ઓફબીટ / હૂંફને તાપણે...

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Jan 03, 2019, 08:00 PM IST

માણસ અપાર શક્તિઓનો સ્વામી છે. નિરાશ થવું આજના સમયને પાલવે એમ જ નથી. જ્યાં હૈયું ખોલીને તમે વાત કરી શકો એવા સંબંધો આગળ જે મગરનાં આંસુથી રડે છે એવા લોકો સમય પછી વલખાં મારતાં રખડતાં કૂતરાં જેવા બની જાય છે. એને બધા જ ઓળખી જાય છે, જે પોતાના કેન્દ્રબિંદુને છોડ્યા વગર, સમાધાનને સત્યના ભોગે સ્વીકાર્યા વગર સ્વાવલંબી બને છે ત્યાં મોડે-મોડે સત્યપ્રેમને પ્રગટાવે છે. હૂંફનું નિરાશ થવું આજના સમય માટે બહુ સાધારણ ઘટના છે, કારણ કે લાગણી એ ગિફ્ટપેકમાં મળે છે, માણસાઈનું પેકેજિંગ થાય છે.

છેતરવાની કંપનીઓ પોતાના બધા જ શેર ભરોસાને ટ્રાન્સફર કરી આપ્યા છે. અરીસો શક્તિ બહારનું બતાવી નથી શકતો અને ઝડપના બેલેન્સમાં ઉતાવળની બોલવાલા છે. હૂંફ જે માની ગોદમાં છે, પ્રિયતમાની આંખોમાં છે, મિત્રની પડખે છે, સંબંધોના વહેવારમાં છે એ આજે લપટી પડી ગઈ છે. વ્યસ્તતાનો આધાર સફળતા પર તો છે જ, પણ સંબંધોની સાચવણીમાં અરસપરસની માર્ગદર્શિકાએ ભજવેલો ફાળો પણ છે. હૂંફ હવે સ્ક્રીન ઉપર ડાઉનલોડ થાય છે.

ખરાબ અને સારા અક્ષરોની એને પડી જ નથી, કારણ કે હૂંફના કાગળ પર સહી જ આપણી હોય છે, એનું લખાણ બીજાએ લખ્યું હોય છે.


ઘરમાં આજકાલ એટલો બધો સંપ હોય છે કે બધા જ એકબીજાને ફેસબુક પર મળે છે. SMSમાં હરખાઈને Forward થઈ જાય છે. મોબાઇલના ટચ સ્ક્રીનને સ્પર્શની ખબર પડે છે અને માનવ પ્રકૃતિમાંથી સ્પર્શનો સંદર્ભ ડિલીટ (અલોપ) થઈ રહ્યો છે. યંત્રવત્ પ્રકૃતિએ પ્રકૃતિને યંત્રવત્ કરી નાંખી. જીવનની અભિલાષા વધી છે અને જીવવાની માત્રામાં ફેરફાર નોંધાયો છે.

માણસના સંબંધો ઋણાનુબંધથી અન્નજળ સુધીના અને પુનર્જન્મથી પુનર્મૃત્યુ સુધીના હોય છે. અજાણી વ્યક્તિની આંખોમાં વંચાતા ભવોભવને શું કહીશું? અજાણી જગ્યા જ્યારે જાણીતી લાગે છે ત્યારે અનુભવાતા સ્પંદનનું શું? સંબંધમાં કેટલું અને કેવું જીવ્યા બહુ અગત્યનું છે, એની સાથે જ સંબંધમાં કોનું જીવ્યા એ પણ અગત્યનું છે એટલે જ આપણે ત્યાં કહેવાયું છે કે જે સાચવવો પડે તે સંબંધ નથી, જે સચવાય છે તે સંબંધ છે. સંબંધમાં સરળતા, સહજતા, પ્રામાણિકતા અને પરિપક્વતા જરૂરી છે. આમાંથી કોઈ એક પણ હશે તો પણ સંબંધને ખીલતા વાર નહીં લાગે. સંબંધ ખીલે છે, ખરે છે અને પાછો ઊગે છે. કુદરત પાસે પાનખરનું પણ સૌંદર્ય છે. જેને માટે ઉમાશંકર જોશીની પંક્તિઓ છે, ‘પાનખર પ્રભુના ઘરની આવી.’ મોટો શેઠિયો જેમ પોતાના માણસોને ઘરે ભેટસોગાદો મોકલે એમ પ્રભુએ અમૂલ્ય એવી પાનખર મોકલી છે. પાનખરનું પણ સૌંદર્ય છે અને વસંતનું પણ આકર્ષણ છે. વાત તો આપણું મન એને કઈ રીતે સ્વીકારે છે તેના પર આધાર રાખે છે. મરીઝસાહેબ ઉવાચે છે...
ખુશબૂ હજુ છે બાકી જો સૂંઘી શકો મને,
હું પાનખર નથી હું વીતેલી વસંત છું.
હૂંફના બે શબ્દો પ્રેમની આગતાસ્વાગતા જેવા છે. હૂંફ મેળવવા માટે સવારથી સાંજ સુધીની દોડધામ હોય છે. હૂંફ આપણને જોઈએ છે એવી અનુભવાય છે ત્યારે સંબંધો સારા-સચોટ અને લાંબું ટકવાના આગ્રહથી પર અને એકબીજાની માન-મર્યાદા જાળવનારા, નિસ્પૃહી બને છે. આજે હૂંફ હાંફી ગઈ છે. પ્રેમ ફેસબુકમાં ખોલેલા ‘એકાઉન્ટ’નો પાસવર્ડ બની ગયો છે. શાંતિનો સમય મોબાઇલની સ્વિચોમાં ગૂંગળાઈ ગયો છે. ટચ સ્ક્રીનના મોબાઇલે સ્પર્શને વિચાર વિમર્શમાં મૂકી દીધો છે. લાગણીને લકવો મારે એવા ઊથલાઓ ન આવે તો માણસજાત ટેન્શનમાં મુકાઈ જાય છે. હૂંફ પોતે તલપાપડ છે, પણ માણસ પોતાના પ્રમાણે હૂંફની માત્રાને અનુભવવા ટેવાતો જાય છે. ઘરમાં વાતચીતનો વહેવાર બંધ થઈ જાય અને માત્ર SMS કે ચેટિંગથી જ દિવસો પસાર થઈ જાય ત્યારે હૂંફને પોતાની રહી સહી માત્રા ઉપર પાણી ફરતું
લાગે છે. પહેલાં સાથે બેસવાનો-જમવાનો આનંદ હતો. હવે આનંદ જુદા રહીને ખબરઅંતર પૂછીને હૂંફને ભ્રમમાં રાખવાનો
છે. ⬛
ઓન ધ બીટ્સ: જે એ કહે કોઈ ન વ્યસન હોવું જોઈએ,
કેવું નીરસ એનું જીવન હોવું જોઈએ! - મરીઝ
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી