ધ છે. એમાંથી જે કંઈ પમાયું એ દરેક ધર્મના દર્શનનો સાર છે. મારા માટે રોજ પર્યુષણ છે. રોજ અઠ્ઠાઈ છે. આ અઠ્ઠાઈ કઈ? એના આઠ મુદ્દાઓ જીવનમાં ઉતાર્યા છે.
એક. સાચું બોલવું (ધીમેથી સાચું બોલવું.): વેદનું વાક્ય સત્યમ્ વૃતાત, પ્રિયમ્ સત્યમ વૃતાત આપણને પાછળથી ગેરફાયદો કરાવે એવું છે. ધીમેથી સાચું કહેલું વાક્ય દલીલ નથી લાગતું! આપણી મક્કમતાનું પીઠબળ બને છે.
બે. મૌન રહેવું : બને ત્યાં સુધી શબ્દને સેવવો. મૌનમાં રચ્યાપચ્યા રહેવું. અનિવાર્ય હોય એટલું જ સાંભળ‌ું, બોલવંુ અને જોવું. વિવેકચક્ષુ આપણને ફૂટવા જોઈએ! જેમ કૂંપળને ફૂલ ઊગે એમ!
ત્રણ. ગમતી પરિસ્થિતિ કે વ્યક્તિની નજીક રહેવું : જીવ અકારણ જે આપણા નથી થયા એમાં રમમાણ રહે છે. એના કરતાં આપણને જે ગમે છે એમાં મોજ કરવી. કોઈને અકારણ ગમાડવા એના કરતાં કોઈને અકારણ ગમી જવું એમાં જ જીવનના સદ્્ગુણો છે. ઓછી વસ્તુઓથી જીવનને ચલાવવાનું નથી, ઊજવવાનું છે, એ જૈન દર્શનના મૂળમાં છે.
ચાર. કાર્યને વફાદાર રહેવું : આપણે જેના માટે સર્જાયા છીએ એ કાર્ય પર જ આપણા શ્વાસ આવીને અટકી જશે. આપણી આર્થિક સમૃદ્ધિના ધરોહર આપણને અસ્તિત્વ જ બનાવે છે. આપણા કામ સિવાય આપણે બીજે ખાંખાંખોળા કરીશું તો એ પણ હિંસાનો જ ભાગ છે.
પાંચ. કોઈ પણ વાત કે વ્યક્તિને સમજીને અનુસરવી અથવા તો અનાદર કે અસ્વીકાર કરવો : સમજણ સાથે પાડેલી ‘હા’ અથવા ‘ના’ બંને આપણી અંદરની શ્રદ્ધાને વધુ મજબૂત કરે છે. ‘પ્રભાવના’ના મૂળમાં જ આ વાત સંતાયેલી છે. કોઈનાથી અંજાઈ ન જવું. પ્રભાવના-કોઈના પ્રભાવમાં કે વટમાં ન આવવું, પરંતુ આવિર્ભાવમાં જે મળ્યું છે એને વસંત માનીને જીવન વિતાવવું એ દર્શનમાં જૈનત્વ છે.
છ. નાનામાં નાની વ્યક્તિનો ‘પણ’ આદર કરવો : વડીલોને આદર આપવાની વાત આ ‘પણ’માં આવી જાય છે. નાની વ્યક્તિ, બાળક પાસેથી પણ આપણને કશુંક શીખવા-પામવા મળે છે. એને આદર આપીશું તો જ આપણું ગૌરવ જળવાશે. સ્વાભિમાન શબ્દ પણ અહીંયાં પ્રસ્તુત નથી લાગતો! સહજ ભાવે સહુનો સ્વીકાર એ જ આપણો સાચો અલંકાર!
સાત. આપણી અને બીજાની શુભ એનર્જીની આપ-લે : કહેવાય છે કે મહાવીર વિહારમાં નીકળતા ત્યારે લાખો કિલોમીટરમાં વસંત ફેલાઈ જતી, સુગંધો આવતી. મોસમ એમના આગમનને વધાવતી! આપણી અંદરના વીરને બીજાને ક્ષમા કરવાનું કહીને આપણે એકબીજાનાં શુભત્વનો સ્વીકાર કરવો.
આઠ. ઉદાસ થવું, નિરાશ થવું, પણ નાસીપાસ ન થવું : જીવનમાં ઉદાસ થવું જોઈએ, નિરાશ થવું જોઈએ એ બધું જ સ્પ્રિંગની જેમ ઊછળીને સફળતા અપાવે છે, પણ નાસીપાસ થઈશું તો જીવન આપણને જીવવા યોગ્ય નહીં લાગે! મેદાન વગર રમાતી રમતમાં ‘ગેમ’ ઓછી અને ‘પ્લાન’ વધારે કરવો પડતો હોય છે. આપણે આપણાથી ખુશ હોવા જોઈએ.
આ આઠ મુદ્દાઓ મહાવીર જયંતી પ્રસંગે મારા જીવનમાં ઉતારેલી અઠ્ઠાઈ જેવા છે. જે સહુને અનુરૂપ નીવડજો. આપણા જૈનમુનીઓ કોઈ પણ વસ્તુ વિના પગથી માથા સુધી સંયમ માર્ગનો પુરુષાર્થ કરે છે. એમના જીવનમાં કેટલું અજવાળું હશે? કેટલાક અજવાળા અંધારામાં જ દેખાય છે.
ઓન ધ બીટ્સ: અલંકાર, અહંકાર અને અંધકારથી દૂર રહેવું, એ જ સાચું માનવજીવન છે.
- મુનિ રત્નસુંદર સૂરિશ્વરજી મા.સા.
[email protected]
X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી