Back કથા સરિતા
અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

કવિતા (પ્રકરણ - 69)
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.
પ્રકરણ-11

કોઈ આપણને ‘મિસ યુ’ કહે ત્યારે...

  • પ્રકાશન તારીખ24 Oct 2018
  •  

હું તને બહુ મિસ કરું છું. એવું કોઈ આપણને કહે ત્યારે આપણે સામેથી શું કહેવાનું? હું કોઈ સલાહકાર નથી કે નથી જીવનના ક્લાસરૂમનો શિક્ષક. હું તો માત્ર તમારા જેવો એક વાચક અને ભાવક છું. જીવનના અક્ષરોને ઉકેલવાનો પ્રયત્ન કરું છું, જેનો કક્કો કે બારખડીની મને ખબર નથી. જીવનમાં માત્ર લાગણી છે, જેને સમજતા અને સમજાવતા કોઈને નથી ફાવતું!

સમાધાન પ્રેમને કબૂલ નથી અને સમજણથી પ્રેમ ક્યારેય પણ થતો નથી

આપણે આખી જિંદગી કોઈને યાદ કરીને જ વિતાવવાની? આપણને જોઈતી, ગમતી, ઝંખતી વ્યક્તિ આપણી પાસે નથી એટલે આપણી પાસે, સાથે જ રહે છે એને અન્યાય કરવાનો? સમાધાન પ્રેમને કબૂલ નથી અને સમજણથી પ્રેમ ક્યારેય પણ થતો નથી.


સુરેશ દલાલે એક વાર કહેલું, ‘ક્યારેય કોઈ હોડીના ડૂબી જવાથી સમુદ્રએ સૂતક પાળ્યું હોય એવું બન્યું નથી.’ આપણે પણ સમુદ્ર જેવા ઉછાળા મારતા પ્રેમના લયહિલ્લોળની ભરતીની પૂનમ જેવા જીવવાનું છે. યાદના તળાવમાં પગ બોળીને જે વ્યક્તિને યાદ કરતા હોઈએ એ વ્યક્તિ આપણી જ બાજુમાં એ જ તળાવમાં પગ બોળીને આપણી જોડે હોવી જોઈએ એ જરૂરી નથી. યાદના તળાવમાં પગ બોળીને આંખોમાં ખાબોચિયાં ભરીને આપણે જ આપણા પ્રેમના દરિયાને રણની યાદો ભેટમાં આપીએ છીએ.


યાદ જરૂરી છે, પણ એકલી યાદ જ જરૂરી નથી. યાદ આવે ત્યારે પ્રેમની-શ્વાસની પણ હાજરી પુરાવતી હોય છે. જે વ્યક્તિ સાથે સમય વિતાવ્યો છે એને યાદમાં જ સાચવવાની? પ્રેમ તો યાદને માનતો જ નથી. પ્રેમ તો માત્ર એવી પળોને માને અને માણે છે જેને યાદ સંઘરી રાખે છે. હૃદયની મેમરીમાં સેવ કરી રાખે છે. યાદ જ્યારે કોઈ આપણને કરે ત્યારે આપણે પણ એની જેમ એને ‘મિસ યુ’ કહેવાની જરૂર નથી. ‘લવ યુ’ કહીને આપણા પ્રેમની સાબિતી જીવંત કરીને આગળ વધારવાની હોય છે. એવું બને કે એ વ્યક્તિ ગેરહાજર હોય, ફોટામાં લટકતી હોય, વ્હોટ્સએપના સ્ટેટસમાં માત્ર એને જોઈને આપણી આંખો હરખાતી હોય, ફેસબુકમાં એણે અપલોડ કરેલા ફોટામાં એને જોઈને આપણું ‘કોઈક’ આ દુનિયામાં એને ખબર નથી એમ જીવે ત્યારે ‘Love you’નો અર્થ દુનિયાને તો નથી જ સમજાવવાનો હોતો. હૃદયને કોરી સ્લેટ જેવું રાખીને એ જેની જોડે અત્યારે જીવતી હોય એને એની જોડે એ સ:રસ જીવે એની પ્રાર્થના કરવાની હોય! એણે કદાચ આપણને ‘મિસ યુ’ ના પણ કહ્યું હોય અને આપણને સંભળાઈ પણ ગયું હોય, એવું બની શકે! એની સામે આપણે પણ એને ન સંભળાય એવું વારંવાર ‘લવ યુ’ કહ્યું જ હોય છે.


પ્રેમ જીવે છે પ્રેમીમાં. એ ફુગ્ગામાં ભરેલી હવા નથી, એ તો ફોરમની આબોહવા છે. એને અનુભવવા આપણે આપણા જ મેળામાં મહાલવાનું છે. આપણે પૂરતા તો પ્રેમ પણ સંપૂર્ણ. આપણા વર્તનમાં ગમતી વ્યક્તિની યાદ નહીં, પ્રેમ પણ વર્તાવવો જોઈએ. યાદ પાસે ફરિયાદ છે. પ્રેમ પાસે કશું જ નથી. એના હાથમાં રેખાઓ પણ નથી અને તોય એ પ્રેમ છે. યાદ પ્રેમને કોસે છે. અત્યારે આપણી ગમતી વ્યક્તિ આપણી જોડે નથી, એની પ્રતીતિને સબળ કરે છે. યાદ કોઈ કરે ત્યારે આપણે યાદ કરનારી વ્યક્તિ પ્રત્યે આદર નહીં, પ્રેમ વ્યક્ત કરવાનો હોય છે.


પ્રેમ તો ક્ષણનાે સાક્ષાત્કાર કરે છે. કોઈ પણ સમયમાં સવાર કરે છે. પ્રેમ ગમતી વ્યક્તિને જે જે ગમતું હોય એમાં રચ્યોપચ્યો રહીને આપણને એના જેવા બનાવે છે. વ્યક્તિ હાજર હોય અને ‘મિસ યુ’ કહે ત્યારે સમજવું કે ‘મિસ યુ’ કહેનારી વ્યક્તિને આપણાથી જલદી છૂટા પડવું છે, પરંતુ જ્યારે વ્યક્તિ સામેથી ‘લવ યુ’ કહે ત્યારે સમજવું એને હવે આપણી જોડે રહેવું છે અને નથી રહી શકવાના સંગાથે એનો અજંપો અજપાજાપ રૂપે ‘લવ યુ’ રચ્યા કરે છે. પ્રેમ અને યાદ એવા દોસ્તો છે જે સાથે ચાલતાં ચાલતાં ભવસાગરના કિનારે પોતાનાં પગલાં ભૂંસતાં ભૂંસતાં એકબીજામાં રેતી અને મોજાંની જેમ ઓગળી જઈને પ્રેમ નામના શંખ અને છીપલાં જેવા બની જાય છે. શંખને કાને માંડીએ ત્યારે દરિયાનો અવાજ સંભળાતો હોય છે. પ્રેમને અનુભવીએ છીએ ત્યારે ‘મિસ યુ’ એની જ રીતે સંભળાતું હોય છે. આ તો એક જ ઘરમાં થતો અરસપરસનો વહાલનો વાટકી વહેવાર છે.
ઓન ધ બીટ્સ
ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી,
મનડાની આખરી ઉમેદ...- ઝવેરચંદ મેઘાણી [email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP