જીવનના હકારની કવિતા / બાળક ઇચ્છે એવું મરજીપત્રક...

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Mar 09, 2019, 05:38 PM IST

"જોઈએ છે... એક ફૂલટાઈમ વાલી!'
લાયકાત :
જે બાળકને
‘બાળક’ તરીકે જ જોઈ શકે,
વાંચી શકે, સાંભળી શકે અને સમજી શકે.
વિશેષ કૌશલ્ય :
જો કાળજી લેવાની
આવડત હોય તો અગ્રતા અપાશે.
ઉંમર :
ઉંમરનો કોઈ બાધ નથી,
માત્ર બાળક સાથે હોય ત્યારે
તેની ઉંમરના લાગવા જોઈએ.
અનુભવ :
જીવનમાં બાળપણની
મોજનો અનુભવ આવશ્યક છે.
પગાર ધોરણ :
ઘર અને જીવન
છલોછલ ભરાઈ જાય
તેટલો આનંદ મળશે.
ખાસ નોંધ :
લાગણીની લાયકાત ધરાવતા
ન હોય તેવા લોકોએ અરજી કરવી નહીં.
અરજી મોકલવાનું સરનામું :
તમારાં ઘરનું જ લખી નાંખો...!?
- નીતિન ઢાઢોદરા

જકાલનું બાળક બાળપણ સાથે નથી જન્મતું, પરંતુ જવાબદારી સાથે જન્મે છે. એને એનાં માતા-પિતાની ઈચ્છાઓ, મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવાની છે! એ ‘એના’ માટે નથી જીવતું, પરંતુ સારા માર્ક્સ લાવવા માટે જીવે છે. એણે સચીન તેંડુલકર, હેમામાલિની સાથે સ્પર્ધા કરવાની છે. બાળકે સચીન કે હેમામાલિની બનીને બતાવવાનું છે. સહેજ વિચાર કરો કે સચીન તેંડુલકર કે હેમામાલિની કોને ધ્યાનમાં રાખીને બાળપણમાં જીવ્યાં છે? બાળક જેવું છે એવું જીવવા દેવામાં આવે તો એની અમાપ સર્જનશક્તિ સોળે કળાએ ખીલી ઊઠે એમ છે. આપણે બાળકને રોબોર્ટની જેમ ‘ટ્રીટ’ કરીએ છીએ, એના બાળપણને વધુ પડતાં ભણતરને કારણે ‘ટ્વિસ્ટ’ કરીએ છીએ. ક્યારેય બાળપણને તમે પાછું ફરીને બોલાવ્યું છે? યાદ કર્યું છે? એ બાળપણની વાતો તમને આજે પણ યાદ છે?
બાળકને આપણે સગવડો આપીએ છીએ અને એને સગવડોની જગ્યાએ સ્નેહ જોઈએ છીએ. આપણે એના ફુલટાઈમ ‘વાલી’ બનવાની જગ્યાએ ફુલટાઈમ ‘રિંગમાસ્ટર’ બની ગયા છીએ. આપણે માતા-પિતાની જગ્યાએ રિંગમાસ્ટર ક્યારે બની ગયા એની ખબર જ નથી પડતી? બાળકો સાથે છેલ્લે આપણે વાત કરી હતી ત્યારે સ્કૂલ સિવાયની કે ભણવા સિવાયની વાત યાદ છે? આપણાં બાળકને આપણી જોડે જે વાતો કરવી છે એવી વાતો આપણે સાંભળવા તૈયાર છીએ? બાળકને ‘સંભાળક’ની જરૂર છે અને આપણે એના ‘વ્યવસ્થાપક’ બની ગયા છીએ !
એનું ટાઈમટેબલ સાચવવામાં આપણું વર્તમાનપણું પણ બગડે છે. એની આંખોને વાંચવા માટે તમારે તમારા બાળપણને પાછું બોલાવવું પડે. એની કાળજી અપેક્ષા નહીં, એકાગ્રતા ઝંખે છે. એની આગળ આપણી ઉંમર પણ એના જેટલી જ થઈ જવી જોઈએ.
બાળકને ગણીગણીને લાગણીથી ના તોલાય. એને તો આપણા ટેન્શનને અવગણીને લાગણીથી લથબથ ભીંજવવા દેવાનો હોય. આવું ઘર ‘આપણું’ પણ બની શકે છે. આ કવિતા ફુલટાઈમ વાલીઓનું અરજીપત્રક જ નથી, બાળક ઈચ્છે છે એવું ‘મરજીપત્રક’ પણ છે.
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી