જીવનના હકારની કવિતા / ફુગ્ગાની હવાથી તાપમાન નક્કી થાય?

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Apr 07, 2019, 03:08 PM IST

એને નડ્યો છે એનો સ્વભાવ
એને નડ્યો છે એનો સ્વભાવ,
ઇગોના આલીશાન મહેલો ચણીને
એણે બાંધ્યાં છે ભ્રમનાં તળાવ,
એને નડ્યો છે એનો સ્વભાવ.
પ્લાસ્ટિકનાં સ્ટાઇલિશ ફૂલોથી
મઘમઘતી રાખે છે રોજ ફૂલછાબ,
એક બેલ મારે ત્યાં ચાર જણ પૂછે છે:
‘ઔર કુછ ચાહિયે હૈં સા’બ’,
મલમ લગાવે છે જેમ જેમ એમ એમ
ઊંડા થયા છે એના ઘાવ,
દરિયામાં ડૂબકી લગાવે પણ શર્ત-
એનું પાણી ના હોવું જોઈ ખારું,
રેઇનકોટ પહેરીને ભીંજાવા નીકળે
ને સૂરજમાં શોધે અંધારું,
બારણા પર ટાંગ્યું છે ‘WEL-COME’નું બોર્ડ-
કોઈ આવે તો ક્યે નહીં કે ‘આવ’.
- જિગર જોશી ‘પ્રેમ’

ભ્રમના તળાવના આપણે તરવૈયા છીએ. આપણે અહંના અગ્રણી છીએ. આપણને અભાવ નહીં, સ્વભાવ નડે છે. જીવનને જીવવામાં બધી જ દિશાઓનું શુભત્વ આપણી ચેતનાને મદદ કરતું હોય છે, પણ સત્તાનો સત ચઢે ત્યારે સત્તાનું સત્ એનો કાર્યકાળ કહ્યા વિના પૂરો કરે છે. આપણી અંદર ભરીભાદરી લાગણીઓ આપણા આલીશાન ઇગોને કારણે અને પોતાના ભ્રમના સ્વભાવને સમયને ન્યાલ કરવામાં ઊણો ઊતરે છે.
બધું જ પોલિશ કરેલું, બધું જ લિપસ્ટિક બગાડેલું, પ્લાસ્ટિકનાં ફૂલો પર પરફ્યૂમ લગાડીને ફ્લાવરવાઝનાં વખાણ બીજાની પાસે કરાવડાવવાનાં! એક બેલ મારીને આસપાસના નોકરચાકરને બોલાવીને પોતાની વાહ વાહ કરાવડાવવાની! ઇગો ધ્યેય સુધી પહોંચવાના પગથિયામાં આવે છે. એ આપણી નિસરણી ન બનવી જોઈએ.
આવા માણસો (આપણે એમાં આપણો ક્રમ જાતે જ નક્કી કરવાનો) દરિયામાં ડૂબકી લગાવવા તૈયાર હોય છે, એમાં પણ એમની શરત હોય છે, પાણી ખારું ન હોવું જોઈએ! સરખામણી જ માણસને પોતાનામાંથી બાદ કરે છે! પલળવું છે વરસાદમાં પણ રેઇનકોટ પહેરીને! ભૂલો કાઢવી છે સૂરજની કે એમાં ક્યાં ક્યાં અંધકાર છે. એ પણ પાછું ગોગલ્સ પહેરીને! બારણે Wel Come લખ્યું હોય, પણ કોઈ આવે જ નહીં! ક્યાંથી આવે? કેન્દ્રમાં પોતાને રાખી જીવનારા માણસો ઊધઈ અને ફૂલોને લાગતી જીવાત જેવા છે. એમને મારવા દવા નાખીએ ત્યારે આસપાસનું કશું મરી ન જાય અને બચી જાય એનું ધ્યાન રાખવું પડતું હોય છે.
‘જીવનના હકારની આ કવિતા’ નવી કવિતામાં જેની ‘હથેળીમાં સાક્ષાત્ સરસ્વતી’ છે એવા કવિ જિગર જોશી ‘પ્રેમ’ની છે. આ કવિતામાં કવિ આસપાસના અભરખાઓ ને ચેતવવા માગે છે અને આપણી બડાશનો છેદ ઉડાડે છે. આ કવિતા માનવમનના સ્વભાવનો પારો છે જે હથેળીમાં ઝીલ્યા પછી પણ હથેળીને રમતનું મેદાન માનીને હથેળીમાં જ ફર્યા કરે છે. જિંદગીમાં પોતાનું સ્થાન પોતે નક્કી કરવાનું, પોતાને કેન્દ્રબિંદુ માનીને બધા આપણું કહ્યું કરે એ તો ફુગ્ગાની હવાથી તાપમાન નક્કી કરવા જેવું છે.

[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી