જીવનના હકારની કવિતા / માણસાઈની માનવગીતા...

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Jan 06, 2019, 04:32 PM IST

પ્રેમે કરીને રહેજો મારા ભાઈલા રે,
તમે સહુનો કરો રે સ્વીકાર રે સાધો,
મનખો રતન તારો મેલો ન થાયે રે,
તમે કરશો ક્યાં જુદા નિવાસ રે સાધો,
તાળાં જુદાં ઘર એક ખૂલે છે રે...

શું કૈલાસ શું કાબે ફરવું રે,
બધે એક જ છે કિરતાર રે સાધો,
મનખો રતન તારો મેલો ન થાવા દે,
વેદ પુરાણે કુરાન ઉઘાડો રે,
સહુ એક વદે છે કિતાબ રે સાધો,
મનખો રતન તારો મેલો ન થાયે રે...

ના કોઈ ઊંચ નીચું મારા ભાઈલા રે,
બધા એક જ છે પરિવાર રે સાધો,
કોણ અલગ કહે કોણ પરાયો છે?
આપ અનેક ભળ્યો છે મારા ભાઈલા રે,
જેવી તારી છે તે મારી નાત રે સાધો,
મનખો રતન તારો મેલો ન થાયે રે...

પ્રેમે કરીને રહેજો મારા ભાઈલા રે...
- ધ્રુવ ભટ્ટ

તાજેતરમાં એક વોટ્સએપ ગ્રૂપમાં ધ્રુવ ભટ્ટની આ રચના વાંચવા મળી અને મન-હૃદયમાં તાજગીનું અજવાળું પથરાયું. સ્વાન્ત: સુખાય માટે લખેલી આ રચનામાં પાણીમાંથી ભેજ અને અગ્નિમાંથી તેજ છૂટા ન પાડી શકાય એટલું ભાવ ઐક્ય છે.

મૂળ તો કવિ પ્રેમ કરીને રહેવાની વાત કરે છે. પ્રેમ કરીને સહુના સ્વીકારની વાત કરે છે. આપણે તો મનખાના રતનને મેલું નથી કરવાનું. પ્રેમ કરીને, સહુનો સ્વીકાર કરીને કાલુઘેલુ કરવાનું છે. કારણ ક્યાં સુધી આપણે જુદા જુદા નિવાસ કરીશું? ક્યાં સુધી ભવના ફેરાની વાટે હાલીશું? છેલ્લે તો બધાં તાળાંથી ઘર એક જ ખૂલે છે. પ્રેમ તાકાત નથી, પ્રેમ પરમાત્માની જાત છે જેને ઓઢીને જીવવામાં આયખું આનંદના મેળે મ્હાલે છે.


ધર્મસ્થળો ફરીશું કે વેદ-પુરાણ-કુરાન વાંચીશું, વાત તો એક જ મનખો મેલો ન થાય એની જ છે. એ વાંચ્યા પછી પણ આપણે શુદ્ધ નથી થઈ શકતા, કારણ કે આપણને મેલમાં રમવાની આદત છે. એને મેલીને મનખાના રતનને શુદ્ધ કરવાનું છે.


અહીંયાં કોઈ ઊંચું કે નીચું નથી અહીંયાં સમગ્ર પૃથ્વી એક પરિવાર છે. અહીંયાં કોઈ અલગ નથી બધા એકબીજાની લગોલગ છે અને બધામાં જે એક છે તે જ પોતાનામાં અનેક થઈને વસે છે. એની નાત પણ સરખી જ છે. મનખો આ બધામાં મેલો કરીને જાતને
ક્યાં સુધી છેતર્યા કરીશું? પ્રેમથી જીવાય એટલું જ જીવન છે. પ્રેમનો અભાવ એ કળિયુગ, પ્રેમનો સ્વભાવ એ સતયુગ. યુગના ભાગલા તો આપણે પાડ્યા બાકી, પ્રેમથી રહીએ તો પ્રેમના થઈએ.


ધ્રુવ ભટ્ટનું આ કાવ્ય જીવનના હકારમાં અનેરો-અદકેરો સંચાર પૂરે છે. બીજાનો વાંક કાઢનારા આપણે પોતાને વાંકે જીવનને વેંઢારીએ છીએ એની માણસાઈની માનવગીતા છે.
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી