ભાવવિશ્વ / નાપાસ દીકરાના પેંડા!

article by anil joshi

અનિલ જોશી

Jan 16, 2019, 04:45 PM IST

એક હરખપદુડા પિતાજી હાથમાં પેંડાનું પેકેટ લઈને મારા આશ્રમમાં આવ્યા. મને થયું કે હમણાં ચૈત્ર નવરાત્રિ ચાલે છે એટલે પ્રસાદ દેવા આવ્યા હશે. આવતાંવેંત મને કહે, ‘બાબા, લ્યો પેંડા ખાવ, મારો દીકરો પરીક્ષામાં નાપાસ થયો છે એની ખુશાલીના આ પેંડા છે.’ આ સાંભળીને મેં આશ્ચર્યથી પૂછ્યું, ‘એલા, છોકરો પાસ થાય એના પેંડા વહેંચાય, તું નાપાસ થયેલા દીકરાના પેંડા કેમ વહેંચે છે?’ હરખપદુડા છોકરાના બાપે મને ગર્વથી કહ્યું, ‘સાહેબ, પાસ-નાપાસ થવાનો હવે કોઈ અર્થ નથી. બહુમતી મારા દીકરા સાથે છે.’

આ સાંભળીને મને થયું કે ધરતી મારગ આપે તો હું સમાઈ જાઉં. હું છાપાં વાંચતો નથી. આજે ઘણા બધા ચૂંટણીના મુરતિયાઓ છાપાના તંત્રીઓ અને ફોટોગ્રાફર પાછળ આદું ખાઈને પડી ગયા છે. વખાના માર્યા તંત્રીઓ ના નથી પાડી શકતા. નેતાના ફોટા છાપે છે, પણ નગુણા નેતાઓ બીજે દિવસે તંત્રી પાસે જઈને ફોટોગ્રાફરની ફરિયાદ કરવા પહોંચી જાય છે. તંત્રીની કેબિનમાં ઘૂસીને મોટા અવાજે કહે છે, ‘મારો આટલો ખરાબ ફોટો? હું આટલો બધો કદરૂપો કેમ દેખાઉં છું?

તમારા ફોટોગ્રાફરને નોકરીમાંથી કાઢી મૂકો.’ તંત્રી આખરે એ નેતાને કંટાળીને પોતાની કેબિનના દરવાજે સ્ટાફ આર્ટિસ્ટને બોલાવીને બોર્ડ મુકાવે છે, ‘તમારો ફોટો ખરાબ છપાય તો તમારા વડીલોને ફરિયાદ કરો, અમને નહીં.’


ચૂંટણીથી કુટુંબભાવના બહુ વિકસી ગઈ છે. ઘરમાં નવી પરણેલી વહુ આવે છે ત્યારે સાસુમા ઘરની વ્યવસ્થા સમજાવતાં વહુને પાસે બેસાડીને કહે છે, ‘જો બેટા, હું આ ઘરની ગૃહમંત્રી છું અને નાણાંખાતું પણ હું સંભાળું છું. તારા સસરા વિદેશમંત્રી છે. મારી દીકરી એટલે કે તારી નણંદ યોજનામંત્રી છે. મારો દીકરો પુરવઠામંત્રી છે. હવે તું મને કહે કે તું કયું ખાતું સંભાળીશ? વહુ સાસુને ધીમેકથી કહે છે, તો હું વિરોધ પક્ષમાં બેસીશ.’ આખા દેશનો સિનારિયો આજે આવો દેખાય છે.

પરિવાર ઝિંદાબાદ. એક બહુ જ વૃદ્ધ નેતાને ટિકિટ મળી નહીં એટલે માંદા પડ્યા. હોસ્પિટલ ભેગા કર્યા. એ નેતાને યમરાજ સ્વપ્નમાં આવ્યા અને કહે, ‘ચાલો હું તમને ટિકિટ આપું છું.’ યમરાજને જોઈને રાજનેતા ગભરાઈ ગયા. યમરાજને કહે, ‘સાહેબ, તમને હું જે માંગો તે દેવા તૈયાર છું. બોલો કરોડ? બે કરોડ? તમારું મંદિર બાંધવા માટે જમીન આપું. મને છોડી દો.’ આ સાંભળીને યમરાજ ખડખડાટ હસીને બોલ્યા, ‘તમે બધા આખી જિંદગી તમારી તિજોરી ભરો છો, પણ હું મોતનો ફરિશ્તો છું. લાંચ-રૂશવત લેતો નથી. એકમાત્ર મારું ખાતું એવું છે કે જ્યાં ભ્રષ્ટાચાર નથી.


લોકશાહી દિવસે દિવસે મજબૂત થતી જાય છે, પણ સાંસદોની કિંમતમાં શેરબજારની જેમ ચડ-ઊતર કેમ થયા કરે છે એની મને ખબર નથી. થોડા વર્ષો પહેલાં લોકસભાના અધ્યક્ષ સોમનાથ ચેટર્જીએ બધા સંસદસભ્યોને બોલાવીને કહ્યું હતું તમારી કિંમત માત્ર એક રૂપિયો છે, પણ મને સોમનાથ દાદાની વાત સમજાઈ નહીં. બહુ નજીકના ભૂતકાળમાં સાંસદનો ભાવ એક ખોખું હતો. સાંસદોના પણ કાળાબજાર થાય છે. મારી જેમ હવે અણ્ણા હઝારે નવરી બજાર છે. લોકાયુક્તનો એમનો પતંગ કપાઈ ગયો. દોર સહુ લૂંટી ગયા. મેં એમને પહેલેથી જ કીધું હતું કે આ બધા સરકારી નેતાઓ કાયમ એક શબ્દની શોધમાં રહેતા હોય છે, જે શબ્દ લોકોને ઉલ્લુ બનાવી શકે.

[email protected]

X
article by anil joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી