Back કથા સરિતા
અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

કવિતા (પ્રકરણ - 60)
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.

‘સનાતન શ્રાવણ…’

  • પ્રકાશન તારીખ09 Sep 2018
  •  

માનવીનાં રે જીવન!
માનવીનાં રે જીવન!
ઘડી અષાઢ ને ઘડીક ફાગણ
એક સનાતન શ્રાવણ!
એક આંખે આંસુની ધારા
બીજીએ સ્મિતના ઊડે ફુવારા,
તેજછાયાને તાણેવાણે
ચીતરાયું ચિતરામણ!
એક અંધારથી આવવું,
બીજા અંધારામાં જઈ સમાવું;
બીચમાં બાંધીએ આંખે પાટા,
ઓશિયાળી અથડામણ!
આવ્યો આવ્યો જ્યાં થાય, ઘડીમાં
જાય કરેથી મર્મ સરી ત્યાં
ભલભલા માંહી ભૂલા પડે તોય
કારમાં કેવાં કામણ!
ઘડી અષાઢ ને ઘડીક ફાગણ
એક સનાતન શ્રાવણ,
માનવીનાં રે જીવન!
-મનસુખલાલ ઝવેરી

હસવું અને રડવું મનની અવસ્થા છે અને જીવનની વ્યવસ્થા છે. હસીએ છીએ કે રડીએ છીએ એનું મનમાં કારણ હોય છે. આ કારણમાં કાં તો સુખ છે અને કાં તો દુ:ખ છે. આંસુ ક્યાંક અષાઢનું આભ થઈને ઘેરાય છે, ક્યાંક ફાગણનો ગુલાલ થઈને રંગાય છે પણ આ બધાંની વચ્ચે શ્રાવણનાં સરવડિયાં તો સનાતન છે... ચિરંતન છે...જીવનમાં એકલું સુખ પણ આપણને અકળાવે છે. એકલું દુ:ખ પણ ગૂંગળાવે છે. માનવી અને જીવનની વચ્ચે ‘રે’ મૂકીને મનસુખલાલ ઝવેરીએ જીવનની ખરેખરી વ્યાખ્યાને ‘સનાતન શ્રાવણ’ની ખરાઈમાં ઉતારી છે.


ક્યાંક આંસુનું ચોમાસું છે, ક્યાંક સ્મિતનો ફુવારો છે, અંધારું અને અજવાળું દૃશ્ય-અદૃશ્યનું ચિતરામણ કર્યા જ કરે છે. અંધારું અંધારાને-અજવાળું પણ અંધારાને સમાવે છે. જ્યારે જીવતરનો અર્થ સમજાય છે ત્યાં જ મર્મ હાથમાંથી સરી જાય છે. રોજ નસીબની હાથમાં ઉપસેલી રેખાઓને જોઈને આશ્ચર્ય થાય છે.


જીવનમાં સેકંડનો સિક્કો રોજ ઊછળે છે, રોજ અષાઢ અને ફાગણને જામે છે અને રોજ આંખોમાં, પરસેવાના બિંદુમાં પાણીનો આકાર સનાતન શ્રાવણને માણે છે. દિવસ બદલાય છે, ક્ષણ અને વાતાવરણ બદલાય છે, સુખ અને દુ:ખ પણ ક્યારેક આપણી જોડેથી રજા માંગ્યા વગર બીજે જતું રહે છે. આપણી પાસે સનાતન શ્રાવણનો નાતો છે... આ નાતો આપણો ખરો ભાઈબંધ છે...


‘જીવનના હકારની કવિતા’ વાંચીને આવતા ફોન, ઈમેલ, પત્રો દ્વારા ખ્યાલ આવે છે કે આપણી મૂળ પ્રકૃતિ તો ભરેલા રહેવાની, ઊભરાઈ જવાની, ઉત્સવને આનંદવાની છે. સનાતન શ્રાવણનાં ઝરમરિયાનાં ઝાંઝર પહેરીને નરસિંહ અને મીરાંની જેમ નાચવાની છે. આપણે ઇચ્છાઓમાં રાચવાનું ભૂલીશું તો જ જીવનમાં જીવવાનું વધુ સનાતન અને સચરાચર થશે. મનસુખલાલ ઝવેરી આપણી કવિતાની પેઢીના પાયાના વિચારક- કવિ અને આસ્વાદક છે.


જીવનના હકારની આ કવિતા સનાતન મૂલ્યોને સ્વીકારીને બારેમાસના શ્રાવણમાં સુખના પાંદડાને ઉછેરતી, દુ:ખનાં પાંદડાંને ખેરવતી કવિતા છે. જે સહજ મળે- સામે આવે એનો સ્વીકાર એ જ કવિતાનો સ્વભાવ છે. આપણા દુ:ખને રડવું એનાં કરતાં બીજાના દુ:ખને ‘જડવું’ એમાં આપણા સુખની શોભા અને દુ:ખની વિજયગાથા છે.

ghazalsamrat@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP