ઓફબીટ / નિરાશા, નિષ્ફળતા અને ઉદાસી જરૂરી છે

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Jan 23, 2019, 05:46 PM IST

થોડીક દડમજલ જરૂરી છે. થોડુંક કટાઈ જવું જરૂરી છે. નિરાશા, નિષ્ફળતા અને ઉદાસી પણ જરૂરી છે. બધું જ આપણા તાબામાં કે આપણા કહ્યા મુજબ ન પણ થવું જોઈએ. વળી, એનાથી ટેવાઈ જવું જોઈએ. આંખો સાથે દૃષ્ટિ મળી એ દૃષ્ટિ એક હદ સુધી જ દૂરનું જોઈ શકે છે. પછી એનાથી પણ દૂર જોવા માટે દૂરબીનની જરૂર પડે છે. આપણું ધારેલું એક હદ સુધી થાય તો સંતોષ માનવો એનાથી વધારે થાય તો જાતને ઉજવવી, પણ આપણું ધારેલું, આપણી ઇચ્છા મુજબનું ન થાય તો જાતને પીડા આપવાની જરૂર નથી.


મોબાઇલમાં ‘સેવ’ થયેલી નકામી મેમરીને આપણે ડિલીટ કરીએ છીએ. આપણામાં સંઘરાયેલી ઘણી નક્કામી વાતો અને વર્તનને આપણે શું કામ યાદ રાખીએ છીએ? બદલો લઈને જ જળવાય એ સાચો સંબંધ નથી. આપણી અવેજીમાં આપણા બદલે આપણો થઈને જિવાય એ પણ સાચો સંબંધ છે. બુચ્ચા અને કિટ્ટા તો નાનાં બાળકો પણ નથી કરતાં!

આપણે તો આપણી જાત સાથે જ ઝઘડીએ છીએ અને એવી અપેક્ષા રાખીએ છીએ કે જગત આપણને મનાવવા આવે. આપણી જાત સાથેની નારાજગી જુદી જુદી રીતે નીકળે છે અને એને આપણે ‘ડિપ્રેશન’નું નામ આપીએ છીએ. વર્ષો પહેલાં આ શબ્દ ગીતામાં ઉપયોગાયો છે. ‘અર્જુન વિષાદ યોગ’ના નામે! આ રોગના ડૉક્ટર ભગવાન શ્રીકૃષ્ણ બનેલા અને આપણને ‘ગીતા’નો સંયોગ સાંપડ્યો. આપણે નિરાશ શું કામ થઈએ છીએ? આપણા ગેસ ઉપર આપણી તાવડીમાં આપણે જ આપણા તવેતાને હલાવતાં-હલાવતાં અવાજ કરીને કશું જ રાંધતા નથી હોતાં. આ અવાજ માત્ર આખા ઘરની શાંતિને ખલેલ પહોંચાડવા માટેનો જ છે. બાકી, જેને ખરેખર રાંધવું છે એને તવેતો હલાવતી વખતે અવાજ કરવાની જરૂર જ નથી. ડિપ્રેશન આવી જ રીતે જન્મે છે.


તમે નિર્ણય કરી લીધો હશે કે આજે મારે ખુશ જ થવું છે, તો કોઈ પણ તાકાત તમને હચમચાવી નહીં શકે. તમે તમારી જાત સાથે બીજાની સરખામણી કરીને તમારા ફિલ્ડમાં આગળ વધવા માંગતા હોવ તો તમને કશાં જ પરિબળો નહીં હોય છતાંય હચમચી જશો. આપણી ગતિમાં આપણે આગળ વધીએ એમાં કુદરતની પણ મહેરબાની છે. શ્વાસની માત્રા, લોહીનું ભ્રમણ બધું જ એક માત્રામાં, નિશ્ચિત રીતે આપણી અંદર ધબકે છે અને ધપે છે. આપણે જ રાતોરાત બધું સર કરી લેવું છે. આપણી હથોટી જેના પર ધીરે-ધીરે સિદ્ધ થઈ રહી છે એને જ આપણે રાતોરાત પ્રસિદ્ધ કરવામાં આગળ વધીએ છીએ. જગત આપણને ક્યારેય નડ્યું નથી. આપણા સિવાય આપણને કોઈ નડ્યું નથી. એમાં આપણો સ્વભાવ સહુથી પહેલો આવી જાય છે. એને જુદો ગણવામાં એનું જ અપમાન થાય છે.


ફૂલ રાતોરાત નથી ઊગતું, સુગંધ તરત નથી આવી જતી, અંધાર વેઠીને બીજ ઊગે છે ત્યારે ઝાડ રાતોરાત નથી બનતું! આપણે આપણી જાતને સભાનતાથી ચકાસી છે? ઉદાસી, નિરાશા, નિષ્ફળતા જરૂરી જ છે. એનાથી તો મોજ, આનંદ, જલસો, પ્રસન્નતા ને મજા પડે છે. ભણતા હતા ત્યારે ચેક્સવાળી-ખાનાવાળી નોટબુક લખવા માટે આવતી હતી. મોટેભાગે ગણિતના વિષયમાં એ વપરાય અને ખાનાની બહાર આપણો લખેલો આંકડો ન જાય એ રીતે સુઘડ અક્ષરે લખવાનું રહેતું. ઘણેખરે અંશે એ અક્ષરો ખાનાની બહાર જ નીકળી જતા!

આજે પાના વગર રમવાનું છે છતાંય પત્તાંની જોડ આંગળીઓમાં ચોંટેલી લાગે છે. આપણું આયખું જ આપણામાંથી બહાર નીકળી ગયું છે. પ્રત્યેક ‘આજે’ અને પ્રત્યેક ‘આવતી કાલ’ આપણામાં આપણને ઉમેરીને જાય છે. છતાંય આપણે આંકડાના આયખાની આગળનું જ શૂન્ય થઈને જીવીએ છીએ.
ઓન ધ બીટ્સ: બાળપણ પાછું વળ્યું છે ફક્ત તારા કારણે, જીવવાનું બળ મળ્યું છે ફક્ત તારા કારણે.
- વિજય રાજ્યગુરુ
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી