જીવનના હકારની કવિતા / ધરતી પરના સૂરજનો ઝળહળાટ

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Feb 03, 2019, 05:51 PM IST

કહો ને! ક્યાં સુધી આ જિંદગી પર કાટ હોવાનો?
કદી એવો દિવસ પણ આવશે, ચળકાટ હોવાનો.

હંમેશાં એ જ કરવું જે સુઝાડે માંહ્યલો તમને,
મૂકો દરકાર એની, બહાર તો ઘોંઘાટ હોવાનો.

લગાડો ના કદી એની કશીએ વાતનું માઠું,
હશે એ મિત્ર સાચો તો મોંફાટ હોવાનો.

કરું છું બંધ મુઠ્ઠી ને સરકતો જાય છે તોયે,
સમયનો વેગ જ્યારે પણ જુઓ, પૂરપાટ હોવાનો.

ગણીને ચૂકવ્યા એકેક શ્વાસો, તો જીવાયું છે.
ખબર ન્હોતી કે સોદો આ ય મોંઘોદાટ હોવાનો!

- હિમલ પંડ્યા

ભૂતકાળ ઘરમાં વસાવેલા ફર્નિચરનો ભાગ છે. જરૂરિયાત પ્રમાણે એને ઉપયોગવાનો હોય. એને સાથે લઈને ફરવાનું ન હોય. ભૂતકાળ કાયમ માટે આપણી પાસે નથી હોતો. આપણે તો વર્તમાનની વસિયતના વારસદારો છીએ. જિંદગીના દરેક દિવસ સરખા નથી જવાના! ક્યારેક કાટ છે તો ક્યારેક ચળકાટ પણ હોવાનો જ. ચળકાટ શબ્દમાં પણ કાટ તો છે જ. એટલે બંને શબ્દો એકબીજાનું વર્તુળ પૂરું કરવામાં રચ્યાપચ્યા જ રહે છે. થોડુંક સ્મિત, ખડખડાટ હસવું, મરકવું-આ બધું જ સામે આવેલી ન જીવાઈ શકે એવી પરિસ્થિતિને પાનમાં ગુલકંદની જેમ સમાવીને સમયને સુગંધી બનાવે છે.


બીજા કહેશે એમ કરવામાં તો તમે પણ તમારામાં નહીં જીવી શકો. આપણે આપણા માંહ્યલાનું સાંભળીને આગળ વધવાનું છે. બહારનો ઘોંઘાટ અંદરથી મસ્ત અને અવિચળ વ્યક્તિને વિચલિત નથી કરી શકતી!


મિત્ર એટલે સૂર્ય પણ. અાકાશમાં એક જ સૂર્ય છે અને એનાથી સવાર અને સાંજ, અજવાળું અને અંધારું હિલ્લોળે ચઢે છે. પૃથ્વી પર ભાગ્યે જ કોઈ એવો માણસ હશે જેને મિત્ર નહીં હોય. તો પછી વિચારો કે પૃથ્વી પર કેટલા બધા સૂર્યો સંબંધોની સવાર અને સાંજને, આતમના અજવાળાને અને અંધારાને હિલ્લોળે લેતા હશે? મિત્રો મોંફાટ ન હોય તો એ મિત્ર પણ નહીં. શબ્દો પર લિપસ્ટિક લગાવીને જમાનો ગેરમાર્ગે દોરે ત્યારે જે પોતાની લાગણીથી મૌન રહીને સંબંધોને અકબંધ રાખવાનો પરચો બતાવે તે મિત્ર છે.


ક્યાં પકડાયો છે સમય? બંધ મુઠ્ઠીમાં પણ એનું સરકવું અવિરત છે. એનો વેગ એ જ એનો આવેગ! એ હંમેશાં પૂરપાટ જાય છે. સફળ માણસને એ ઓછો નથી પડ્યો અને નિરાશ માણસોને સમય એનાથી એક સાઇઝ મોટાં પહેરેલાં કપડાં જેવો લાગે છે. સમય વહેણ વગરનો પૂરપાટ છે.
તકલીફ સાથે તકરાર કરવી એના કરતાં તકલીફને બખૂબી પસાર કરવી એ જ ઉત્તમ માર્ગ છે. ગણી ગણીને ચૂકવેલા પ્રત્યેક શ્વાસો જીવવામાં જોમ પૂરું પાડે છે. ભલે એ સોદો મોંઘોદાટ લાગે, પણ ક્યારેક એમાંથી જ રુઆબનું રજવાડું આપણો રાજ્યાભિષેક કરે છે.


‘જીવન હકારની કવિતા’માં હિમલ પંડ્યાની આ ગઝલ જે અનુભવ્યું છે એનું નક્કર બયાન છે. મંજિલ પછીની મંજિલ પર પહોંચવાની હરણફાળ ક્યારેક આપણને આપણાથી દૂર કરે ત્યારે પોતાનાથી નજીક લાવતી આ ગઝલ છે.
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી