સાંજનો શણગાર

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Sep 23, 2018, 12:05 AM IST

પંખીઓએ કલશોર કર્યો પંખીઓએ કલશોર કર્યો, ભાઇ! ધરતીને સૂરજ ચૂમ્યો,
કૂથલી લઇને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો
વને વન ઘૂમ્યો.
ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,
શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો ઘૂમટો તાણ્યો.
પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,
નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી આવી દિગનારી.
તાળી દઇ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,
જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઇ દ્વારે દ્વારે ફરી દ્વારે દ્વારે.
રાતડીના અંધકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,
કૂંચી લઇ અભિલાષની સોનલ હૈયે શમણાં ઢોળ્યાં શમણાં ઢોળ્યાં.
- નિનુ મઝુમદાર

‘સાંજ પહેલાંની સાંજ’- ગુજરાતી કવિતામાં વેણીભાઇ પુરોહિત લાવે છે. સાંજ દિવસ અને રાતનો ઉંબરો છે. સાંજ ક્યારેક વ્યાકુળ કરે છે અને ક્યારેક વહાલ! સાંજને જેણે નજીકથી, વિતાવી છે એ જાણે છે કે દિવસની ઘટમાળ હવે શાંત થવાની છે અને રાત્રિના દીપમાળ કોડિયામાં સૂરજના સ્થાનને શોભાવવાનો છે! નિનુ મઝુમદાર ગુજરાતી કવિતા અને સંગીતના યુગ્મ પર યુગ થઇને છવાયેલા, ઘેરાયેલા અને વરસેલા વ્યક્તિ છે. આ કાવ્યમાં સહેજ અંદર ઊતરીને જોઇશું તો આ કવિતા સાંજનો શણગાર કરતાં કરતાં રાત્રિના આવકારને ઊજવે છે.


સવારનો પંખીઓનો કલરવ હવે સાંજે માળા ભેગો થવાની લહાયમાં કલશોર બની ગયો છે. દૂર ક્ષિતિજ પરનો સૂરજ ડૂબતો નથી, ધરતીને ચુંબન કરીને આજના દિવસનો આભાર માને છે! આ ક્ષણને અલવિદા કહેવાની છે એ દૃશ્ય વિરહ અને મિલન વચ્ચેના પ્રેમાળ અજંપાનું છે. સેકંડો માટે છૂટા પડતાં પ્રેમીઓનો તલસાટ જેટલો ઉત્કટ હોય છે એટલી જ અગ્રીમ ઉત્કટતા પ્રકૃતિ પણ અનુભવે છે. આ પ્રેમની ખબર પહેલવહેલી વાયરાને જ પડે છે. વાયરો જ આપણા નિસાસાની અને આપણા જોમની આત્મકથા લખી શકવા તત્પર હોય છે. એ તો ફેલાઇને જાણ કરે જ છે કે સાંજ હવે હળવેકથી આવીને દીવડા પેટાવીને અજવાળું કરવાના મૂડમાં છે. કૂથલી અને નિંદામાં અકારણ સ્નેહ અને સકારણ ઇર્ષા બંને જવાબદાર હોય છે.


આ પ્રીત હવે કળી કળીને વનની સમગ્ર વનરાઇમાં પહોંચી છે. બોલ્યા વગર ઊઘડેલી પ્રકૃતિએ હવે રાત્રિના અંધકારમાં ઓગળી જવાનો નિર્ણય કર્યો છે. તારાઓ સંમત થઇને આભની બારી ખોલે છે, આતુર છે દિગનારી જેવું સાંજનું હૈયું, તીડો અને તમરાં ઠેકડી અને સિસોટી મારવામાં મશગૂલ છે. આ તમાશો જોવા આગિયા દ્વારે દ્વારે ફરે છે. પ્રકૃતિ સાંજના શમિયાણામાં ઢોળાઇને રાતનો આકાર ધારણ કરે છે. હવે નીંદર અંતર ખોલીને શમણાં પરોવી નથી રહી, ઢોળી રહી છે. ઢોળાયેલું ઊભરાઇ પણ જાય-એટલે બધું કામ ન પણ આવે! આપણા સપનાઓ આમ જ સાચાં ઠરે છે! ક્યારે રાત્રિનો મધ્યાન થઇ ગયો એની ખબર પણ ના પડી!


જીવનના હકારની આ કવિતા જેટલી સાંજની અને રાતની કવિતા છે એટલી જ પ્રત્યેક ઉંમરના, પ્રત્યેક વર્ષના મધ્યાનની પણ છે. સાઠ હોય કે સોળ. નિનુભાઇના અનુભવનો ચઢવાનો જ છે ઢોળ.
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી