ઓફબીટ / સંબંધોનું તારા મૈત્રક

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Mar 05, 2019, 03:31 PM IST

શ્વાસમાં સ્ફૂર્તિનો અનેરો સંચાર થાય એવાં ઘણાં વ્યક્તિત્વો આપણી આસપાસ હોય છે. આપણે એમનામાંથી ઘણું શુભ ગ્રહણ કરી શકીએ છીએ. ‘લાભ’ થતો હોય છે, ‘શુભ’ ગ્રહણ કરવાનું, મેળવવાનું હોય છે. કોઈના વગર જીવવાનું સહેલું છે, કારણ કે એવા જીવવામાં ‘હું એના વગર જીવી જ રહી છું ને?’ એવું બીજાઓને કહીને જિવાઈ જાય છે, પણ ગમતી વ્યક્તિ સાથે ન હોય છતાંય ફરિયાદ વગર જિવાઈ જાય એનું જ નામ જીવન! હમણાં જ સોનલબહેન પંડ્યાને મળવાનું થયું. એમણે હીરાબહેન પાઠકની સરસ વાત કરી.

  • આગળ વધે તે ઉંમર, સ્થિર થઈને આગળ વધે તે સંબંધ

હીરાબહેન પાઠક અને રા.વિ. પાઠક એટલે ગુજરાતી સાહિત્યનું તારામૈત્રક! રા.વિ. પાઠકના પ્રદાનને ગુજરાતી ભાષા ક્યારેય ભૂલી શકે એમ નથી. હીરાબહેન પાઠક એમની પાસે ભણતાં હતાં. એમનાથી ખૂબ નાનાં હતાં. રા.વિ. પાઠક જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે પણ હીરાબહેન પાઠકની ઉંમર નાની જ હતી. તેઓ વિધવા થયાં પછી પણ માથામાં ચાંદલો કરતાં હતાં. આપણા રૂઢિચુસ્ત સમાજમાં વિધવા સ્ત્રીઓ ચાંદલો કરે તે કેમ પોસાય? જેમનાથી પૂછ્યા વિના ન રહેવાયું એમણે હીરાબહેનને સવાલ કરી જ લીધો કે, તમે વિધવા થઈને ચાંદલો શું કામ કરો છો?
હીરાબહેને ખૂબ સુંદર જવાબ આપ્યો, ‘એ નથી, પણ એમનું સાહિત્ય તો જીવે છે ને!’ આપણે નથી નથીની ફરિયાદો કર્યા જ કરીએ છીએ. અભાવ આપણો અજાતમિત્ર હોય એમ જીવીએ છીએ. આપણે રોજ કેટલો સૂકો કચરો અને ભીનો કચરો મનમાં ઠાલવીએ છીએ અને જુદો કર્યા વગર જ સંઘરી રાખીએ છીએ! સંબંધોમાં પણ સૂકો કચરો અને ભીનો કચરો જુદો કરવો જોઈએ. એને પણ સ્વચ્છ રાખવા જોઈએ. એકલા સ્પષ્ટ સંબંધો લાંબું ટકતા નથી, સ્વચ્છ સંબંધો ખબર ન પડે એમ પસાર થતા જીવે છે. રસ્તા પર કાચ પાથરવા સહેલા છે, પણ બીજાને ખબર ન પડે એમ કોઈને વાગે નહીં એટલે એ જ રસ્તા પર પડેલા કાચ વીણી લેવા અઘરા છે.
આપણી સાથે કેટલા બધા ધબકે છે? જે સંબંધો ચાલ્યા ગયા છે એની ઉષ્મા ધબકે છે. એ જ સંબંધોની આંખોમાં ઊગેલી ચમક ધબકે છે. જે ચમક ક્યારેય ઘરડી નથી થતી. જે રસ્તે સાથે ચાલ્યા હતા એ રસ્તાની આખેઆખી લીલીછમ વનરાઈ ધબકે છે. પૂર્ણિમાના ચંદ્રનો શાંત રવ આપણા ધબકારાને રાતરાણીનાં ફૂલની વેણી પહેરાવે છે. ધબકનારા ઘણા બધા ભીતર ધબકે છે અને આપણે બહારના સરનામા સાથે ગૂગલ મેપમાં સંબંધો સુધી પહોંચવાનો નકશો અને સમય પૂછીએ છીએ!
આગળ વધે તે ઉંમર, સ્થિર થઈને આગળ વધે તે સંબંધ. આગળ વધીને પણ ત્યાંનું ત્યાં જ લાગે તે જીવન. રસ્તો તો એકલા પણ કપાય છે. રસ્તો જ્યારે એકલા હોવા છતાં બીજા સાથે જિવાય છે ત્યારે વસંતના આંગણામાં કેસૂડાનાં ફૂલ ફાગણનાં ગીતો ગાય છે. ફોરમ કોઈ ફરિયાદ કરે છે? એ તો નકશા વગર આસપાસમાં ફેલાય છે.
કેટલાક સંબંધો આપણને એમની સામે બેસાડીને એમનાં ગુણગાન ગાવાનું કહે છે. આવું એકાદ-બે વાર હોય તો ચલાવી લઈએ. આપણે ઘણાને નિભાવ્યાં છે, પણ દરરોજ આપણને સામે બેસીને એમના અને આપણા સંબંધોનાં ગુણગાન ગાવાનું કહે ત્યારે નાનામાં નાની બાબતે વાઉચર ઉપર સહી કરાવતા ક્લાર્ક જેવા લાગે! ભરોસાનું ગામ નકશામાં નથી હોતું! નખશિખ ખાનદાનીમાં હોય છે. કેટલાક સંબંધો સેંથીમાં સિંદૂર ભર્યા વગર એકબીજાની માવજતમાં ધબકે છે.
ઓન ધ બીટ્સ: પ્રેમ કરતી વખતે પારિજાતનો સત્સંગ ન કર્યો હોય, એણે ઉંમર વધતાં અરડુસીનાં ભજન ગાવાં જ પડે છે.
- અંકિત ત્રિવેદી
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી