ઓફબીટ / પ્રિ-વેલેન્ટાઇન્સ ડે...

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Feb 13, 2019, 03:24 PM IST

પ્રેમને રૂટિન નથી ગમતું. એટલે જ એને વર્તમાનમાં રસ પડે છે. ચઢતા ક્રમમાં પ્રેમ ગોઠવાય છે ખરો, પણ એની પ્રાયોરિટી બદલાઈ ગઈ હોય છે. પ્રેમને કરચલીઓ નથી નડતી! એને તો સુગંધનો છાંયડો ધબકારાના વનમાં ખીલવવો હોય છે. તમે પ્રેમમાં પડો છો પછી તમારું અસ્તિત્વ પ્રેમમય બને છે. કૃષ્ણને એટલે જ ભગવાન પછી પણ પ્રેમી તરીકે પહેલા સ્વીકારી લેવાય છે. ચાંદની ગુલાબની પાંખડીઓ પર થાક ખાય છે ત્યારે ગમતો ચહેરો આકાશમાં ઊગે છે.

એને કરમાઈ કે આથમી જવાનો ભય નથી લાગતો! પ્રેમ ગમે તેટલો વૃદ્ધ થાય, આપણાં સપનાંનો ચહેરો ક્યારેય ઘરડો નહીં થવા દે! આંખોની ચમક આપણા પ્રેમને આભારી છે. ફરિયાદ નથી ગમતી પ્રેમને! એટલે જ સ્મૃતિને વાગોળે છે ત્યારે ખંડિત થયેલા સંબંધોને પણ ડંખ મારવાનું એને નથી ગમતું! પ્રેમ ખોટો હોઈ જ ન શકે. કેવળ પ્રેમને સાબિત કરવા મથતો સંબંધ એની ઉપર ‘હાવી’ થવા માંગતો હોય છે.

પ્રેમ... બે આંખોનો, બે શરીરનો, બે જીવનનો. આપણો આપણી સાથેનો પણ ખરો જ. પ્રેમ માણસને સાચી રીતે ખોટું બોલતા શીખવાડે છે. મજા ખોટું બોલવાની નથી, મજા ખોટું બોલીને પકડાઈ જવાની છે. સાઇન બોર્ડ વગર આપણા નકશાને રસ્તો મળી જતો હોય છે. પ્રેમમાં નવીનક્કોર ડાયરી ખરીદીને એને આપણી હથેળીઓથી પંપાળવાના દિવસો છે આ! દુનિયા ગુલાબી અને સપનું નવાબી લાગે છે. આસપાસ રજવાડું રચાઈ જાય છે. વ્યસ્તતાની વચ્ચે નવરાશ અનુભવાય છે. હું, તું અને આપણેથી વાતની શરૂઆત થાય છે. જેવા હોઈએ એવા દેખાઈ જવાનો સમય હાથવગો થાય છે.

‘પ્રેમમાં પડ્યા પછી’- આ વિષય જરા વધારે ગહન અને ગંભીર છે. એક હસવાવાળો જોક કહું? એના જેટલો ગંભીર છે! પ્રેમ થાય છે ત્યારે આબોહવા જુદી હોય છે. પ્રેમમાં પડ્યા પછી આબોહવા હવામાન ખાતાના વર્તારા જેવી અનિશ્ચિત અને સુનિશ્ચિત હોય છે! રિંગ વાગે એ પહેલાં ઊપડતો ફોન આઠ-દસ મિસકૉલ પછી માંડ ઉપડે છે! એમાય ‘હેલો’ની જગ્યાએ ‘શું કામ મેથી મારે છે?’ ત્યાંથી વાતની શરૂઆત થાય છે. ધરતી પર છોડ બરાબર જામી જાય પછી માળી ખાલી પાણી, ખાતર અને ખેડવાની જ મહેનત કરે છે. પછી તો ‘બાંધેલો’ પગાર જ થઈ જતો હોય છે! પ્રેમમાં પડ્યા પછીનું એવું જ છે!
પહેલાં પ્રેમપત્રો લખતા હતા! હવે બિલિપત્રો ચઢાવાય છે! ગુલાબી લાગતી મોસમ! હવે મોસમ પોતે પૂનમ ભરે છે! ખૂબી અને ખામી વચ્ચે સરહદો વધતી જાય છે. ગિફ્ટ અપાતી હતી પહેલાં હવે સમય જતાં હપ્તા ભરાય છે. કારણમાં નિશ્ચિત અને નિશ્ચિંત થઈ ગયેલો પ્રેમ છે. લાઇસન્સ પાકું મળી જાય પછી સીટબેલ્ટ વગર પણ ગાડી ચલાવવાની આઝાદી ભોગવવાનું મન થાય છે. પ્રેમ રીઢો બની જાય ત્યારે આવું ન થાય તો જ નવાઈ!
પહેલાં આપેલા વાયદાઓ કોઈ યાદ કરાવે છે. ત્યારે એને હવે કાયદાઓ બતાવવામાં આવે છે. દરેક પ્રેમીમાં એક ઘાયલ જીવે છે તે આનું નામ! પ્રેમમાં પહેલેથી જ ઘવાયેલો હોય છે. વળી, પ્રેમ કરીને રઘવાયેલો બની જાય છે. પ્રેમને નાજુક થતાં કોઈ શિખવાડતું નથી. કઠણમાં કઠણ રહેલી વ્યક્તિ પણ અંદરખાને આ વાતને જાણે છે. બે આંખોના રસ્તામાં બે હૃદય માઇલસ્ટોન બની જાય છે અને શરીર નામના મહેલને ખબર પણ પડતી નથી. એના પાસવર્ડને સ્પર્શ કહેવાય છે, એની મેમરીનું નામ લાગણી છે, એના બી.બી. એમ પર વિશ્વાસનું સ્ટેટસ હોય છે, એની ડાયરીનાં પાનાં કોરા હોય છે, એની આસપાસ જ ડાઉનલોડ થાય છે તે સહજતા છે.

બધાં જ કામ પરવારીને રાત્રે સૂતી વખતે દિનચર્યાની આસપાસ અજાણતાં જ ઊઠેલું નામ મોબાઇલમાં રણકે તો ઉપાડીને બોલતા પહેલાં શબ્દમાં કોની કાળજીનો ખ્યાલ રખાય છે? ફરવા જતી વખતે ધારો કે ગાડીમાં એક સીટ ખાલી હોય તો કોણ સાથે હોવું જોઈએ? મૂડ બદલાય છે એની ખબર જેને પહેલાં પડે છે એવી વ્યક્તિ આપણાથી દૂર કેમ હોય છે?

ઓન ધી બીટ્સ:
મને ગમવાનું મન તને થાય!
થાય નહીં ને તો હવેથી થાય,
એની કાળજી તો ખાલી રખાય! - અંકિત ત્રિવેદી
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી