Back કથા સરિતા
અનિલ જોશી

અનિલ જોશી

કવિતા (પ્રકરણ - 21)
‘અમે બરફનાં પંખી’થી જાણીતા કવિ અનિલ જોશી ‘દિવ્ય ભાસ્કર’ના નિયમિત કોલમ લેખક પણ છે.

વિચારનો વિકાસ ક્યાં?

  • પ્રકાશન તારીખ20 Feb 2019
  •  

ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્નું સવારે આવ્યું હોય તો સાચું પડે છે એમ જાણભેદુઓ કહે છે. મારે સરકારી શાળાઓ ડિજિટલ શાળા ક્યારે થશે એના વિશે એક દિવાસ્વપ્ન જોવું છે. કેજી ટુ કોલેજ સુધીની તમે મુસાફરી કરો તો તરત સવાલ જાગે છે. આજે સમગ્ર દેશમાં શિક્ષણ ભૂખ ઊઘડી ગઈ છે, પણ સરકારી શાળાઓ તદ્દન નિસ્તેજ અને બેબીસીટિંગ કેન્દ્ર જેવી બની ગઈ છે. ગ્રામીણ વિસ્તારમાં છેલ્લાં પાંચ વર્ષમાં ખાનગી શાળાઓની સંખ્યા અઢાર ટકાથી વધીને 31 ટકા થઈ ગઈ છે. પ્રાથમિક શિક્ષણના સંદર્ભમાં કોઈ પણ પ્રકારની માતાનું એકમાત્ર રૂટિન વહેલી સવારે ભરઊંઘમાંથી બાળકને ઉઠાડવું, નવડાવવું, યુનિફોર્મ પહેરાવવો, લંચબોક્સ ભરી દેવું અને તરત નિશાળે પહોંચાડી દેવું, પણ પોતાનું બાળક નિશાળમાં શું શીખે છે એ વિશે કોઈ વિચારતું નથી. ગ્રામીણ વિસ્તારની નિશાળોનું એક સર્વેક્ષણ થયું હતું એની આંકડાવારી મુજબ 24.4 ટકા નિશાળોમાં પીવાના પાણીની સુવિધા નથી. 34.4 ટકા જેટલી નિશાળોમાં શૌચાલય નથી. 21.9 ટકા નિશાળોમાં પુસ્તકાલય નથી. આ સર્વેક્ષણ 2014નું છે. 25 ટકા જ વિદ્યાર્થીઓને વાંચતા આવડે છે. શિક્ષણનો અધિકાર 2009માં મળ્યો છે. સરકારી નિશાળોમાં ગુણવત્તાસભર શિક્ષણ મળશે એ આશા સાવ ઠગારી નીવડી છે.
તંત્રજ્ઞાન એટલે યંત્ર દ્વારા બનેલી સિસ્ટમ અથવા ડિઝાઇન, નિર્માણ, ઉપયોજન (Application ). આ તંત્રજ્ઞાનનો શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ કરવો એ વિશે બહુ વિચારાયું નથી. નિશાળોમાં શૈક્ષણિક કૃતિ બે પ્રકારની હોય છે. એક તો Non Interactive કૃતિ અને બીજી Interactive કૃતિ. નોન ઇન્ટરેક્ટિવ કૃતિમાં વિદ્યાર્થી સ્વતંત્ર રીતે કરી શકે - એ પુસ્તક વાંચી શકે, નિબંધ લખી શકે, ગણિતનો દાખલો ગણી શકે. અહીં વિદ્યાર્થીને શિક્ષકની જરૂર પડતી નથી. આ એકલવ્ય પદ્ધતિ છે. હવે interactive કૃતિમાં શિક્ષકની જરૂર પડે છે. અત્યારે નિશાળોમાં interactive પદ્ધતિ જ ચાલે છે એટલે આ પદ્ધતિમાં તંત્રજ્ઞાન લાવીને એની ઉપલબ્ધતા લાવવી શક્ય નથી, કારણ કે એમાં શિક્ષકની હાજરી છે. વિદ્યાર્થી અહીં એકલવ્ય નથી, પણ દ્રોણાચાર્યનો શિષ્ય છે. આપણા દેશમાં હજી વર્ગવ્યવસ્થા જ બાવા આદમના વખતની છે. એ જ કાળું પાટિયું, એ જ બેન્ચ, એ જ ચોક, એ જ શિક્ષક અને એ જ પાઠ્યપુસ્તક. એક સમાચાર મુજબ ગૂગલ રાજ્યની સરકારી નિશાળોમાં ડિજિટલ સાક્ષરતા અભિયાન ચલાવશે. અમેરિકાના સિલિકોન વેલી ખાતે હરિયાણાના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સહમતી ઉપર હસ્તાક્ષર થયા છે. આ તો શરૂઆત છે. નિશાળોમાં વાઇફાઇ આપી દેવાથી કાંઈ વળતું નથી. તમે વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપશો અને કમ્પ્યૂટર આપશો પણ એનો ઉપયોગ અને જાળવણી કોણ કરશે? આખી સરકારી સિસ્ટમ જ બદલવી પડે.
રાષ્ટ્રનિર્માણના નામે શાળાની હલકી કક્ષાની ઇમારતો બંધાઈ ગઈ. શિક્ષણને નામે બેરોજગારોને નોકરી તો મળતી રહી. દેશના શૈક્ષણિક વિકાસના નામે કાગળ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યાનો ફુગાવો વધાર્યો, પણ આ બધાનું પરિણામ શું આવ્યું? બાળકોને વાંચતા આવડતું નથી, લખતા આવડતું નથી, ગુણાકાર કે ભાગાકાર કરતા આવડતું નથી. આ વિસંગતી દેશભરમાં દેખાય છે. સરકાર શિક્ષણ માટે બજેટમાં બહુ મોટી જોગવાઈ કરે છે. નવી શાળાઓ ઊઘડે છે. ઇમારતો ઊભી થાય છે, પણ એમાં શિક્ષણ જ નથી. આપણા દેશની પ્રાથમિક શાળાનો આ યથાર્થ છે. ડિજિટલ નિશાળો થાય એ સુંદર સ્વપ્ન છે, પણ એક વાત ભૂલવા જેવી નથી, જે વિકાસનો વિચાર કરીએ એના કરતાં વિચારનો વિકાસ થાય એ બહુ જરૂરી છે.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP