સ્વસ્થ, અચળ અને સ્થિર... પાંચ ઇન્દ્રિયોનું શરીર...

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Dec 16, 2018, 12:05 AM IST

‘વિશ્વમાં બે પ્રકારના લોકો હોય છે-
પ્રતિભાશાળી
અને સામાન્ય...


પ્રતિભાશાળી લોકો આ વિશ્વને પ્રગતિશીલ કરે છે, પણ વિશ્વનો કબજો હંમેશાં ‘સામાન્ય’ પાસે જ રહ્યો છે.


સામાન્યો હંમેશાં પ્રતિભાશાળીઓને હેરાન કરવા, હટાવવા, પછાડવા પ્રયાસ કરતા રહ્યા છે. તેઓ પ્રતિભાશાળીને બાહ્ય રીતે હેરાન કરી શકે છે, પણ, ક્યારેય આંતરિક રીતે ખલેલ પહોંચાડી શકતા નથી. પ્રતિભાશાળીઓ ‘રામાયણ’ના ‘અંગદ’ના પગ જેવા છે- અચળ અને સ્થિર. તેને સામાન્યો કદી ખેસવી ન શકે.’
- હરેશ ધોળકિયા


‘અંગદનો પગ’ નામની લઘુનવલનો આ ફકરો જીવનમાં જેટલું મહત્ત્વ શ્વાસનું છે એટલો જ ઉપયોગી છે. આપણે આપણામાં ભાગલા પાડીને જીવીએ છીએ કારણ કે દુનિયા જોડે સરખામણી કરીએ છીએ. વાસ્તવમાં દુનિયા આપણામાં રહેલી મધુરતાથી અકળાય છે. એટલે જ આપણા અવિચળ મનને ડામાડોળ કરે છે. અંગદે રાવણને કહેલું કે, ‘મારો પગ પકડે છે એના કરતાં રામનો પગ પકડ્યો હોત તો બેડો પાર થઇ જાત!’ આપણે મનથી અચળ અને સ્થિર રહેવાનું છે. અને પળે પળે અંદરથી યાદ રાખવાનું છે કે આપણે ‘સામાન્યો’ની સાથે જીવીએ છીએ, એ ભલે આપણી સામે થતાં આપણે આપણા સંસ્કારોને સંવારવાના છે.


આપણે દુનિયામાં હોવા છતાં આપણી અંદરની દુનિયામાં રહેવાનું! આપણે રેસમાં હોઇશું, તો આપણે પણ સ્ટ્રેસમાં જ હોઇશું! આપણે આપણી સજાગતા સાથે જીવીશું તો કોઇના અહમ્્ને આપણે જીતી શકીશું. દુનિયા જીતી શકવાનું સહેલું છે. દુનિયામાં રહીને જીવવાનું-આપણા આનંદને સાથે રાખીને ધબવાનું વધારે અગત્યનું છે.


સામાન્ય રીતે અસામાન્યના ભાગલા આપણે નથી પાડવાના! એમાં તો પાછી મહાત્ત્વાકાંક્ષા અને અપેક્ષા બંનેય આપણને ‘સામાન્ય’ જ બનાવશે. આપણે ‘રેસ’માં ઊતરીશું તો ‘સ્ટ્રેસ’ જ મળવાનો છે. આપણે પળને ઊજવતા શીખીશું તો ઉત્સાહ જ ઓગળવાનો છે. સમયને આપણી પાસે આવીને જેમ જીવવાનું ફાવે તેમ જિવાડવાનું ઇજન આપવાનું છે. એ તો શરીર વગર આપણી સાથે આપણામાં જીવતો આપણાપણાને અનુસરતો દોસ્ત છે. આપણે સરખામણી કરતાં સારપને, રેસ કરતાં જીવવાના રોમાંચને, સંબંધ કરતાં સ્નેહને સાથે રાખીને જીવવાનું છે.

આપણા સમગ્ર અસ્તિત્વને કોઇ હચમચાવવાનો પ્રયત્ન કરે તો પણ આપણે ‘અંગદ’ના પગની જેમ અવિચળ, સ્થિર અને અડગ રહેવાનું છે. રાવણનાં દસ માથાં અને એક શરીર ઓગળીને આપણી આસપાસની દુનિયાનો ચહેરો બની ગયા છે. આપણે અંગદની જેમ આપણા જ અંગત રહીને દુનિયાને શિખવાડ્યા વગર આપણાપણાને સંભાળવાનું છે.


‘જીવનના હકારની કવિતા’માં હરેશ ધોળકિયાનું આ કથાબીજ આપણને આપણી જાતમાં પરોવતા શીખવાડે છે. અંદરથી સ્વચ્છ હોઇશું તો જાતને પુરવાર કરવાની કે કરાવડાવવાની જરૂર નહીં પડે! બસ, દિવસે પણ કોડિયામાંથી પ્રસરતા અજવાળાની જેમ શાતા અને શાશ્વતી આપીને જીવવામાં મદદરૂપ થશે.
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી