ભાવવિશ્વ / પોથીનાં રીંગણાં

article by anil joshi

અનિલ જોશી

Mar 06, 2019, 03:35 PM IST

વિલિયમ શેક્સપિયર એના વિખ્યાત નાટકમાં લખે છે : ‘Beware the ides of March’ માર્ચ મહિનો અનેક ચેતવણીઓ સાથે લઈને આવે છે. ટી. એસ. એલિયટસાહેબ ‘વેસ્ટ લેન્ડ’ જેવા ઉત્તમ કાવ્યમાં એપ્રિલ મહિના વિશે લખે છે : April is the cruelest month. માર્ચ મહિનામાં કર્મચારીઓ એકીસાથે વિજેતા અને પરાજિત હોય છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. ફ્રાન્સમાં એક કહેવત છે કે ઈશ્વર પોતાને માટે થાક ખાવાની જગ્યા નક્કી કરે છે કે તરત શેતાન હાજર થઈને એ જગ્યા ઉપર મંદિર, મસ્જિદ કે ચર્ચ જેવાં પૂજાસ્થળ બનાવીને લોકોની પરીક્ષા લેતા થઈ જાય છે અને પોતાની ખાસ મંડળીઓ બનાવે છે. ઈ. એમ. ફોસ્ટર જેવા વિખ્યાત લેખક એમ લખે છે : આપણામાંથી મોટાભાગના લોકો ‘સ્યુડો સ્કોલર’ હોય છે. એ લોકો જ પરીક્ષા લેતા હોય છે. ઈ. એમ. ફોસ્ટરના આ શબ્દો વાંચવા જેવા છે. The pseudo-scholar often does well in examination (real scholars are not much good) and even when he fails he appreciates their inner majesty. વિલિયમ હેઝલીટ તો ‘સ્કોલર’ની વ્યાખ્યા કરતા લખે છે કે સ્કોલર એ એક એવો ગ્રંથ છે જે મરેલી ભાષામાં લખાયો છે. આપણા ઋગ્વેદ, અથર્વવેદ અને સામવેદમાં પંડિતો (સ્કોલર) વિશે ખૂબ લખાયું છે. ઉર્દૂ ગઝલોમાં પણ પંડિતોની ઠેકડી ઉડાડવામાં આવી છે. ગુરુ ગ્રંથસાહેબ તો ત્યાં સુધી કહે છે, ‘As it is pre-ordained, people speak their words. As it is pre-ordained, they consume their food. As it is pre-ordained, they walk along the way. As it is pre-ordained, they see and hear. As it is pre-ordained, they draw their breath. Why should I go and ask the scholars about this?’
અહીં મારો ઉદ્દેશ સ્કોલરોની ઠેકડી ઉડાડવાનો બિલકુલ નથી. કેટલાક અદ્્ભુત સ્કોલરો અતિસન્માનનીય છે. હમણાં જ ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક સ્કોલરે ઈસવીસન પૂર્વે સાતમી સદીમાં જીવી ગયેલી પ્રાચીન ગ્રીસની મહાન કવયિત્રી સાફોની કેટલીક નવી પ્રસિદ્ધ કવિતા શોધી કાઢી છે. સાફોની બહુ જ થોડી કવિતાઓ મળી આવી છે. ધીરુભાઈ ઠાકરે ‘મણિલાલ નભુભાઈનું જીવનવૃત્તાંત’ શોધી કાઢ્યું. ઉમાશંકર જોશીએ ‘અખો : એક અધ્યયન’ જેવું આજે પણ વાંચવું ગમે એવો અભ્યાસગ્રંથ લખ્યો, પણ પી. એચ. ડી.ની ડિગ્રી લીધી નહીં. આનંદશંકર ધ્રુવને આજે પણ હું વાંચું છું ત્યારે હું મુગ્ધ થઈ જાઉં છું. હરિવલ્લભ ભાયાણી અને પ્રબોધ પંડિત જેવા ભાષાશાસ્ત્રીઓ અનન્ય હતા. સિતાંશુ યશશ્ચંદ્ર જેવા અધ્યાપક પાસે ફરીથી ભણવાનું મન થાય એવી એમની પ્રતિભા છે. લાભશંકર ઠાકર સાથે કલાકો વાતચીત કરીએ ત્યારે એમની સ્કોલરશિપનો અનુભવ થાય. લાભશંકર પોતે સ્કોલર છે એવો દેખાડો ક્યારેય કરે જ નહીં. જયંત કોઠારી જેવા સ્કોલરને આપણે ભૂલી શકીએ નહીં. અહીં હું જે વાત કરી રહ્યો છું તે ‘સ્યુડો સ્કોલરો’ની છે. તમે વિચાર કરો કે એકવાર અધ્યાપક થવા માટે પી. એચ. ડી.ની ડિગ્રી હોવી જ જોઈએ એવું ધોરણ ઊભું કર્યું એનું પરિણામ એ આવ્યું કે શોધ-મહાનિબંધોનાં ઘોડાપૂર આવ્યાં. ઇશ્યૂ એ છે આ બધા શોધનિબંધોમાં સ્કોલરશિપ કેટલી છે? એનું મૂલ્યાંકન થવું જોઈએ. મુંબઈની બધી જ કોલેજોમાંથી ગુજરાતીના વિભાગો બંધ થઈ ગયા છે. ગુજરાતની કોલેજોમાં પણ ગુજરાતીના વર્ગોમાં સંખ્યા ઓછી થતી જાય છે. આમ થવાનું કારણ એટલું જ છે પહેલાંના અધ્યાપકોનું ટાર્ગેટ ઓડિયન્સ માત્ર વર્ગના વિદ્યાર્થીઓ જ હતા. આજે અધ્યાપકોનું ટાર્ગેટ ઓડિયન્સ બદલાઈ ગયું છે. વિદ્યાર્થી હાંસિયામાં બેઠો છે. સરકારી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ભાષાશિક્ષણ ખાડે ગયું છે. અમદાવાદની સી.એન. વિદ્યાવિહાર જેવી નિશાળ તો ‘સ્નેહરશ્મિ’ની નિશાળ તરીકે ઓળખાતી હતી. નિરંજન ભગત, એસ.આર. ભટ્ટ, પ્રોફેસર દાવર, ધીરુભાઈ ઠાકર, યશવંત શુક્લ જેવા ગ્રેટ અધ્યાપકોનાં નામથી કોલેજની ઓળખ હતી. આજે તમે મને કહો કે કયા શિક્ષક અને અધ્યાપકોના નામથી કોલેજ કે શાળા ઓળખાય છે?
ફ્રેડરિક નિત્શે જેવા દાર્શનિક પણ સ્કોલર વિશે લખે છે : ‘They’re so cold, these scholars!’ ડબ્લ્યુ બી યેટ્સ જેવા કવિએ સ્કોલર ઉપર એક કવિતા લખી છે તે વાંચવા જેવી છે. એલેક્ઝાન્ડર ડ્યુમાં જેવો સર્જક તો સ્કોલરને સીધેસીધું જ કહી દે છે : ‘You scholars, you’re in communication with the devil.’ લર્નર અને સ્કોલર વચ્ચે ઘણો તફાવત છે. લર્નર કાયમ ભૂલો જ શોધતો હોય છે અને સાચો સ્કોલર પોઝિટિવ દાર્શનિક હોય છે. તે અખિલાઈમાં જોતો હોય છે. આપણી પાસે લર્નરનાં ટોળાં છે, પણ સાચા સ્કોલરો દુર્લભ છે.

[email protected]

X
article by anil joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી