મનની મુસાફરી... હૃદયની યાત્રા...

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Sep 30, 2018, 12:05 AM IST

લાંબા પથ ને રસ્તા કાચા,
એક મુસાફર, લાખ લબાચા!!

પારંપારિક સૌના ઢાંચા
સૌ માને છે પોતે સાચા

મનગમતા છે સાવ નકામા
અણગમતા રસ્તાઓ સાચા.

એક જ અર્થ મહાભારતનો :
શ્યામ વગર સૌ સાધન ટાંચાં!

ક્યાંય સટાકા ના સંભળાયે
કુદરતના છે મૌન તમાચા.

આવ! હવે ખુલ્લામાં ‘કાયમ’
છોડ! હવે તો ખૂણા ખાંચા.

- કાયમ હજારી

આપણે મનથી મુસાફરી કરવાની છે અને હૃદયથી યાત્રા... જિંદગીનો પથ લાંબો છે અને રસ્તા કાચા છે. કાચા રસ્તા પર લબાચા પણ ખાસ્સા છે...! કેટલું બધું સાથે લઈને ચાલીઅે છીએ આપણે? ક્યાંક મનનો બોજ, ક્યાંક તનનો બોજ... બધાના ઢાંચા પારંપારિક છે અને બધા જ પોતાને સાચા માને છે. અહીંયા ગતિમાં પ્રગતિ જ છે અને પ્રગતિમાં આવનારા સમયની અધોગતિ છે...! જિંદગી જીવીએ છીએ એવાં વહેમમાં દિવસ આપણને વિતાવીને ચાલ્યો જાય છે. જે રસ્તાઓ સાચા છે એ ગમતા નથી અને જે ગમે છે તે રસ્તાઓ નકામા છે...! પીડાનું પારેવું શ્વાસની ડાળી ઉપર બેસીને ઊડી જાય છે અને એનો ફફડાટ ધબકારામાં સંભળાયા કરે છે...

જેને જાતને ઓળંગતા, જગતને પસાર કરતાં આવડે છે એમનો પ્રવાસ ક્યારેય એકલો નથી હોતો

આખા મહાભારતમાંથી કૃષ્ણને બાદ કરીએ તો કશું બચતું જ નથી. કૃષ્ણ કેન્દ્રબિંદુ છે મનનું અને મહાભારતનું..! એમણે આપણી જીવનરીતિને પ્રત્યેક સમય સાથે કેળવી છે... કુદરત તમાચો મારે છે ત્યારે અવાજ નથી સંભળાતો, એ તો મૌનથી વાર કરે છે અને એ વાર હંમેશાં યાદગાર રહી જતો હોય છે. જીવન ખુલ્લામાં આવીને જીવવું જોઈએ. ખૂણા-ખાંચા વગરનું જીવવું જોઈએ...


કાયમ હજારીની આ ગઝલ જીવનના હકારની કવિતામાં પોતાની જાતને સ્વીકારવાની કવિતા છે... આપણે આપણને સ્વીકારીશું એની સાથે જ આપણી મર્યાદાઓ અને વિશેષતાઓ આપણી અંદર જ ઊપસી આવશે. જીવન ખરાખરીનો ખેલ નથી, મુશ્કેલ નથી. એ તો કાચા રસ્તા પર માઈલ સ્ટોનની જેમ જીવી જવાની આવડત છે... જેને જાતને ઓળંગતા અને જગતને પસાર કરતાં આવડે છે એવા લોકોનો પ્રવાસ ક્યારેય એકલો નથી
હોતો...
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી