ભાવવિશ્વ / આંસુને ચશ્માં નથી

article by anil joshi

અનિલ જોશી

Feb 06, 2019, 12:25 PM IST

મકરંદે આખી જિંદગી કોઈની નોકરી કરી નહોતી, ઘેર બેસીને જય હિન્દ અખબાર દ્વારા પ્રકાશિત ‘પરમાર્થ’ માસિકનું સંપાદન કરતા હતા. વાચકવર્ગ વિશાળ હતો, પણ સામયિકના તંત્રી તરીકેનો ભાર ક્યારેય મકરંદના ચહેરા ઉપર મેં જોયો નથી. સાવ હળવો મિજાજ. અંક એડિટ કરતા હોય ત્યારે કોઈ મળવા આવી ચડે તો તરત જ પ્રૂફ જોવાનું છોડી હીંચકે બેસીને આવનારને આવકાર આપે અને વાતે વળગે. પછી કહેતા : ‘કાગળના પ્રૂફ તો સુધારી લેવાય, પણ ઘેર મળવા આવતા મનેખને બેસાડી રાખીએ એમાં જીવનની પ્રૂફભૂલ થાય છે જે સુધારી શકાતી નથી. મેં વર્ષો પહેલાં ‘કુમાર’ સામયિકમાં નોકરી કરી હતી. બચુભાઈ રાવત સાથે ખૂબ કામ કર્યું. હું રજાના દિવસે કે રવિવારે પણ ‘કુમાર’ કાર્યાલયમાં જઈને કામ કરતો હતો.

એકવાર હું કોઈ કારણસર બે-ચાર દિવસ ‘કુમાર’માં ન જઈ શક્યો. એ પછી હાજર થયો તો બચુભાઈએ મારી ગેરહાજરીનો પગાર કાપી લીધો. મેં દલીલ કરી કે મેં રવિવારે અને રજાના દિવસે પણ કામ કર્યું છે તમે ગણતા નથી? પણ બચુભાઈ એકના બે ન થયા. હું એ જ ક્ષણે રાજીનામું મૂકીને કાર્યાલયની બહાર નીકળી ગયો. એ વખતે મારા હોઠ ઉપર એક જ કાવ્યપંક્તિ નીકળી ગઈ ‘સૌંદર્યનું ગાણું મારા મુખે હજો’ કડવાશ વિના ‘કુમાર’માંથી છુટ્ટો થઈ ગયો. કવિ મકરંદનો આ મિજાજ હતો. મકરંદ અને ભાઈની સંગતિમાં મને અકારણ રોવું બહુ આવી જતું હતું અને ચશ્માં આવી ગયાં હતાં, પણ આંસુને ચશ્માં આવતાં નથી. આ જોઈને મકરંદ કહેતા: ‘ભાવ એ હૃદયનો ચહેરો છે અને અભાવ એ ચિત્તનો ફોટોગ્રાફ છે.’ ગોંડલ નિવાસ દરમિયાન હું વધુ ને વધુ વિચારતો થઈ ગયો. પ્રકૃતિને ઝીણવટથી જોતો થઈ ગયો. હું નદીએ નહાવા જતો ત્યારે પાણીની સપાટી ઉપર પરપોટાને તરતા જોતો હતો. નાનપણમાં હું કાગળની ભૂંગળી બનાવતો અને પછી સાબુના પાણીમાં એને બોળીને ફૂંક મારીને પરપોટા ઉડાડતો હતો. નદીના પાણીમાં પરપોટા જોતો ત્યારે મને પ્રશ્ન થતો કે પાણીને ફૂંક મારતા આવડે છે? પણ આનો જવાબ મને મળતો નહીં.
દૃશ્ય બદલાય છે. એક સાંજે બાની તબિયત જોવા ખંડેરિયા દાક્તર આવી ચડે છે. મકરંદ અંદરના ઓરડામાં હતા. દાક્તર અને હું ફળિયામાં ખુરશી ઢાળીને બેઠા છીએ. ઉનાળાની સાંજનો પીળો તડકો વિદાય લઈ રહ્યો છે. ખંડેરિયા દાક્તર પ્યોર કાઠિયાવાડી બોલતા. મકરંદ ઓરડામાંથી બૂમ પાડીને કહે છે.‘હમણાં દળણું દળીને આવું છું.’ લખવાના અને સંપાદન કરવાના કામને મકરંદ ઘંટીમાં દળણું દળવાના કામ બરાબર ગણતા હતા. દાક્તર સાથે હું ફળિયામાં ખુરશી પર બેઠા છીએ. એવામાં ઝાંપલી ખખડે છે અને એક યુવાન ફળિયામાં દબાતે પગલે આવે છે. એ યુવાન ખંડેરિયા દાક્તરનો ઓળખીતો છે. ખંડેરિયા દાક્તર પૂછે છે : ‘શું કામ છે?’ આવતલ યુવાન ધીમેકથી કહે છે : ‘રાજકોટમાં મેં નોકરી માટે અરજી કરી છે. પરમ દિવસે મારો ઇન્ટરવ્યૂ છે.

મકરંદભાઈ ચિઠ્ઠી લખી આપે તો મને નોકરી મળી જાય એમ છે.’ આ સાંભળીને ખંડેરિયા દાક્તરે યુવાનને પાસે બોલાવીને આક્રમક અવાજમાં શિખામણ આપતાં કહ્યું : ‘તું બેવકૂફ છે. તારા ઇન્ટરવ્યૂમાં તું મકરંદની ચિઠ્ઠી બતાવીશ તો તને નોકરી મળતી હશે તો પણ નહીં મળે. મકરંદની ભલામણ ચિઠ્ઠી નોકરી અપાવે નહીં, પણ નોકરી તોડાવે. જેનો દિ’ ફર્યો હોય ઈ સંસ્થા મકરંદે મોકલેલા માણસને નોકરીમાં રાખે. જો એને નોકરીમાં રાખે તો એ સંસ્થા એવી તો ઓબા લઈ જાય કે વાત પૂછ્ય મા. મારી વાત માન્ય અને થોડોક પ્રેક્ટિકલ થા.’ ખંડેરિયા દાક્તરે પેલા યુવાનને આ દવા આપીને વિદાય કર્યો. મકરંદની આંખ્યની શરમ ભગવાન રાખે, પણ સંસાર ન રાખે. છતાંય સંસારને મકરંદ વિના ન ચાલે. મકરંદ સંસ્થાના નહીં પણ આસ્થાના માનવી હતા. {
[email protected]

X
article by anil joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી