ઓફબીટ / પતંગનું અંતરંગ

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Jan 16, 2019, 03:50 PM IST

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પછી ફરી પાછા આપણે આપણી જિંદગીના રૂટિન તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. પતંગને ચગાવતી વખતે મારેલા ઠમકાથી ખભા દુખતા હશે અને કેટલાકે તો રોજ જિમમાં જવું જ જોઈએ એવી આજુબાજુવાળાને સલાહો પણ આપી હશે.

પતંગ ચગાવવો એટલે ઉમંગને દોરીથી ખેંચીને આપણા હાથમાં રહીને આનંદવો! પતંગ આપણા સ્વભાવનો ઉદ્દીપક છે. પતંગ ચગેલો જોઈને જે ગેલમાં નથી આવતો એના રુદિયામાંથી ઉમળકો ક્યારનોય બાયપાસ કરીને આગળ વધી ગયો છે.


ઉત્તરાયણ એટલે આપણા ઉત્સાહને ઓળખવાનું આનંદનામું! કાગળનું પતંગ બનવું, પતંગમાં કિન્યા બંધાવવી, પતંગનો ઢડ્ડો મચેડવો, મચેડીને જે દિશામાં પવન છે એ દિશામાં ઠમકો મારીને ઉડાડવો, ઉડાડ્યા પછી એને આકાશમાં સ્થિર કરવો. એકસાથે કેટલી બધી પ્રક્રિયાઓ પતંગ અને દોરી સાથે જોડાયેલી છે. આપણી અંદર રહેલો ઉત્સાહ પણ આટલી જ પ્રક્રિયાઓમાંથી પસાર થઈને આનંદ બને છે.

જ્યારે આપણો આનંદ આકાશે ચડીને છડી પોકારે છે ત્યારે એ ઊડનારા બીજા પતંગની ઈર્ષા બને છે એટલે આપણા પતંગ જોડે પેચ લડાવાય છે. જોકે, આ બધું જ પતંગ કપાઈ ગયા પછી યાદ આવે છે. આપણે બીજાનો પતંગ કાપીએ છીએ ત્યારે તો આપણે આપણી મસ્તીમાં અને આપણી ચિચિયારીઓમાં જ રાચતા હોઈએ છીએ.


ગમતી વ્યક્તિને પત્ર લખીને અક્ષરો દ્વારા આપણે એના સરનામે પહોંચતા હતા. મોબાઇલના ટચસ્ક્રીનમાં ‘ઈ-મેઇલ’ દ્વારા આપણે ગમતી વ્યક્તિ સુધી પહોંચીએ છીએ. આપણે પૃથ્વીલોકના જીવ, ધરતી ઉપર રહી અને હવામાં ઊડવાનું આપણને ન ફાવે! જેને ફાવે છે એ પતંગ નહીં પોતાનું અભિમાન ચગાવતો હોય છે.

આપણે તો ધરતી પર રહી પતંગ સાથે દોરી બાંધીને થોડીક વાર આકાશને ચગાવીને બ્રહ્માંડને અનુભવવાનો મોકો મેળવતા હોઈએ છીએ. વ્યક્તિ એટલે ગમે છે, કારણ કે આપણામાં પ્રકૃતિ રમે છે એટલે જ પતંગ ચગાવવો પણ ગમે છે. અગાશીને બાળપણની ઉછળકૂદની કિન્ના ફૂટે છે. ફાટેલા પતંગને સાંધીએ છીએ એટલી ખૂબીથી ક્યારેક નિરાશા અને પીડાને પણ ગુંદરપટ્ટી લગાવવાની છે, ઉત્સાહને ઉડાડવાનો છે.

પતંગ એટલે આપણા આનંદનું અંતરંગ. જેને ઊડતા પતંગો જોતા આવડે છે એ બીજાની ખુશીમાં પોતાનો આનંદ શોધી લે છે. બીજાનો પતંગ કાપીને જે માત્ર આનંદ જ કરે છે એ માત્ર ઈર્ષાનો ઓશિયાળો હોય છે એવું નથી! એ હાથમાં આવેલી ક્ષણને દોરીથી રંગાયેલી આંગળીઓની જેમ રંગી નાખતો હોય છે.


પતંગ ઊંચે જઈને ચગાવવાનો નથી હોતો. એ જ્યાંથી ચગે ત્યાંથી ઊંચે જતો હોય છે. આ વાત આપણા ‘ધ્યેય’ સાથે પણ સાંકળી શકાય છે. આપણી લાગણી પકડેલા પતંગની દોરીનો લછ્છો બનાવીને વીંટતાં-વીંટતાં ગૂંચવાઈ ગઈ છે એટલે જ આપણો પ્રેમ Forward થતાં સુવાક્યોમાં પીંડલું બની ગયો છે. મજા લૂંટવામાં નથી, મજા સાથે મળીને જીવવામાં છે. એકલો પતંગ કિન્ના અને દોરી વગર અધૂરો, એકલી દોરી પતંગ વગર અધૂરી, દોરી અને પતંગ બંને હાથ વગર અધૂરાં.

દોરી, પતંગ અને હાથ ત્રણેય ‘પવન’ હોય તો જ મધુરાં. પ્રત્યેક ઉત્તરાયણ અંદરના ભોળપણને ચીકી અને તલસાંકળી ખવડાવીને ગળ્યું મોઢું કરાવે છે અને પ્રત્યેક ઉત્તરાણ એક પતંગ ઓછો અને કોઈકની એક ફીરકી ઓછી પકડીને ઊજવાતી જાય છે. પ્રત્યેક ઉત્તરાયણનું આજ સરવૈયું છે. પહેલાં સાફ થયા વગરની અગાશી પર, સાફ હૃદયવાળા માણસો પતંગ ચગાવતા.

હવે સાફ થયેલી અગાશીમાં પતંગો ફિરકીના ભાર તળે તડકો ખાય છે અને માણસો ચગેલા અનુભવાય છે. ઉત્તરાણ પૂરી થઈ એટલે આટલું લખ્યું, બાકી આવતા વર્ષે ફરી બહાર નીકળશે એમ માનીને કેટલુંક ફરી પાછું માળિયા અને ડામચિયામાં ઘરવખરી થઈને રહી ગયું.

ઓન ધ બીટ્સ:
‘દેવા સમું જે દિલ હતું, આપી દીધું અમે,
આ દુ:ખ છે, પણ એ આપવા જેવી જણસ નથી.’
- અમૃત ઘાયલ
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી