ભાવવિશ્વ / લાઠાની કટાર

article by anil joshi

અનિલ જોશી

Feb 14, 2019, 01:19 PM IST

મહિના પહેલાં મકરસંક્રાંતિ ગઈ એ કવિ લાભશંકર ઠાકરનો જન્મદિવસ હતો. લાભશંકર ઠાકરે અખબારોમાં કટાર ખૂબ લખી છે. એક કવિ તરીકે લાઠાને સહુ ઓળખે છે, પરંતુ અખબારી કટારલેખક તરીકે બહુ ઓછા ઓળખે છે. યોગાનુયોગ 26 જાન્યુઆરીએ એક વિલક્ષણ તંત્રી હસમુખ ગાંધીની પુણ્યતિથિ ગઈ. લાઠાની એક ધારદાર કટાર ગુજરાતી સાહિત્યકારોને બેનકાબ કરી નાખતી હતી. એ કટારનો એક અંશ વાંચો
‘અમદાવાદમાં મુખ્ય પ્રધાન અને પ્રધાનોની ભાટાઈ કરનારા એકાધિક કવિઓ અને સાહિત્યકારો છે જ, બોલો નેટવર્ક પાકું હોય અને ચીફ મિનિસ્ટર બની બેઠા હોય ત્યારે મુખ્ય પ્રધાનને ડોકથી ઢીંચણ સુધી પહોંચતો પુષ્પહાર કોઈ અધ્યાપક પહેરાવે તો તે વાઈસ ચાન્સેલર બની જાય. અમદાવાદ-ગુજરાતમાં તો વારેતહેવારે ગાંધીનગરની પ્રદક્ષિણા કરનારા કવિઓ નામ પાડીને ગણાવી શકાય.’

  • મને બૂટપાલીસ કરતા આવડ્યું નથી એટલે હું બૂટપાલીસ કરતો છોકરો આઠ આનામાં કરતો હોય તો હું એને પાંચ રૂપિયા આપી દઉં છું

લાભશંકર ઠાકર ‘સમકાલીન’ અખબારમાં કોલમ લખતા હતા. પછી એકાએક લાઠાએ કોલમ લખવાનું બંધ કર્યું।. મેટર આવ્યું નહિ ત્યારે એક પત્રકારને લાઠાએ જણાવ્યું કે છાપું એ ઢોરની ગમાણ છે. અનેક ઢોર એમાં આવીને ચારો ચરી જાય છે. તંત્રી સાથે કોઈ સંવાદ હોતો નથી એટલે મારે હવે ગાંધીની ગમાણમાં ચારો નથી ચરવો (ગાંધી એટલે હસમુખ ગાંધી). આ પ્રતિભાવ સાંભળીને હસમુખ ગાંધી ખડખડાટ હસી પડ્યા હતા. હસમુખ ગાંધી સાવ નકરું શેડકઢું અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય હતું.

તમે લાઠાની સમકાલીનની કોલમ વાંચો તો લાઠાનો અસલી મિજાજ જોઈ શકો. માણસની મોટાઈ નાના પ્રસંગોમાં પ્રગટતી હોય છે. લાઠા કહેતા કે મને બૂટપાલીસ કરતા આવડ્યું નથી એટલે હું બૂટપાલીસ કરતો છોકરો આઠ આનામાં કરતો હોય તો હું એને પાંચ રૂપિયા આપી દઉં છું. આ દયાભાવ નથી, પણ જે મને નથી આવડતું એનો દંડ ભરું છું. એ પછી લાઠાએ કોલમ લખવી બંધ કરી હતી. તેઓ અંતિમ દિવસોમાં ‘નવનીત સમર્પણ’માં સતત લખતા રહ્યા હતા. નેગેટિવિટી ઓછી થઇ હતી, પણ મિજાજ બદલાયો નહોતો લાઠાએ એકવાર ફોન પર મને કહ્યું હતું કે, ‘મારી પાસે લખવાની કોઈ શૈલી નથી, કારણ કે Style is a fraud. I always felt the Greeks were hiding behind their columns.મકરસંક્રાતિએ ભલે હું જન્મ્યો, પણ અંતે તો હું કાગળની જેમ ઊડી જઈશ.’

[email protected]

X
article by anil joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી