જીવનના હકારની કવિતા / યુદ્ધથી શુદ્ધ થવાની વાત...

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Mar 04, 2019, 03:42 PM IST

‘આત્મભાવથી લડવાની મજા કંઈ ઓર છે!’
‘મારા મનની વ્યથા કંઈ આજની નથી, વર્ષોની છે. પ્રયત્નોય જૂના છે, પણ જ્યાં સુધી લક્ષ્યબિંદુ દૃષ્ટિમાં છે, વિજયમાં વિશ્વાસ જરૂર છે ત્યાં સુધી એ યુદ્ધ જીવનભર નભશે અને જિંદગી એ એક યુદ્ધ જ છે ને? કોઈને એ આકરું લાગે, કોઈને માઠું લાગે કોઈને જીવતા હોવાનું-યુદ્ધની પ્રગતિનું ભાન હોય, કોઈને ન હોય, પણ આત્મભાનથી લડાઈ લડવાની મજા કંઈ ઓર છે. મનુષ્યત્વનું માપ કાઢવાની ય મજામાં કંઈ અનેરો આનંદ છે.’
- જયંત ખત્રી

જયંત ખત્રી નવી ગુજરાતી વાર્તાની ખાત્રી હતા. હતા નહીં, છે. એમને સાહિત્યિક મૂલ્યોની દૃષ્ટિએ જ, અંગ્રેજીમાં અનુદિત કરીને વિશ્વસાહિત્ય સમક્ષ ત્રણ વાર્તાકારો સૂચવવાનું એક મુલાકાતમાં કહેવામાં આવ્યું ત્યારે બેધડક ખુમારી સાથે કહ્યું કે, ચંદ્રકાંત બક્ષી, સુરેશ જોશી અને પોતે એટલે કે જયંત ખત્રી! આજે હોત તો ઉપરછલ્લા ગદ્યમાં જીવનારા સર્જકોને એમનાં ચાબખાં માર્યા વગરના સોળ પડ્યા હોત! એમના આ પેરેગ્રાફમાં સ્વયં કવિતા છે. સ્વયં પોતાના આત્મભાનનો ગુણાનુભાવ છે. જાતને ચકાસીને ઊજવવાની અનુમોદના છે. લક્ષ્ય જ્યાં સુધી આંખોમાં છે, જ્યાં સુધી વિજયમાં વિશ્વાસ છે ત્યાં સુધી યુદ્ધ ચાલશે નહીં, જીવનભર નભશે! જિંદગી યુદ્ધથી ‘બુદ્ધ’ થવાની સફર છે. યુદ્ધમાં આપણે આપણને ખબર નથી એમ ઊતર્યા છીએ! કોઈકને સહન ન થાય એવું, કોઈકને માઠું લાગે એવું, કોઈકને જીવતા હોવાનું અને કોઈકને પ્રગતિનું ભાન હોય કે ન હોય, પણ લડે જ જવાનું! આ બધામાં ‘આત્મભાન’ જરૂરી બને છે. ગાંધીજી જેને અંતરાત્માનો અવાજ કહે છે તે! આ બધામાં બીજાનું માપ કાઢવાની સાથે સાથે પોતાની જાતનો પણ ક્યાસ નીકળે છે. મોતનું પોત શ્વાસના હાથમાં ભલે હોય, પરંતુ આપણા હૃદયમાં ઘડાતું હોય છે, આત્મવિશ્વાસથી ઘડાતું હોય છે.
આપણી અંદરના મનુષ્યત્વનું માપ આપણી જાતે જ કાઢવાનો અનેરો અને અદકેરો આનંદ હોય છે. આ વ્યથા વર્ષો જૂની છે. આપણા જન્મ સમયે આપણી આસપાસની અટકળ અને મૃત્યુ પછી માયુસી અને આવતી કાલની ચિંતા. દરેકના જુદા જુદા પ્રશ્નો અને દરેકને પોતાના પ્રમાણેના જવાબો મેળવવાની તાલાવેલી હોય છે. આપણે આપણી ઊંડી જાતતપાસ કરવી જોઈએ. લોહીના અંધકારમાં જ આપણા ધ્યેયનો પ્રકાશ છે, આપણે બીજાથી સભાન હોઈએ છીએ, પરંતુ આપણાથી બેધ્યાન હોઈએ છીએ. આપણા દૃષ્ટિબિંદુ અને લક્ષ્યબિંદુ બંને જુદા છે. નજર ક્યાંક છે, હૃદય ક્યાંક છે અને મગજનો વિચાર સાવ જુદો જ ક્યાંક છે. આ ત્રણેયનો સંગમ થાય તો વિજયોન્માદનો આનંદ અનેરો અને અદકેરો અનુભવાય.
જીવનના હકારનો આ પેરેગ્રાફ પળેપળના યુદ્ધની આંતરખોજ કરતો ફોટોગ્રાફ છે. આપણે આપણને ત્રાહિત વ્યક્તિની જેમ જીવીએ છીએ. આપણે આપણી અપેક્ષાઓ માટે બીજાને મજબૂર કરીએ છીએ. આપણે આપણાથી દૂર અને બીજાને નજીક લાવવા માગીએ છીએ. આ ફકરો વાંચીને આપણામાં રહેલા મનુષ્યત્વનું માપ નીકળે તો જિંદગીને ખેલદિલી અને દરિયાદિલીનું સરનામું મળશે. જયંત ખત્રી એમની ‘હત્યા’ નામની એકોક્તિમાં લખે છે એ વાતથી હકારની કવિતાનો અંત કરું છું. ‘હું પાગલ,
મારો ચાહવાનો વ્યવસાય છે, ચાહ પામવાનો નહીં.’

[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી