ઓફબીટ / દરેક વ્યક્તિ પોતાના નાટકનો અભિનેતા છે

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Mar 28, 2019, 05:14 PM IST

આખુંય વિશ્વ જાણે રંગમંચ છે. સૂરજની સ્પોટલાઇટ પર નભે છે. ચંદ્રની ફોલો લાઇટ પર ભમે છે. અંદરથી આપણને જે વિચાર આવે છે તે કોઈક પ્રોમ્ટ કરે છે તેનો છે. જૂની ગુજરાતી રંગભૂમિનો પડદો પોટાશના ઘડાકાથી ખૂલતો! હવે આપણે સ્ટેજ વગરની રંગભૂમિ જીવીએ છીએ અને પોટાશ કરતાં પોતપોતાની બડાશથી પડદો ખૂલે છે. આપણે વર્ષમાં એક વાર ‘વિશ્વ રંગભૂમિ દિવસ’ ઊજવીએ છીએ અને રાજી થઈ જઈએ છીએ, પણ પેલા કલાકારનું શું? જે રોજ પોતાનો વેશ પહેરીને પરકાયા પ્રવેશ કરીને આપણને ન્યાલ કરે છે! એ ઘરડો થાય છે એમ તખ્તો વધુ જુવાન થાય છે. એેની જગ્યાએ કોઈ બીજો કલાકાર આવે છે. આપણે નવા કલાકારને વધાવીએ છીએ અને અત્યાર સુધી રોજ વેશ બદલીને, પરકાયા પ્રવેશ કરીને આપણને મનોરંજન પીરસતો કલાકાર નેપથ્યમાં ઘરડો થતો જાય છે. આપણે તો ટિકિટ ખરીદીને પૈસા વસૂલ કરવામાં માનીએ છીએ. નવા કલાકાર સાથે પેલો રોજ તૈયાર થતો કલાકાર પણ વેશ પહેરે છે, પણ માત્ર વેશ પહેરીને જ રાજી થાય છે. મનોજ ખંડેરિયા લખે છે...

  • પેલા કલાકારનું શું? જે રોજ પોતાનો વેશ પહેરીને પરકાયા પ્રવેશ કરીને આપણને ન્યાલ કરે છે! એ ઘરડો થાય છે એમ તખ્તો વધુ જુવાન થાય છે

‘ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિન્તુ,
પડ્યા પડદાની સળમાંથી અમે નીકળી નથી શકતા.’
આપણે પણ ક્યાં સમયની બહાર જઈ શકીએ છીએ? આપણે પણ સંબંધો જ પહેરીએ છીએ ને? રાજાનાં કપડાં પહેરીને ત્રણ અંકનું નાટક કરનાર માસ્ટર અશરફ ખાન આપણાથી જુદા નહીં જ હોય! એ પણ વાઘા ઉતારીને જીવનના પડદા વગરના નાટકમાં પ્રવેશ કરતા હશે. આ લખનારનો જ શેર છે.
એક તો પોષાક ભારે ખમ અને,
રોલ પણ અઘરા પડે છે સ્ટેજ પર.

આપણે રોજ આપણને જ ભજવીએ છીએ. આપણે જ આપણા પ્રેક્ષક છીએ. આપણે જ આપણી ખાલી રહી ગયેલી ઓડિટોરિયમની સીટ છીએ, એટલે જ ભાવેશ ભટ્ટ કહે છે...
મંચ પરથી નીચે ઊતરવું તો,
ખૂબ કપરું ચઢાણ છે મિત્રો.
નીચે ઊતરવું અઘરું ત્યારે જ લાગે છે જ્યારે તમે જે કામમાં હોવ એ કામને પ્રેમ કરવાની જગ્યાએ એનો ‘સત્તા’ તરીકે ઉપયોગ કર્યો હોય! જેણે પોતાના શ્વાસને રંગમંચની જેમ જિવાડ્યા અને કેળવવામાં સઘળું વિતાવ્યું છે, એમને માટે મંચ અને સામે બેઠેલો પ્રેક્ષક એકરૂપ છે. આપણા પદ્મશ્રી મનોજ જોશી એક નાટકમાં છેલ્લા સીનમાં વૃદ્ધ થયેલા જયશંકર જોશીનું પાત્ર ભજવે છે. વૃદ્ધ થયેલા જયશંકરભાઈને આબેહૂબ ભજવે છે. એ રંગભૂમિનો સમય સુવર્ણકાળ હતો. નાટક સમાજનું નાક હતું. આખી રાત નાટક ચાલે. એ સ્મરણોને વાગોળતાં વાગોળતાં વૃદ્ધ થયેલા જયશંકરભાઈ અત્યારે એ સમયનું ગીત ગાવાનો પ્રયત્ન કરે છે અને એમના ડાયલોગમાં વૃદ્ધાવસ્થાની દયા અને આજે પણ નાટકનો અંશ ભજવવાની ખુમારી છે. એ કહે છે કે, પહેલાં હું ગાતો ત્યારે મારો સૂરો કાળી પાંચ હતો, હવે કાળી શૂન્ય છે. પહેલાં ગાતો એ બધી જગ્યાઓ મને આજે દેખાય છે, પણ ત્યાં પહોંચી શકતો નથી. ગની દહીંવાળા યાદ આવે છે...
ઊભા છીએ તખ્તાના પીળા પ્રકાશે,
ઢળી પણ પડ્યા તો અભિનય ગણાશે.

જીવનમાં આ અભિનય મૃત્યુના જીવનનો અને જીવનના મૃત્યુનો અરસપરસનો છે. જેને શોધતા હોઈએ ઓડિટોરિયમમાં એ જ વ્યક્તિ ભાવિન ગોપાણી કહે છે તેમ...
એ આખા હોલની ખુરશી ચકાસીને વળ્યા પાછા,
હતો હું સ્ટેજ પર ને એમણે બસ સ્ટેજ ના જોયું.
‘વિશ્વ રંગભૂમિ દિવસ’ નિમિત્તે યાદ કરવા જોઈએ એવા શેરો સાથે રંગવિચારક પ્રવીણ જોશીએ લખેલી એક કવિતાનો સારાંશ કહેવો છે. દરેક માણસ બુરખો પહેરે છે નાટકના કલાકારની જેમ. નાટક કલાકારના જીવન પરનો બુરખો છે અને હવે બુરખો ખુદ ભૂલી ગયો છે કે પોતે બુરખો છે કે કલાકારનો સાચો ચહેરો?

ઓન ધ બીટ્સ :
સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને ‘આદિલ,’
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.
- આદિલ મન્સૂરી
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી