Back કથા સરિતા
અનિલ જોશી

અનિલ જોશી

કવિતા (પ્રકરણ - 21)
‘અમે બરફનાં પંખી’થી જાણીતા કવિ અનિલ જોશી ‘દિવ્ય ભાસ્કર’ના નિયમિત કોલમ લેખક પણ છે.

સરનામું ક્યાં?

  • પ્રકાશન તારીખ13 Mar 2019
  •  

ઇમરાન ખાને પાકિસ્તાનના પોતાના જ પક્ષના એક વરિષ્ઠ પ્રધાન ફૈઝલની હિન્દુ વિરોધી બયાન આપવા બદલ હકાલપટ્ટી કરી છે. પ્રધાનપદ આંચકી લીધું છે. ઇમરાન ખાનનું આ એક્શન મને ગમ્યું છે, પણ મારે આજે ભાવક મિત્રો સાથે ‘સરનામું’ નામે એક મારી લખેલી ટૂંકી વાર્તા શેર કરવી છે. યુદ્ધમાં કોનાં સરનામાં સલામત છે? અહીં ધરતીકંપની વાત છે. મારી શોધ ઇન્સાનિયતના સરનામાની છે. કવિ ઓડેન બહુ સાચું કહી ગયા છે, We must love one another or die. પ્રેમ કરો અથવા મરી જાવ.’ ચાલો સરનામું શોધીએ
(સાઇલન્સ... લાઇટ્સ... કેમેરા શરૂ )

ઘરમાં રાંધ્યા રજક રહ્યા. ધરતીકંપના એક આંચકે બાવકાને આંચકી ઊપડી તે એવી ઊપડી કે તીસ નંબર બીડીનું ઠૂંઠૂં હોઠમાં લબડી રહ્યું. બાવકાનું થૂંક લાળ ક્યારે થઈ ગયું એની કોઈને ખબર પડી નહીં. પહેલાં તો એ ફીણસોતું થૂકતો. હવે તો બાવકો બોલતો જાય અને લાળ પાડતો જાય. ડુંગરો ફાટી પડે એવો ધરતીકંપ, પણ કોઈનું રૂંવાડું ફરકે નહીં એની બાવકાને બૌ નવાઈ. ધરતીકંપ એવો હતો ડેલી ખાંગી થઈ ગઈ, ધૂળ અને ચૂનાનું ધુમ્મસ આખા ગામમાં છવાઈ ગયું. આંખ ઊંધી થઈ ગઈ. દૃશ્યો ત્રાંસાં થઈ ગયાં. ઝાડવાં મૂળસોતાં ઊખડી ગયાં. વોકળાનાં વહેણ ફરી ગયાં. ગોળના ડબરામાંથી જેમ મંકોડા ઉભરાય એમ ગીધો ઉભરાયા. ઈંટ, બેલા જે પાણાનો ભંગાર શેરીયુંમાં ખડકાયો. બારસાખો બેવડ વળી ગઈ. ગામની નિશાળ ઈંટનો ઢગલો થઈ ગઈ. બાળકો ગયાં. પાઠ્યપુસ્તકો અને ચાક બચી ગયાં. અગાસી જમીન થઈ ગઈ. જમીનદાર જમીનદોસ્ત થઈ ગયો. અંધારું અજવાળું થઈ ગયું. ધોળે દિવસે તમરું બોલવા લાગ્યું. બારીઓ ખોવાઈ ગઈ. સિંદૂરથી ‘લાભ શુભ’ લખેલાં બારણાં લાકડું થઈ ગયાં.

બાવકાની આંખે અંધારાં આવ્યાં. બાવકો આંખો ચોળતો લેઘાની લબડતી નાડીએ ઊભો થયો. આંગળિયો ફેરવીને બહાર પગ મેલ્યો કે તરત બેસી પડ્યો. ચૂચરી આંખે હથેળીનું છાપરું કરી ગામનો ભંગાર જોતો હતો. તડકો ધૂળના પડદામાં હતો અને પવન પણ ધૂળની શાલ ઓઢીને હરાયા ઢોરની જેમ રખડતો હતો. બાવકાના ચટાપટાવાળા લેઘામાં કડક ચાના ડાઘા હતા. એની બનિયન વધેલી ફાંદ પર લબડતી હતી. બાવકો એના ઘાટા નેણમાંથી વાળ ખેંચતો સાવ બેસી પડ્યો (કટ કટ)
(ફ્લેશબેક... લાઇટ... કેમેરા સ્ટાર્ટ)

હજી આઠ દિવસ પહેલાં જ બાવકાની વહુને પહેલું વેતર હતું. એ ઉંબરા પાસે બેસીને તુવેર ફોલે છે. બાવકો નિશાળમાં હમાલી કરવા જાય ને મંગુ ખોબા જેવડા ઘરમાં એકલી બેઠી બેઠી કંઈક કરતી હોય. મંગુને પહેલું વેતર એટલે બાવકો હમાલી કરીને વહેલો આવી જાય. બાવકો આવે ત્યારે મંગુને જે દોહદ થાય તે લેતો આવે. આજે મંગુને તુવેરની કચોરી ખાવાનું દોહદ થયું હતું એટલે તુવેર ફોલતી ઉંબરે મોટા પેતર બેઠી હતી. એવામાં ડેલી ખખડી. મંગુ જમીનનો ટેકો લઈને ભારે પગે ઊભી થઈ ને ડેલી ઉઘાડી.

‘આટલા વહેલા કેમ? મંગુએ તુવેરનો દાણો મોઢામાં મૂકતાં પૂછ્યું. બાવકો હરણછાપ સાબુની છાપવાળી થેલી મૂકીને મૂંગો મૂગો થાંભલી પાહે બેહી ગયો. બાવકાનો થોબડો ચડેલો જોઈને મંગુ પાણિયારે ગઈ. પાણીનો કળશો બાવકાને આપતા બોલી: ‘કેમ કાંઈ બોલતા નથ?’
‘સું બોલે કપાળ? કાલ્ય સવારે ઘર ખાલી કરવું પડસે. ની કરીએ તો ગાડી આવીને સામાન ફેંકી દેસે.’

‘ક્યાં જઈસું?’ મંગુના પેટમાં ફાળ પડી. બાવકા પાસે કોઈ જવાબ નહોતો એટલે બોલ્યો, ‘જહન્ન્મમાં. નિશાળના છોકરાના દેખતા જમીનદારનો છોકરો મને ઢગલોએક ગાળ્યું દઈ ગયો. મેં કીધું કે મારી વહુને સુવાવડ આવી જાય પછે હું બીજી ઓયડી ગોતી લૈસ, પણ ઈ છોકરો મને જેમ તેમ રાપલવા લાગ્યો. નો બોલવાનું બોલ્યો.’ આટલું બોલીને બાવકાએ હરણછાપ સાબુની થેલીમાંથી અજમેરી બોર કાઢીને મંગુને આપ્યાં. મંગુએ બોર હાથમાં લેતાં ધીમેકથી કહ્યું: ‘માવતરે જતી રઉ?’

joshi.r.anil@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP