જીવનના હકારની કવિતા / ઉરમાં ઉખાણું... ગળામાં ગીત...

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Apr 14, 2019, 03:49 PM IST

દૂધે ધોઈ ચાંદની,
ચાંદનીએ ધોઈ રાત,
એવામાં જો મળે તો,
વ્હાલમ, માંડું રે એક વાત.

અડધું પિંજર હેમ મઢ્યું ને અડધું રૂપે સ્હોય,
એમાં બે અલબેલાં પંખી અલગ રહીને રોય.
વાત સમજ તો વ્હાલમ,
ચાંદ-સૂરજની દઉં સોગાત.

વનવગડે એક વાટ ને વાટે ઊગ્યાં રણગુલાબ,
વણચૂંટ્યે વીણી લેવાની મળી છે એમને છાબ.
ભેદ સમજ તો તને વસાવું
કીકીમાં રળિયાત.
મગથી ઝીણાં મરી, ઓ વ્હાલમ, સૌથી ઝીણી રાઈ,
એથી નાજુક ચીજ, નરી આંખે જે ન દેખાઈ;
દાખવ તો ઓ પિયુ!
તને દઉં હૈયાની ઠકરાત.
- હરીન્દ્ર દવે

હરીન્દ્રભાઈ એટલે ગીતના લયમાં માણસાઈની ભાગવતગીતા લખનારા બારીક નકશીકામના કવિ. આ ગીત અમસ્તાં જ જડી આવ્યું, પણ જાણે ગીતમાં ઉખાણું અને ઉખાણાંમાં ગીતની જુગલબંધી છે. આપણે કોઈ પણ વસ્તુનો અભિષેક કરવાનો હોય તો દૂધથી કરીએ. દૂધથી વધારે શ્વેત, શુભ્ર, ધવલ કશું નથી. ચાંદની આકાશમાંથી વરસી રહી છે. ધરતી ઉપર આવતાં જ થોડી મેલી થઈ ગઈ છે. કવિ ચાંદનીને દૂધથી ધોઈને ઊજળી કરે છે. એમ કહો કે જાણે પ્રેમનાં વંશને ઉટકીને ચોખ્ખો કરે. ચાંદની પણ કંઈ ઓછી નથી. ચાંદની ધરતીથી આકાશ સુધી પહોંચતામાં રાતને ધોઈને ઊજળી કરે છે. પ્રેમ કંઈ એમનેમ થોડો જડી જાય છે! પ્રેમીને પોતાના પ્રેમ પાસે ઊઘડવાનો આ બ્રહ્મમુહૂર્તનો સમય છે. હરીન્દ્રભાઈ ગીત ને પ્રેમમાં હકારથી આગળ વધારે છે.
આપણું શરીર હેમનું છે અને અડધું રૂપે સ્હોય એટલે કે હવે વાળ થોડા ધોળા થયા છે. ડાઈ કરવા જેટલા સક્ષમ નથી થયા, પણ ઠરેલા પ્રેમને માની શકે એટલા અનુભવી થયા છે. અડધી ઉંમરનો પ્રેમ સામસામેના કિનારા જેવો એક જ બાજુથી વહે છે. એટલે શરીરના ખૂણામાં છુપાયેલાં બે પંખીઓ અલબેલા થઈને ઝીણું ઝીણું ઝૂરે છે. પ્રેમની આ વાત એક જ જણને સમજાય છે. કવિ કહે છે કે ગમતી વ્યક્તિને આ વાત જો સમય સાથે સમજાય તો ચાંદ સૂરજની સોગાત આપી દે.
ક્યારામાં ઊગે એ ગુલાબ અને વનવગડાની વાતે એની મસ્તીથી ઊગેલું ગુલાબ કવિ આગળ વધીને એને રાન ગુલાબ કહે છે એટલે કે જંગલી ગુલાબ. આ જંગલી ગુલાબમાં કાંટા વધારે એમ ખુશબૂ પણ વધારે. એને ચૂંટનારને જ એની વેદના અને એના વહાલની ખબર પડે. કવિને વણછૂટે વીણી લેવાની છાબ મળી છે, પરંતુ એ છાબમાં ગુલાબ આવ્યાં નથી. આ ભેદ એટલે વિરહ અને મિલનનો આ ભેદ, ઝંખના અને ઝુરાપાનો ભેદ જે કીકીમાં રળિયાત છે. જોઈને હરખાવાનું, નજીક જઈને પસ્તાવાનું. જે નરી આંખે નથી દેખાતું, જેને આંખથી તારવી શકાય, જેને અનુભવી શકાય, તો આ હૈયાની ઠકરાત આપવામાં કોઈ પણ પ્રેમીને વાર ન લાગે!
ગીતમાં મોઘમ વાત ઉખાણાની જેમ મૂકીને ઉરને –હૃદયને બોલવા દે છે. હરીન્દ્ર દવેના આ ગીતમાં જીવનના હકારની કવિતા તો છે જ, પરંતુ રસ્તામાંથી ફૂટેલા રસ્તાને ઊભા છીએ ત્યાંથી જોઈને પાછા વળવાનું પરિપક્વ સાયુજ્ય છે. રાત, ચાંદો અને ચાંદની એને ધોવા પડે તો પછી પ્રેમની તો શું વિસાત!
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી