માતા જ સર્વોપરિ છે...

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Nov 25, 2018, 12:05 AM IST

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ ગામે;
ગીગુભાઇ નાગજી નામે.
લખ્ય કે માડી! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઇ!
સમાચાર સાંભળી તારા,
રોવું મારે કેટલા દહાડા?
ભાણાનો ભાણિયો લખે છે કે,
ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે
પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઇશ મા,
રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના રોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ!
કાયા તારી રાખજે રૂડી,
ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહીં તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહી અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.
- ઇન્દુલાલ ગાંધી

સર્જનથી મોટું કોઇ નથી. માતા એટલે જ સર્વોપરી છે. રાહ જોવડાવે તે કોઇપણ સંબંધ પણ રાહ જોવે એ તો માતાનો જ ઋણાનુબંધ... જેની રાહ જોવામાં ક્યારેય ભરતી કે ઓટ નથી આવતાં એ મમ્મી છે. એની એક રોટલી વધારે ખવડાવવાની આદત આપણી ડાયેટિંગવાળી ફાંદને અસર નથી પહોંચાડતી! માતા અને સંતાનોનો સંબંધ બધા જ સંબંધથી પર છે, તરબતર છે.


આ કવિતા ગાંધીયુગના છેલ્લા કવિ તરીકે ઓળખાતા ઇન્દુલાલ ગાંધીની છે. જ્યારે ભાગલા નહોતા પડ્યા ત્યારે આ કવિ લાહોરમાં રહેતા. ભાગલા પછી આજીવન રાજકોટમાં વસ્યા. લાહોરમાં જમવાની હોટલની બહાર હોય તેવો પાનનો ગલ્લો આ કવિ ચલાવતા. ત્યારે લગભગ દરેક પાનને ગલ્લે રેડિયો હોય જ. આ રેડિયો પર એમણે એમના જ તરન્નુમવાળું કોઇકે ગાયેલું એમનું જ ગીત સાંભળ્યું. હિઝ માસ્ટર્સ વોઇસ જે પાછળથી એચ.એમ.વી. બની એણે રેકોર્ડ કરેલું લોકગીતને નામે, લાહોરની આસપાસના કવિસંમેલનમાં ઇન્દુલાલ ગાંધી આ કવિતા રજૂ કરતા હશે. પણ એવો ખ્યાલ નહોતો કે આ કવિતા ગુજરાત પહોંચશે અને કોઇક કંપની એને લોકગીતના નામે રેકોર્ડ પણ કરશે? પોતાના પાનના ગલ્લે, પોતાના રેડિયો પર પોતાની કવિતા ગવાય એનો આનંદ તો હોય જ. પણ, પીડા પણ એટલી જ કે રોયલ્ટી અને કવિના નામનું શું? ઇન્દુલાલ ગાંધીએ રેકોર્ડ કંપનીને પુરાવા મોકલ્યા અને કંપનીએ તરત જ કવિનું નામ રેકોર્ડ પર લખાવ્યું અને પહેલાંની બધી જ રોયલ્ટી પણ આપી. હવેથી બીજી રોયલ્ટી એમને જ સરનામે મળે એવી વ્યવસ્થા પણ કરાવી. આજે, એ રચના જ્યારે જ્યારે ગવાય છે ત્યારે માતા અને સંતાનો વચ્ચેનો ગજગ્રાહ દૂર થઇ જાય એનો આંતર્નાદ સંભળાય છે. આ રચના પછી એના અનેક જવાબો ઇન્દુલાલ ગાંધી સહિતના કવિઓએ લખ્યા. પણ મઝા તો આ ગીત વાંચીએ ત્યારે આવેલાં ઝળઝળિયાની છે. કેટલાક આંગડિયા આંખોથી અંતર સુધી વગર ટપાલે સંદેશો પહોંચાડે છે. આ ગીતમાં એવો જ હકાર છે...
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી