જીવનના હકારની કવિતા / તિરસ્કારને દૂર કરતો સ્વીકાર...

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Feb 10, 2019, 11:00 AM IST

માણસ
રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે;
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે.
પહાડથીયે કઠણ મક્કમ માણસ છે;
દડદડ દડદડ દડી પડે ભૈ, માણસ છે.
ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે;
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે.
સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે;
ભરબપોરે ઢળી પડે ભૈ, માણસ છે.
પૂજવા ઝટ થયા પાળિયા, માણસ છે;
ટાણે ખોટ્યું પડી, પડે ભૈ, માણસ છે.
– જયંત પાઠક

સુખ, દુ:ખ, હસવું, રડવું નિશ્ચિત છે. વળી, બધાનો દારોમદાર માણસ ઉપર છે. માણસ માત્રનો સ્વભાવ છે હસતાં હસતાં રડી પડવું અને રમતાં-રમતાં લડી પડવું! ફોટામાં તો એ ‘હતો’ - બની ગયો હોય છે! માણસને તમે ‘લેબલ’ સાથે સ્વીકારશો તો તકલીફ પડવાની! કારણ કે એના ‘લેબલ’ સાથે તમારી અપેક્ષા પણ ઉમેરાય છે. માણસનો સ્વીકાર માત્ર ‘માણસ’ તરીકે જ થાય તે વધારે અગત્યનું છે. જીવનના હકારની આ કવિતા બે માણસો વચ્ચે પડેલા તિરસ્કારને દૂર કરવાની કવિતા છે. ‘જીવનનો હકાર’ અહીંયાં ‘માણસ’ અને માણસમાં રહેતાં ‘માણસ’ની વચ્ચે સમાધાન કરાવે છે.
પહાડથી પણ કઠણ-મક્કમ માણસ હોય, પણ સમય આવ્યે તે દડદડ-દડદડ દડી પડે છે. ચંદ્ર ઉપર જે ચપચપ ચપચપ ચાલે પણ બે ડગલાં ભરતાં પડી પણ જાય. એ સૂર્યવંશી છે અને ક્યારેક ભરબપોરે આથમી પણ જાય. અમર બનવાના એને કોડ હોય એ પણ સ્વાભાવિક છે અને ખરા તાકડે, જ્યારે એની જરૂર હોય ત્યારે એની ખોટ સાલે એવું પણ વખતોવખત બન્યું છે. તમે જેને યાદ કરતા હશો એવી વ્યક્તિઓ કાં તો ખૂબ નજીક હશે તમારી અને કાં તો તમે એના ફોટા સાથે વાતો કરતા હશો- એટલી દૂર હશે.
માણસને ‘માણસ’ તરીકે અપનાવવાનો ઉત્સવ એટલે આપણું જીવન. અહીંયાં મહેનતનું મળે છે અને નસીબનું ફળે છે. આવડત હોવી અને એનો સદુપયોગ કરવો એ બાબત આનંદપ્રદ છે અને ચાલાકીને સ્વભાવ ગણવો એ ઉબાઈ ગયેલી ‘સંવેદના’ની ચાડી ખાય છે. ફુગ્ગાની હવાની જેમ તમારી ચાલાકી વધુ ટકતી નથી! આવડત ‘આજીવન’ સાથે રહે છે. આવડતને કારણે અસંતોષ અને તેજોદ્વેષ હોય એ કબૂલ, પણ એ પણ લાંબો સમય ટકતા નથી. માણસને ઊજવવાનું અને માણસને મર્યાદાઓ સાથે મુહોબ્બત કરવાનું આ કાવ્ય છે. માણસોમાં ખામી શોધવા કરતાં માણસોમાં ‘ખૂબી’ શોધવાની ઉજવણીનું આ કાવ્ય છે. જયંત પાઠક આપણી કવિતાનું ‘જ્વલંત’ નામ છે. એમનો ઝળહળાટ નાશવંત નથી. અજરામર છે.
જીવનના હકારની આ કવિતા માણસોને ‘માણસો’થી નજીક લાવતી ક્ષણોનો ઉલ્લાસ છે. જે માણસોથી તમે દૂરતા અનુભવો છો કે જે માણસોની તમને એકલતા સાલે છે અને એવા માણસો જો હયાત હોય તો આજે જ ફોન કરો, માત્ર તમારા અવાજમાં જયંત પાઠકના ભીના શબ્દો મૂકો...
‘રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે;
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે.’

[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી