Back કથા સરિતા
અનિલ જોશી

અનિલ જોશી

કવિતા (પ્રકરણ - 21)
‘અમે બરફનાં પંખી’થી જાણીતા કવિ અનિલ જોશી ‘દિવ્ય ભાસ્કર’ના નિયમિત કોલમ લેખક પણ છે.

ઉન્માદ ક્ષણિક છે

  • પ્રકાશન તારીખ05 Mar 2019
  •  

એવું કહેવાય છે કે એક ગવર્નર સાહેબે તો કહી દીધું કે કાશ્મીરનો બહિષ્કાર કરો. આજે જીભને કોઈ તાળાં નથી અરે ભાઈ! કાશ્મીર ભારતનું જ અંગ છે એનો બહિષ્કાર કરવાની તમે સલાહ આપો છો? ઉન્માદ એટલો બધો છે કે સહુ કોઈ મસૂદ અઝહરનું માથું વાઢીને લાવવાની વાતો કરે છે. તમને યાદ હશે કે થોડા સમય પહેલાં સંજય ભણશાળીનું માથું વાઢીને જે લાવે એને માટે કરોડોનાં ઇનામો જાહેર થયાં હતાં. નરેન્દ્ર મોદી માટે જે કોઈ વાંકું બોલીને આંગળી ચીંધશે એની આંગળી કાપવાની ધમકીઓ નેતાઓ જ આપવા લાગ્યા હતા. હું પણ ગુજરાતનો દીકરો છું સાથે સાથે કુપોષણથી પીડાતાં અને અમદાવાદની હોસ્પિટલમાં બાળકો મૃત્યુ પામે એ પણ ગુજરાતનાં જ દીકરી-દીકરીઓ છે. અત્યારે જે દેખાઈ રહ્યું છે તે દેશભક્તિનો ઉન્માદ છે. ઊભરો છે, શમી જશે. ગુજરાતના જ પ્રખર પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીને હું વાંચતો હતો. એમાં પંડિતજીએ રાષ્ટ્રભક્તિ વિશે લખ્યું છે તે આજની તારીખે પણ પ્રસ્તુત છે: વાંચો, ‘આજકાલ રાષ્ટ્રભક્તિ શબ્દ બહુ જ પ્રચલિત બન્યો છે.

રાષ્ટ્રપુરુષો સહુને રાષ્ટ્રભક્તિ રાખવા અને પોષવા બહુ બહુ કહેતા હોય છે. એના પોષણ માટે અનેક જાતની યોજનાઓ પણ કરવામાં આવે છે. એનાં અનેક પ્રતીકો છે એ પ્રતીકોમાં એક ધ્વજવંદન પણ છે. રાષ્ટ્રભક્તિ માટે ટોળાં તો એકઠાં થાય છે, પણ આ ભક્તિ પાછળ શ્રદ્ધા કે નિષ્ઠાનું બળ નથી હોતું તેથી તે ભક્તિ અસ્થિર અને પોચી હોય છે.’ એક નાગરિક તરીકે મારા બે સિમ્પલ સવાલ છે. લશ્કરી જવાનોને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવા હોય તો હવાઈમાર્ગે કેમ ખસેડતા નથી? બસોમાં ભરીને કેમ ખસેડાય છે? હવાઈજહાજો નેતાઓ માટે જ છે? બીજો પ્રશ્ન જનતાએ એ પૂછવો જોઈએ સંસદમાં કેટલા સાંસદો ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે? એ પછી કોઈપણ પક્ષનો હોય તેને ટિકિટ આપવી બંધ કરો. ચૂંટણી પંચે આ દિશામાં સક્રિય રીતે પગલાં લેવાં જોઈએ. વિધાનસભાઓમાં પણ ક્રિમિનલો હોઈ શકે છે. જો આમ થશે તો આપણી લોકશાહી અને સંસદ સ્વચ્છ થશે. ગુસ્સો તો આવે જ છે. સાંસદો અને વિધાનસભ્યો ચિક્કાર પેન્શન લઈ શકે, પણ સરહદ ઉપર લડતા જવાનોને પેન્શન નહીં? ગંદી રાજનીતિ બંધ કરો. યુદ્ધ કોઈને જોઈતું નથી. પહેલા દેશી રજવાડાં અંદરોઅંદર યુદ્ધો કરતાં હતાં. એનો લાભ લઈને અંગ્રેજો દેશમાં ઘૂસી ગયા અને આજની તારીખે રાજકીય પક્ષો દુશ્મનની જેમ અંદરોઅંદર લડે છે. બાહુબલીઓ બેખોફ છુટ્ટા ફરે છે. નેતાઓની ભાષા સૌથી નીચલી કક્ષાએ ગઈ છે. કુંભાર કરતાં ગધેડાંઓ વધુ ડાહ્યાં થઈ ગયાં છે. જુઓ ભાઈ, આતંકવાદને ખતમ કરવા માટે નક્કર વિચારણા કરો. સંવાદ કરો. નમ્રતાથી પેશ આવો. લશ્કરી જવાનોને પૂરતી સુરક્ષા આપો. આ સમય ઉન્માદનો નથી. એકવાર ચાણક્યને પૂછવામાં આવ્યું કે સત્તા માટે તમે પણ યોગ્ય છો છતાં તમે ચંદ્રગુપ્તને શા માટે રાજા બનાવ્યો? આ સાંભળીને ચાણક્યે જવાબ આપ્યો : ‘રાજા સામાજિક જીવન જીવતો હોવો જોઈએ. એ વ્યક્તિ પત્ની, પુત્ર-પુત્રીઓથી સંપન્ન સમૃદ્ધશાળી વ્યક્તિ હોવો જોઈએ, જેનાથી એ દરેક રિશ્તાનાં દુઃખો સમજી શકે અને એને અનુરૂપ વ્યવહાર કરે. હું તો માત્ર સંન્યાસી છું, એ કારણથી જ રાજાના પદ માટે હું લાયક નથી. અપ્રસ્તુત છું.’

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP