ભાવવિશ્વ / કવિનો શબ્દ

article by anil joshi

અનિલ જોશી

Mar 28, 2019, 06:00 PM IST

આપણા કવિતા સાહિત્યમાં ચીની કવિઓ વિશે બહુ ઓછી અથવા તો બિલકુલ વાત જ થઈ નથી. ચીની ભાષાના આ સર્જકનું નામ નોબેલ પારિતોષિક માટે અનેકવાર રજૂ કરાયું છે, પણ આ કવિને નોબેલ ઇનામ મળ્યું નથી. ચીની ભાષાના આ કવિ જ્યારે યુવાન હતા ત્યારે રેડ ગાર્ડના રૂપમાં કોઈપણ ચીની યુવકની જેમ ક્રાંતિકારી બનવાનું સ્વપ્ન જોતા હતા, પરંતુ કાળી મજૂરી કરતી વખતે કવિને ખબર પડી કે આ સરકારી પ્રચાર સાવ ખોટો છે, વાસ્તવિકતા બહુ જ કડવી છે. પછી બેઈ દાઓનો મોહભંગ થઈ જાય છે. આ કવિ વર્ષો પછી બિજિંગ પાછો ફરે છે. કવિતા લખવી શરૂ કરે છે. ચીની ભાષામાં કાયમ ઉપનામથી જ કવિતા લખાય છે, કારણ કે સરકારથી સંતાઈને કવિતાઓ લખવી પડતી હતી. આ કવિનું સાચું નામ ઝાઓ હતું, પરંતુ કવિતા લખવા માટે કવિએ પોતાનું ઉપનામ ‘બેઈ દાઓ’ રાખી લીધું. ચીની ભાષામાં બેઈ દાઓનો અર્થ ‘ઉત્તરનો દ્વીપ’ એવો થાય છે, જે દ્વીપને અવસાદ, એકલતા અને નિર્જનતાથી ઓળખવામાં આવે છે.
ચીની સરકાર બેઈ દાઓની કવિતાઓની પાછળ આદું ખાઈને પડી ગઈ. કવિને નજરકેદ કરવામાં આવ્યા. એની કવિતાઓનું સ્કેનિંગ કરવામાં આવ્યું, પરંતુ બેઈ દાઓની કવિતાઓને ચીની જનતા સંતાઈને વાંચવા લાગી. આમ જનતા ઉપર કવિતા છવાઈ ગઈ. પ્રસિદ્ધ સંપાદક અને અનુવાદક એલિયેટ વાઇન બર્ગરે પોતાના એક નિબંધમાં લખ્યું છે કે,‘1989’માં જે નરસંહાર અને કત્લેઆમ કરવામાં આવી ત્યારે સાવ સામાન્ય એક અભણ આમ આદમીને સવાલ પૂછવામાં આવ્યો કે ‘તું સાવ અભણ છે છતાં તારી રાજકારણની સમજ આટલી બધી ધારદાર કેમ છે?’ ચીનના આમ આદમીએ તરત જવાબ આપ્યો ‘બેઈ દાઓ’ની કવિતાઓ વાંચી વાંચીને હું બહુ સમજણો થઈ ગયો છું.’ કવિના શબ્દનો આ ચમત્કાર છે. એંશીના દાયકામાં ચીની વિદ્યાર્થીઓમાં જે અસંતોષ ફાટી નીકળ્યો ત્યારે એનું પ્રેરકબળ બેઈ દાઓની કવિતા જ હતી. 1989માં બિજિંગમાં જ્યારે ભયંકર રક્તપાત થઈ રહ્યો હતો ત્યારે બેઈ દાઓ બર્લિનમાં બેસીને કવિતાઓ સંભળાવતા હતા. કવિ માટે ચીનમાં પ્રવેશબંધી લાદવામાં આવી. તેઓ યુરોપમાં અને અનેક દેશોમાં નિર્વાસિત તરીકે રહ્યા. એ દિવસોમાં કવિની દોસ્તી ફક્ત હવા અને સડક સાથે જ હતી.

બેઈ દાઓ એક કવિતામાં લખે છે તે વાંચો, ‘હું સ્વપ્ન જોઈ રહ્યો છું. ગ્લાસ સાવ ખાલી છે છતાં શરાબ પી રહ્યો છું. પાર્કમાં કોઈ અખબાર વાંચે છે. મુર્દાઓની નાઇટ સ્કૂલોમાં સળગતી બત્તીઓ ઠંડી ચામાં પલટાઈ ગઈ છે. સ્મૃતિઓની ઢલાન ગબડતી ગબડતી રાતના આકાશ સુધી પહોંચે છે ત્યારે આંસુ કીચડ બની જાય છે. હવે લોકો ખોટું બોલવા લાગ્યા છે. અર્થનું જ્યારે કઠિન બિંદુ આવે છે ત્યારે તેઓ લપસીને જલ્લાદનો પક્ષ લેતા થઈ જાય છે.’ આ શબ્દો કવિ બેઈ દાઓના છે. એક બીજા કાવ્યમાં કવિ લખે છે તે જુઓ, ‘ખુરશી ઓવરકોટથી ઢંકાયેલી છે. ખુરશી પૂર્વ દિશા તરફ બેઠી છે. એનું માથું સૂરજ છે. આ ઇતિહાસનો અંત છે. દેવતાઓએ રાજીનામું આપી દીધું છે. મંદિરોને તાળાં લાગી ગયાં છે. તમે માત્ર તસ્વીરોથી બનેલો એકમાત્ર સંકેત જ છો, જેણે પોતાનો અવાજ ગુમાવી દીધો છે.’ એક કવિતામાં કવિ લખે છે, ‘જે જરૂરી નથી એવાં આંસુનો સ્વાદ ચાખો. ગરમીઓના અક્ષર વાંચો. જે આવશ્યક નથી એવા સમુદ્રનો સ્વાદ ચાખો, જેની સાથે એના જ નમકે છળકપટ કર્યું છે. જન્મ લેતી વખતે હાથ વધારે સક્રિય હોય છે. પોતાના મૂળની તલાશમાં એક જ શબ્દ નૃત્યને બદલી નાખે છે. એક આદમી આરામથી ચા પી રહ્યો છે એ જ સાચો સોનેરી
યુગ છે.’

ચીની ભાષા એની ધરતીની જેમ બેશુમાર અક્ષરોથી સમૃદ્ધ છે. આ અક્ષરો સાથે મળીને એક શબ્દ બનાવે છે. એ શબ્દ ચિત્રની જેમ દેખાય છે. એ શબ્દના અનેક અર્થ થાય છે. કવિ પાસે તો ફક્ત એક શબ્દ જ હોય છે. અર્થ હંમેશાં બીજાઓ પાસે જ હોય છે. બેઈ દાઓની કવિતા બહુલતા પર એકલતાના આવરણની કવિતા છે. રોલાબાર્થની ફોટોગ્રાફી વિશે કહેવાય છે કે એની તસ્વીરમાં તસ્વીર હંમેશાં અદૃશ્ય રહે છે. કવિતા માટે પણ એમ કહી શકાય કે કવિતા કાયમ નિ:શબ્દ હોય છે. કવિતા એ શબ્દની ચાર દીવાલોની વચ્ચે બનેલો એક શબ્દહીન નિવાસ છે. કવિતાની અંદર અંતિમ પછીનો અંત હોય છે. આ ગેરહાજર અંત એ જ કવિતાનું ઓર્ગેઝમ છે. આ ઓર્ગેઝમ એ જ ભાવકો સાથે યાત્રા કરે છે.

[email protected]

X
article by anil joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી