જિંદગી શું ઝંખે છે?

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Sep 05, 2018, 12:05 AM IST

આપણી સૌથી ઘનિષ્ઠ મૈત્રી જેની સાથે છે એ જિંદગી છે. આપણે જેટલા આપણી જિંદગીથી નજીક છીએ એટલા બીજા કોઈ નથી. એને માણતા, મમળાવતા આવડવું જોઈએ. થોડીક અલગારી અને થોડીક ન્યારી છે જિંદગી. એમાં થોડીક આપણાથી જ આપણને ખબર ન પડે એવી હરકતો થવી જોઈએ. બધું જ આપણું ધાર્યું ન થાય ત્યારે એની તરફ મોં મચકોડવાની જગ્યાએ એને જેવી છે એવી સ્વીકારી લેવાની ખેલદિલી રાખવી જોઈએ. આ જિંદગીને બધાએ બહુ નજીકથી જોઈ છે.

જિંદગી જેટલી આપણી પાસે છે એનાથી વધારે પ્રકૃતિ પાસે છે

બાળપણમાં પાણીમાં છબછબિયાં કરતા, યુવાનીમાં ભાઈબંધો સાથે વરસતા વરસાદમાં ભીંજાતા, એક જ છોકરી પાછળ વિતાવેલાં વર્ષોમાં, સવારની પહેલી ચાના કપમાં, રાતભર ઉદાસીના ઓશિકા નીચે સૂકવેલાં સપનાંઓમાં, આપણે માંદા હતા ત્યારે આપણા માટે જાગેલા ઘરમાં, સરનામા વગર બેફિકર થઈને ફરતા હતા ત્યારે, ચિંતા મહેમાને અચાનક બહાર પાડેલા ફરમાન જેવી લાગતી હતી ત્યારે... જિંદગીને બધાએ બહુ નજીકથી જોઈ છે અને તોય કોઈ એમ નથી કહેતું કે જિંદગીને નજીક રાખી શક્યા છીએ. બાલમુકુંદ દવેની પંક્તિઓ છે,


‘સંગનો ઉમંગ માણી,
જિંદગીને જીવી જાણી.’


જિંદગીને જીવી જાણવી, એમાં જ સંગનો ઉમંગ છે. આપણે આપણાથી બેખબર છીએ. આપણને જ આપણે બાજુ પર મૂકી દીધા છે. થોડીક પોસાય એવી ભૂલો કરવી જોઈએ. થોડીક આવડતમાં આપણી સ્વાર્થ વગરની વૃત્તિને ઉમેરવી જોઈએ. આપણી જવાબદારી જ એકલી અગત્યની નથી. જિંદગી જેટલી આપણી પાસે છે એનાથી વધારે પ્રકૃતિ પાસે છે. વસવસો જીવવાનો નશો ઓછો કરી નાખે છે. બીજાને બાદ કરીને જીવવાનું લિસ્ટ રાખનારા આપણે આપણને ઉમેરીને જીવવાનું રાખવું જોઈએ. શરીર પર જે જગ્યાએ વાગ્યું હોય એ જગ્યા છોલાઈને ઊપસે છે. જીવનભર એ જગ્યા પછી યાદ રહી જાય છે. એ જગ્યા ટેટુ કરતાં પણ વધુ ખૂબસૂરત હોય છે.


શ્વાસ ઉછીના છે, ઉંમર-સંબંધો બધું જ ઉછીનું છે. આપણે પણ ઉછીના જ છીએ એમાં કશું ખાસ નથી. આપણે આ ઉછીનાને કેટલી ખૂબીથી આપણા કરી શકીએ છીએ એ અગત્યની વાત છે. આપણાપણું ઉમેરીને જીવવામાં નિરાશાપણું ક્યાંય ભૂંસાઈ જશે એની ખબર પણ નહીં પડે.


હંમેશાં પોતાનું વિચારનારા આપણે ક્યારેય આપણામાં જિવાતી જિંદગી વિશે વિચાર્યું છે? એ શું ઝંખે છે? એ કોઈકને સુગંધના સંબંધમાં બીડેલું ગુલાબ આપવા માગે છે. એ કોઈકને સામે ચાલીને કારણ વગર માફ કરવા માગે છે, એ કોઈકનાં ચશ્માંની ઓઘરાળાવાળી ફ્રેમ લૂછીને એની દૃષ્ટિમાં ચમક આપવા માગે છે, એને જેણે જેણે ધિક્કાર આપ્યો છે એ બધાને આત્મીય થવાનો અધિકાર આપવા માગે છે, એ ટાઇમટેબલના રૂટિનની બહાર વરસાદી સાંજે પોતાની જાત સાથે ગપાટા મારવા માગે છે, જૂના મિત્રોને મળીને ફરીથી ટાઇમપાસ કરવા માગે છે, અંગત મિત્રોના ગ્રૂપમાં તોફાની ફોરવર્ડ મોકલીને પોતાના આયખાને સ્ટેચ્યુ કહેવા માગે છે,

ડાયટિંગ કરનારી કે જિમ જનારી વ્યક્તિ સાતમાંથી એક દિવસ જેમ ‘ચીટ ડે’ ઊજવે છે એવો એક દિવસ પોતાના માટે જીવવા માગે છે, જે ઉસૂલ પાછળ આખી જિંદગી વસૂલી હોય એમાં દમ ન હોય એની ખબર પાછળથી ન પડે એટલું કહેવા માગે છે. જિંદગી આપણી પાસેથી ઝંખે છે, કારણ કે એ આપણને ‘વન સાઇડ લવ’ કરે છે. આપણે લવ ઓછો અને લવલવ વધારે કરીએ છીએ.


ઓન ધ બીટ્સ: ‘હતો માર્ગ ટૂંકો મુસાફર વધારે,
પરસ્પરનું તો પણ છે અંતર વધારે.’}હર્ષ બ્રહ્મભટ્ટ
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી