વિચારમુક્ત અને જીવન સંયુક્ત...

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Dec 09, 2018, 12:05 AM IST

‘વિચારમુક્તિ વિના આ મનની મોકળાશ શક્ય નથી. વિચાર જુદાઇ, ઘર્ષણ અને દુ:ખ તરફ ઘસડે છે. જ્યાંથી વિચાર પૂરો થાય છે ત્યાંથી કૃષ્ણમૂર્તિ દ્વારા પ્રબોધિત જીવન શરૂ થાય છે. આ જીવન ‘છે’માં જીવે છે, ‘હતું’માં નહીં. વિચાર સાથે ભૂતકાળ ખેંચાય છે અને ભૂતકાળ એ કંઇ નવું જીવન નથી. તમને વર્તમાનમાં જીવતો ભૂતકાળ ખપતો હોય તો વિચારને વરો કે પછી વિચારમુક્ત થઇને જીવનની પ્રત્યેક પળ પૂર્ણ રીતે જીવો. તે જ સાચી મુક્તિ છે. આપણે સ્વાતંત્ર્યની વાત કરીએ છીએ ત્યારે ક્યારેક વિચાર-સ્વાતંત્ર્યની વાત કરીએ છીએ તો ક્યારેક વાણીસ્વાતંત્ર્ય આગળ જ અટકી જઇએ છીએ. એ તો જાણતા જ નથી કે પૂર્ણ સ્વાતંત્ર્ય વિચારમુક્તિ પછીની મન:સ્થિતિ છે.’- રઘુવીર ચૌધરી

રઘુવીર ચૌધરી એટલે ભર્યોભાદર્યો રસનીતરતો હકાર...શુભત્વનો સ્વીકાર... એ બોલવાના હોય તો સાંભળવાનો મોકો ચૂકવા જેવો નહીં. એમનેમ બોલે તો પણ હાસ્યના ફુવારા ઊડે...! ગંભીર વાત પણ હળવેકથી મૂકી શકે...! શિષ્ટ સાહિત્યના વર્તમાન સમયના નાભિશ્વાસ જેવા છે. આ ફકરો ‘પુનર્વિચાર અને વિચારમુક્તિ’ પુસ્તકમાંથી લીધો છે...


માણસને આજે મોકળાશ અનુભવવી છે. ખુલ્લાપણાના શ્વાસ ભરવા છે પણ બંધ એ.સી.ના ઓરડામાં...! એને ધ્યાન કરવું છે પણ વિજ્ઞાને શોધેલાં ઉપકરણો સાથે કરવું છે. પરિણામે મનની મોકળાશ અને શરીરની તંદુરસ્તી વચ્ચે જીવનભેદ રહે છે.

સતત વિચારતા હોવું એ ખાસિયતની જગ્યાએ ખામી પણ બની શકે છે. વિચારીએ છીએ એટલે જ તો સુખનાં અને દુ:ખનાં બંને પલ્લાંઓને ઊંચાનીચા કર્યા કરીએ છીએ. એમણે ફકરામાં જે. કૃષ્ણમૂર્તિને ફોરમતા કર્યા છે. ‘જીવન છે’માં જિવાય છે ‘હતું’માં નહીં...! દરેક વિચાર સાથે ભૂતકાળ જોડાયેલો છે.

પરિણામે વિચારતો માણસ વર્તમાનમાં પણ ભૂતકાળને જ જીવે છે એ જરૂરી પણ છે પરંતુ પ્રત્યેક હદને એના કદમાં જીવવાની આદત પડાવવી જોઇએ. વિચારમુક્ત થઇએ તો જીવનથી સંયુક્ત થઇ શકાશે. આપણું સ્વાતંત્ર્ય વાણીસ્વાતંત્ર્ય આગળ આવીને અટકી જાય છે. સાચું સ્વાતંત્ર્ય તો રઘુવીરભાઇ કહે છે એમ વિચારમુક્તિ પછીની મન:સ્થિતિ છે. નિર્વિચાર અને વિચારમુક્તિ બંને જુદાં છે. ક્યારેક વર્તમાનને વિચારમુક્ત કરીને આનંદવો જોઇએ. પોતાને સાંભળવા માટે વિચારોને સંભાળવા જરૂરી નથી.
જીવનના હકારની કવિતાનો આ ફકરો રઘુવીરભાઇના શબ્દોમાં જ કહું તો મૌન પછીના સ્વર જેવો છે...

[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી