આનંદના સ્વામી... સ્વામી આનંદ...

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Nov 21, 2018, 12:05 AM IST

ભાવકો સ્વામી આનંદના નિબંધ ‘મોનજી રૂદર’થી એમને ઓળખે છે. એમના ગદ્યમાં ઉમાશંકર જોશી કહે છે તેમ વાંચનાર તણાઈ જાય. મૂળ નામ હિંમતલાલ દવે. દીક્ષિત થયા પછીનું નામ સ્વામી આનંદ. મુંબઈમાં વિધવા માસી જે એમનાં સગાં નહોતાં તેમને ત્યાં રહીને સામાન્ય અભ્યાસ કર્યો અને આઝાદી પહેલાં 1897માં એક બાવા સાથે ભાગી ગયા પછી સંન્યાસ લીધો. તેર વર્ષની ઉંમરે રામકૃષ્ણ મિશનના સાધુઓના સંપર્કમાં આવ્યા. નેપાળની સરહદ નજીક માયાવતીમાં રામકૃષ્ણ મિશનના અદ્વૈતાશ્રમમાં વાસ કરીને સાહિત્યનો અભ્યાસ કર્યો. દીક્ષિત સ્વામી આનંદ આપણી ભગ્ન પરંપરાના હિમાયતી છે. તેઓ લખે છે કે, ‘જૂના કાળના ઋષિમુનિઓ સૌ ગૃહસ્થાશ્રમીઓ હતા, જોગીજતિ નહોતા અને આપણાં ઇતિહાસ પુરાણોયે પણ ત્યાગ સંન્યાસને જિગરજાનથી બિરદાવ્યા છતાં સરવાળે ગૃહસ્થાશ્રમનો જ મહિમા ગાયો. ભલભલા જતિજોગી તપસ્વીઓને જીવનદર્શનમાં સંતુલન અને સમન્વય શીખવા સારું એમણે ગૃહસ્થાશ્રમી ઋષિઓના આશ્રમમાં અગત તો અભણ ઘરવાળી કે કસાઈઓને ઘેર મોકલ્યા. નામદેવ, તુકારામ, નરસિંહ, નાનક, કબીર, રામકૃષ્ણ ઠાકુર બધા જ ગૃહસ્થાશ્રમી હતા.’


આપણી ભાંગતી જતી લગ્નવ્યવસ્થા આજે લીવ ઇન રેલેશનશિપથી ગંઠાય છે ત્યારે એક સાધુની વર્ષો પહેલાંની વિચારસરણીને આજે પણ સત્યની નજીક અનુભવવી પડે એવી મક્કમ છે. લાંબાં વાક્યોના વિશેષાર્થી સ્વામી આનંદનો પત્રવ્યવહાર એટલો જ યાદગાર છે. એ આફતને મહામૂલી સોગાત માને છે. અવતારોની જનમકથાઓ ઉટપટાંગ છે તો આપણી શી વિસાત? એટલે જ એ કહે છે કે, ‘મારી સમજ મુજબ નિયતિ એ તો ઈશ્વરી યોજનાનું જ નામ છે.’ શ્રમ અને સર્જનને પ્રાધાન્ય આપતા આ કર્મશીલ સાધુ ગાંધીજીના સંપર્કમાં આવીને ‘નવજીવન’ પત્રિકાની જવાબદારી સંભાળે છે. આ પત્રિકાની હારમા‌ળા ‘હિંદ છોડો’ ચળવળની ભૂગર્ભપત્રિકા સુધી પહોંચે છે. સાધુ સ્વયમ્ જ્યારે એમ કહે કે, ‘પ્રાચીન હિન્દુ ઋષિઓ ઘરબારી હતા. જંગલો તોડી ખેતી કરતા. પશુપાલન કરતા, ખભે કુહાડો કે માથે ટોપલો ને મોઢે વેદગાન એમનાં જીવન હતાં.’
આ જ સ્વામી આનંદ વર્ષો પહેલાં એટલે જ કહે છે કે, ‘નકરો કોરો બુદ્ધિવૈભવ ખટાઈ ચડેલા આથા જેવો છે. એમાં અંધારે ખાંજરે પડેલી વાસી ચીજની ફુગ અને ફટમેન્ટેશન છે. સવાદ છે, પણ સાચું આરોગ્ય નથી.’કેટલી સાચી વાત? અથાણાને શાક માનીને રોજ થાળી ભરીભરીને ખાનારા આપણને આટલો બધો આથો કોણે ચડાવ્યો?’


‘જીવનના મૂલ’આપણે સમજીશું તો જ ‘ચરિત્રનો દેશ’ ઊભો કરી શકીશું. ચરિત્રની ગેરહાજરી નહીં ચાલે. સ્વામી કહે છે, ‘ચરિત્રની હાજરીમાં સાહિત્ય, સંગીત, કળા તમામને વસંત આવે છે.’ ચરિત્રની, સદ્્આચરણની ભાષા સદાય મૌન રહે છે. સાચો સર્જક કલા સિવાય ક્યાંય ખૂલતો નથી. પ્રેમની ભાષા વિશે કહે છે કે ‘પ્રેમની ભાષા મૂંગી છે. નેત્રની, હોઠની, મસ્તકની ભાષા પણ શબ્દહીન છે. જીવનનું તત્ત્વ પણ શબ્દની પેલી મેર છે.’ આપણા શબ્દ ઘોંઘાટનાં કપડાં પહેરીને જીવે છે, કારણ કે આપણું ચરિત્ર કાબરચીતરું થઈ ગયું છે. આપણે શરમને આપણામાંથી જ કાઢી મૂકી છે. જીવનથી જુદા પડીને જીવતા આપણે બુદબુદા છીએ. સ્વામી આપણે કોણ છીએ એનું ભાન કરાવતા કહે છે કે, ‘ઈશ્વરને હાથપગ નથી માણસ મારફતે જ તે પોતાની યોજનાઓ બર આણે છે. જ્ઞાન, ભક્તિ અને કર્મને વિચારમાં ભલે જુદાં પાડી શકાય, જીવનમાં જુદાં પાડી શકાતાં નથી.’ બીજાને માફ કરવાની વાતો કરનારા આપણે સહુથી પહેલાં તો આપણને જ માફ કરવાના છે. બાકી સ્વામીજી કહે છે તેમ, ‘પુલો હેઠળનાં પાણી વળી વહ્યાં ને ઘડિયાળાંની રેતો સર્યે ગઈ.’ આપણે પસાર થઈશું બસ, પાર નહીં થઈ શકીએ. ⬛
ઓન ધ બીટ્સ : ‘સ્વામી આનંદ મરમી જીવનના ફુવારા સમા હતા.’} ઉમાશંકર જોશી
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી