Back કથા સરિતા
અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

કવિતા (પ્રકરણ - 59)
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.

વહેંચવાનું સુખ

  • પ્રકાશન તારીખ26 Sep 2018
  •  

પ્રકૃતિની સંસ્કૃતિ સમજવા જેવી છે. પ્રકૃતિમાં કશાની ઊણપ નથી, ઓછપ નથી. એકબીજા પર નિર્ભર થઈને સ્વયંને સભર કરે છે પ્રકૃતિ. યોગ્યતા ઉપરાંત પૂર્ણતા એ પ્રકૃતિનો વિશેષાધિકાર છે. સુગંધ ક્યાંય કચાશ છોડતી નથી. સૂર્ય આજે 50 ટકા જ અજવાળું આપે છે એવું ક્યારેય થયું નથી. વાદળને કારણે ઢંકાઈ જાય એવું બની શકે! જ્યાં બધું જ સત્ત્વ સ્વયંમાંથી બહાર નીકળીને મોસમને અજવાળવા માટે ઉપયોગાય ત્યાં ખીલવાનું જ શક્ય છે. જેને સતત વહેંચવું છે એને કશું જ ખૂટશે નહીં. જેને ખાલી થઈ જવાનો ડર છે, એને સતત અંદરના ખોખલાપણાની ચિંતા રહે છે.


આપવું જ્યારે જીવવું બને છે ત્યારે ચાહવું શોધવા જવું નથી પડતું. એ સામે ચાલીને ઊગવું બની જાય છે. ક્રિયા અને પ્રક્રિયાની વચ્ચે પ્રતિક્રિયા જીવનનો ભાગ બની ગઈ છે. નિરાંતે બેસીને આપણા ધબકારા વગર સ્ટેથોસ્કોપે સંભળાય એવો સમય છિનવાઈ ગયો છે. સતત હવે આ નહીં કરું તો? નો ભય સતાવે છે. પીડા બીજાની છે અને શરીર આપણું છે. પરિણામે પરિભાષા વણઊકેલી રહી જાય છે. સતત ને સતત બિઝી રહેવામાં આપણી પોતાની મૌલિકતા ગુમાવી બેઠા છીએ. વહેંચવું ભૂલીને ફેલાવવુમાં આપણે રાચીએ છીએ. પાંચ માણસમાં પુછાવવું અને કોઈ ગમતી વ્યક્તિના હૃદયમાં મનોમન પૂજાવવું ક્યારેય સાથે નથી થતું. અંદર ગયેલો શ્વાસ બહાર નીકળીને કેવો તરફડતો હતો, એ જોવાનું ચૂકી જઈએ છીએ આપણે. નવા મોબાઇલમાં ડાઉનલોડ કરવાની એપ્લિકેશન જેવા છીએ. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોટા મૂકીએ છીએ અને ‘હૃદયમાં પડેલી છબી’ઓને ભૂંસી નાખીએ છીએ. એક જ અપેક્ષાએ સામા માણસ માટેના અભિગમને બદલી નાખીએ છીએ અંદરથી. આપણે અંદરથી બહાર કરતાં પણ વધારે ગંભીર જીવીએ છીએ.


શિક્ષક વહેંચવાનું બંધ કરે છે ત્યારે ઘરડો થાય છે. કલાકાર વહેંચવાનું બંધ કરે છે ત્યારે વિકલ્પો વિચારાય છે. ભરેલા કાગળમાં અક્ષરોની શાંતિ વાંચી-અનુભવી શકે તે સાચો ભાવક. સમય રોકાતો નથી, પરંતુ તવારીખ બનીને ઊજવાતો જરૂર હોય છે.


કુદરતે આપણને બિનશરતી જામીન જેવો ટેકો જાહેર કર્યો છે અને આપણે એને અબાધિત હક માનીએ મનમાની કરી જીવી રહ્યા છીએ. ભાવ અને ભાષા બંનેથી આપણે દગો કરીએ છીએ. જેની જોડે હાથ મિલાવીએ એનાથી જ અટૂલા પડી ગયા છીએ. એક જિંદગી જીવાઈ ગયા પછી માલૂમ પડે છે ભ્રમણાના સત્યની કાકલૂદી અને હવે બીજી ઇનિંગ્સમાં ઓછી ઓવરો અને ઓછા રન છે, કારણ કે સામે રમવાવાળું જ કોઈ નથી હોતું. એક તરફી મેચ જેવું નીરસ બનતું જાય છે આયખું. વહેંચવાનું ઓછું થાય ત્યારે જીવવાનું ચૂકી જવાય છે.


જે વહેંચવાનું ચાલુ રાખે છે એનામાં શીખવાનું આપોઆપ ઉમેરાય છે. ઊંચે જવાનો આર્વિભાવ ઉમેરાય છે. વાયરો સ્થિર થવાનું શીખે છે, સુગંધને વહેંચવાનું શીખે છે. પ્રકૃતિમાં બધા જ એકબીજામાંથી શીખે છે એટલે જ જીવંત છે. આપણને પણ અસ્તિત્વએ શીખવા માટે જ જન્મ આપ્યો છે અને આપણે શીખવાનું બાજુ પર મૂકીને ભૂલો શોધવાનું શરૂ કર્યું છે. પરિણામે આપણે પ્રમાણમાં નીરસ લાગીએ છીએ. જન્મ્યા ત્યારે કામ, ક્રોધ, લોભ, ભય કશું જ નહોતું અને મૃત્યુ વખતે આ બધું જ નહીં હોય, એવું કોણ કહી શકશે? બહુ વિચારો કરવાથી પણ જૂના થઈ જવાય છે. જેવા છીએ એવા વ્યક્ત થઈને વહીએ તો વહેંચવાનું વધારે અને વહેંચાવવાનું ઓછું આવશે! કોઈકના વિકલ્પે જીવીએ છીએ? કે આપણી નીતિમત્તાના ધોરણે? કોઈક આપણને કે આપણે કોઈકને કૂકરીની જેમ રમાડતા તો નથી ને? જે માણસ વહેંચતો ફરતો હશે એની પાસેથી આપણા પૂછ્યા વગરના પ્રશ્નોના જવાબ પણ મળી જતા હોય છે.


ઓન ધ બીટ્સ: ‘દરિયા તરફ મેં આંગળી ચીંધી દીધી હતી,
એણે કહ્યું કે પ્રેમ પર બોલો ટૂંકાણમાં...’

- હેમેન શાહ

ghazalsamrat@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP