પ્રત્યેક જીવની જન્માષ્ટમી...

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Sep 02, 2018, 12:05 AM IST

ઓ શ્યામ
મને ખૂબ ખૂબ રડવાનું મન
ઓ શ્યામ, જરા અળગો તો થા,
તારી વાંસળી સાંભળવાનું મન
ઓ શ્યામ, જરા અળગો તો થા.
તારી સંગાથે રહીને અકળાઉં છું,
હોઠ આવેલું ગીત ચોરી જાઉં છું,
ચોરીછૂપીથી મળવાનું મન
ઓ શ્યામ, જરા અળગો તો થા.
જરા તડપું તો જીવનેય ગોઠે,
પછી હોઠ બે બિડાઇ શકે હોઠે,
તને દોડીને ભેટવાનું મન,
ઓ શ્યામ, જરા અળગો તો થા.

જે અત્ર, તત્ર અને સર્વત્ર છે તે કૃષ્ણ છે. એનું ‘હોવું’ હવા જેવું. અનુભવાય પણ સ્પર્શી ન શકાય! એ પ્રકૃતિનું નૃત્ય છે, રોમાંચ છે. એ વિચારોની વસંત છે. એ પાસે છે. અત્યારે આ ક્ષણે શ્વાસે-શ્વાસે છે. એ આપણામાં જ ગુમ છે અને આપણે એને બહાર શોધીએ છીએ. અને છેલ્લે શું શોધતા હતા-એ પણ ભૂલી જઇએ એટલા મશગૂલ છીએ એને શોધવામાં!


એટલે જ હરિન્દ્રભાઇ કૃષ્ણ વિશે લખે છે ત્યારે લાગે છે કે એમણે એમની જ કુંડળી ઉપર ગ્રહોને છેકીને કૃષ્ણ નામનો ગુંજારવ કર્યો છે. કૃષ્ણ એટલો નજદીક છે કે હવે આપણો પ્રેમ મંદિરના પૂજારી જેવો બની ગયો છે! આંસુ પણ નહીં, અને હાસ્ય પણ નહીં! બધું જ ક્રિયાકાંડ પર આધારિત. રોજે રોજ માત્ર આપણે એને નવડાવીએ છીએ, એની સેવા નથી કરતાં! હરિન્દ્રભાઇ કૃષ્ણની વાત કૃષ્ણથી દૂર જઇને કરવા માંગે છે.


વ્યક્તિ પાસે હોય ત્યારે અહોભાવ આરોહ-અવરોહ અનુભવે છે. એટલે જ કૃષ્ણ દૂર જાય તો એના વિરહના આંસુમાં આંખો તરબોળ બને ને! એ દૂર જાય તો વાંસળીનો સૂર સાંભળી શકાય ને! પાસે રહેવામાં ઘણીવાર અકળાઇ જવાય છે. આપણા હોઠનું ગીત એ ચોરી જાય એવું વાતાવરણ થઇ જાય છે! દૂર હોય તો ચોરી-છૂપીથી ફરી મળીને મિલનના દરબારમાં પ્રેમને નાચતો-ગાતો જોઇ શકાય ને! એના વિરહની તડપન જ આપણને વહાલી છે! તડપન જીવને પણ ગોઠે છે. હોઠ બિડાય તો મૌનનો રવ માધવ બની શકે ને! જોડે હોઇએ અને એકબીજાને ભેટીએ એ જુદી વાત છે. અને ગમતી વ્યક્તિ આજે મળવાની છે. અને એને દૂરથી જોઇએ અને તરત દોડીને ભેટી પડીએ એ પ્રાણમાં ઊગેલી પ્રેમની પરાકાષ્ઠા છે.


જેનો જીવ પ્રત્યેક પળે જન્માષ્ટમી ઊજવતો હોય એ જ આ અનુભવનો આત્મીય થઇ શકે! જ્યારે જ્યારે આપણામાં કોઇકના માટે કરુણા ઉદ્્ભવે છે, જ્યારે જ્યારે કોઇકને કારણ વગર કેમ છો? પૂછીને એનાં આંસુ લૂંછીએ છીએ. જે સમય આગળ આપણે જેવા છીએ એવા ઊપસીએ છીએ. એ પ્રત્યેક પળ જન્માષ્ટમી જ છે. હરિન્દ્ર દવેના શેરથી ‘જીવનના હકારની કવિતા’ને કૃષ્ણના ચમત્કારની સરિતામાં ઓતપ્રોત કરું છું.


‘પાસે રહું તો ભય કે વિખૂટા પડી જાશું,
આઘે રહીને માંડું છું અંગત થવાની વાત.’

[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી