વિસ્મયનો જન્મદિવસ

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Nov 18, 2018, 12:05 AM IST

તો કેવી અજબ જેવી વાત છે !
નાની મારી આંખ, એ તો જોતી કાંક કાંક...
એ તો કેવી અજબ જેવી વાત છે !

નાક મારું નાનું, એ સૂંઘે ફૂલ મજાનું...
એ તો કેવી અજબ જેવી વાત છે !

નાના મારા કાન, એ સાંભળે છે દઈ ધ્યાન...
એ તો કેવી અજબ જેવી વાત છે !

નાનું મોંઢું મારું, એ બોલે સારું સારું...
એ તો કેવી અજબ જેવી વાત છે !

નાના મારા હાથ, એ તાળી પાડે સાથ...
એ તો કેવી અજબ જેવી વાત છે !

પગ મારા નાના, એ ચાલે છાનામાના...
એ તો કેવી અજબ જેવી વાત છે !

આંગળી મારી લપટી, એથી વગાડું ચપટી...
એ તો કેવી અજબ જેવી વાત છે!

-ઉપેન્દ્ર ભગવાન


નાના હતાં ત્યારે આ કવિતા ખૂબ ગાતા... સ્કૂલે ગયા પહેલાં આ કવિતા આપણને આવડતી હતી..! બધાની આગળ આ કવિતા બોલીને રોફ જમાવવાનો એક લહાવો ઘણા બધાએ માણ્યો છે. વાત સીધી, સરળ અને હૃદય સોંસરવી છે. આપણું શરીર પાંચ ઈન્દ્રિયોનું બનેલું છે. દરેક ઇન્દ્રિયને હાથ, પગ અને ઇચ્છાનું આવરણ છે. નાની આંખો દૂરનું તાકે છે. વિસ્મય થઈને સમજણ બને છે અને સમજણ આવ્યા પછી વિસ્મયનું કપડું નાનું પડે છે. એટલે જ નાનાં બાળકોને રમાડવા અથવા એમની સાથે રહેવા આપણું મન તલપાપડ બને છે...


ઈશ્વરે આપણને આંખ આપી, નાક આપ્યું, કાન આપ્યાં, જીભ આપી, હાથ અને પગ આપ્યાં, જાણે કે જાતે ઊભી કરી શકીએ એવી દુનિયા ઊભી કરવાની ક્ષમતા આપી. આ કવિતા કોઈ પણ ઉંમરે પ્રસ્તુત છે. કારણ કે એમાં વાત જ અજબ-ગજબની છે. રૂવાંડાનાં રન-વે ઉપર બાળપણને ઉડાડવાની આ કવિતા છે...


આંખો પાસે જોવાનું વિસ્મય છે, નાક પાસે ગંધ-સુગંધનું રહસ્ય છે, કાન પાસે ઘોંઘાટથી એકાંત સુધીની યાત્રા છે, જીભ પાસે શબ્દોનું મૌન અને મૌનનાં શબ્દો છે, હાથ પાસે તાળી પાડવાનો વૈભવ છે...


હૂંફ છે હૈયા તણી હાથ પાસે, પગ પાસે છાનો છૂપો રસ્તો છે. આ બધું હાથની ચપટી જેટલું સરળ અને અદૃશ્ય છે. જે દેખાય છે , તે આંખો છે, નજર નથી. અવાજને આકાર નથી હોતો... સુગંધનો ફોટોગ્રાફ કેવી રીતે પાડીશું? મૌનને દોરવા માટે ચિત્રકાર હોવું જરૂરી છે મિત્રકાર?


હાથની હૂંફ વાંસળીની હૂંફ બને ખરી? રસ્તો મંજિલ સાથે પણ સાવ અમસ્તો હોવો જોઈએ.માટે જ આપણું શરીર એ ઈશ્વરનું રામરમકડું છે. આપનો જન્મ થાય છે ત્યારે બધી જ ઈન્દ્રિયો ખુશ ખુશાલ હોય છે.એક પછી એક ઇન્દ્રિય ચાલી જાય ત્યારે મૃત્યુ આપણી રાહ જોતું હોય છે. ‘ઇન્દ્રિયો આપણાથી કિટ્ટા કરી લે પછી માણસનું મૃત્યુ જાહેર થાય છે’ આવું લખ્યા પછી સુરેશ દલાલે કહેલું...


‘આંખ તો મારી આથમી રહી,
કાનના કૂવા ખાલી;
એક પછી એક ઇન્દ્રિય કહે,
હમણાં હું તો ચાલી...’


નાનપણનું Nostalgic Memoryનું (અતીત રાગ) આ કાવ્ય આજે પણ મોટી ઉંમરે, આપણી અંદર જીવતા બાળકને ખૂબ ગમે છે. આમે ય કવિતાને ઉંમર સાથે નહીં, અંતર સાથે લેવા-દેવા છે. જીવનનાં હકારની આ કવિતા ઈશ્વરનો આભાર માનતું હૃદયગીત છે... ⬛
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી