જીવનના હકારની કવિતા / એ મિલાવટનો અને આપણે બનાવટના...

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Dec 30, 2018, 04:42 PM IST

અજબ મિલાવટ કરી
ચિતારે રંગપ્યાલીઓ ભરી!
એક લસરકે ઊગી નીકળ્યાં
જંગલ જંગલ ઝાડ!
ટપકે ટપકે ફૂટી નીકળ્યા
ધરતી પરથી પ્હાડ!
ઘટ્ટ નીલિમા નરી,
અજબ મિલાવટ કરી!
જરાક ખંખેરી પીંછી ત્યાં
ફૂલને લાગી છાંટ!
ફૂંક મારતાં ફેલાયા શા
સાગર સાત અફાટ!
જલરંગે જલપરી!
અજબ મિલાવટ કરી
લૂંછતાં વાદળ પોતે ઊઘડ્યા
ઇન્દ્રધનુના રંગ,
રંગ રંગમાં લીલા નિજની
નીરખે થઈને દંગ!
ચીતરે ફરી ફરી!
અજબ મિલાવટ કરી
- જયન્ત પાઠક


ગુજરાતી કવિતાના કાગળ પર જેમની કવિતા વાંચતા પ્રકૃતિનો સાદ સંભળાય એ કવિ જયન્ત પાઠક જ હશે! પ્રકૃતિ પાસે જેટલો હકાર છે એટલો બીજે ક્યાંય નથી! પ્રકૃતિ હકારની જન્મદાત્રી છે. સાહિત્યકાર અને ચિત્રકાર બંને આ કવિતામાં એકબીજાને એકબીજાની આંખોથી જુએ છે, જાણે મૂળ રંગોના મૂળમાં રંગપ્યાલીઓની છોળ ઊડી!


સિદ્ધહસ્ત ચિત્રકાર કેન્વાસ પર ખાલી પીંછી ફેરવે અને ચિત્ર ઊપસવા માંડે! એ પહેલાં પેન્સિલ કે આઉટલાઇનનો ઉપયોગ નથી કરતાં! એમ જ આ જગતના નિર્માતાએ એક જ લસરકામાં ઝાડ અને જંગલનો વૈભવ રચ્યો!

ટપકાં ચીતર્યા અને પૃથ્વી પર પહાડ ઊભા થયાં જાણે ઘટ્ટ લીલોતરીનો વૈભવ પૃથ્વીના પ્રાંગણમાં રચી આપ્યો. પ્રત્યેક રંગની ઘટાછટા સોળે કળાએ ખીલી છે, પૃથ્વી પર! પીંછી ખંખેરી તો રંગબેરંગી ફૂલો ઊગ્યાં, પીંછીને ફૂંક મારીને સૂકવી ત્યાં તો સાત સાગરનો અફાટ વૈભવ ઝગારા મારતો થયો! જળના રંગોમાં જ જલપરીને રંગી! એની મિલાવટ આગળ આપણું બધું જ પાણી ભરે! વાદળો વરસીને હાશકારો અનુભવે છે ત્યાં મેઘધનુષના રંગોએ તોરણ બાંધ્યું! એકબીજામાં ઓતપ્રોત રંગ એકબીજાની લીલા જોઈને દંગ છે.

આવું એક વાર કરીને ખૂણામાં ચિત્ર પડ્યું રહે એવું એને પોસાય નહીં, એટલે એ તો રોજેરોજ આવું કર્યા જ કરે છે. વિસ્મયની આંખોથી દુનિયાને જોવાનું ઇજન આપે છે આ કવિતા! આપણે તો એમ જ સમજીએ છીએ કે આ બધું ઇશ્વરની ફરજમાં આવે છે એટલે એ કરે છે. પરંતુ આપણે એણે જે સર્જેલું છે એને કલાકારની આંખે અને ભાવકની પાંખે અનુભવીએ છીએ ખરા? આપણે એની રચેલી દુનિયામાં ફર્નિચરનો ભાગ થઈને જીવીએ છીએ.

એણે તો આપણને જીવંત કરીને એની મિલાવટના સહિયારા સખા બનાવ્યા છે. આપણે બનાવટના અને એ મિલાવટનો થઈને એકબીજાને ઓળખીએ છીએ. એની દુનિયા આપણાથી પૂરી થાય છે અને આપણી દુનિયા હજુ શરૂ જ નથી થઈ.
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી