Back કથા સરિતા
અનિલ જોશી

અનિલ જોશી

કવિતા (પ્રકરણ - 21)
‘અમે બરફનાં પંખી’થી જાણીતા કવિ અનિલ જોશી ‘દિવ્ય ભાસ્કર’ના નિયમિત કોલમ લેખક પણ છે.

એક કવિની આત્મહત્યા

  • પ્રકાશન તારીખ09 Jan 2019
  •  

સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રો તો નિયત સમયે થતા જ રહે છે. આ વર્ષે પરિષદનું જ્ઞાનસત્ર સુરત મુકામે 11 જાન્યુઆરીએ યોજાયું તેમાં એક આગવી મુદ્રા જોવા મળે છે.

પહેલાંના જ્ઞાનસત્રોમાં ખાલી પેપરો જ વાંચતા હતા, જેમાં શ્રોતાઓને બિલકુલ રસ પડતો નહીં, પરંતુ આ વખતે જ્ઞાનસત્રની વ્યાસપીઠ સાચા અર્થમાં કૃતાર્થ થઈ છે એ માટે સિતાંશુ પાસે મારો હરખ વ્યક્ત કરું છું. હરખ વ્યક્ત કરવા માટે મારી પાસે થોડાં કારણ છે. પરિષદની વ્યાસપીઠ પર અમૂર્ત રૂપે ગાંધીજી બિરાજમાન છે.

એટલું જ નહીં, પણ ચાર આંતરરાષ્ટ્રીય સન્માનપ્રાપ્ત અને બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય ભીખુ પારેખ તેમજ સેવા આંદોલનના પ્રણેતા ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર મેગ્સેસે એવોર્ડ વિજેતા ડો ઇલાબહેન ભટ્ટ, મશહૂર આર્કિટેક પુલિત્ઝર એવોર્ડ વિજેતા ડો બાલકૃષ્ણ દોશી અને કન્નડ ભાષાના સમર્થ કવિ-નાટ્યકાર પ્રો.ચંદ્રશેખર કંબારની ઉપસ્થિતિનો આનંદ કોને ન હોય? બીજું ખાસ કારણ આ જ્ઞાનસત્રની રચના ‘ગાંધીસઘન જ્ઞાનસત્ર’ તરીકે કરવામાં આવી છે.

આપણે સંત સત્સંગ બહુ કર્યો છે, બેસુમાર ઇવેન્ટો કરી છે, પણ સાચા અર્થમાં પ્રજ્ઞાવાન વિદ્વાનો-સારસ્વતોના સત્સંગથી વિમુખ થઈ ગયા છીએ. આજે મને ટી.એસ. એલિયેટસાહેબ યાદ આવે છે: એમણે કહ્યું હતું: Where is all the knowledge we lost with information? જ્ઞાન ક્યાં છે? આપણે બધું જ જ્ઞાન માહિતીઓમાં (ઇન્ફર્મેશન)માં ગુમાવી દીધું છે. ‘યુગ એવો ચાલી રહ્યો છે કે જ્ઞાનના ભંડારોને તાળાંઓ મારી દીધાં છે. માહિતીઓનાં ડમ્પિંગ મેદાનો ડુંગર જેવડાં થઈ ગયાં છે. મીડિયા તમારો અવાજ ભૂંસી નાખે છે.

કાળચક્ર એવું છે કે જ્ઞાનની વખારોને મજબૂત તાળાંઓ લાગી ગયા છે. એ તાળાંઓ તોડવા માટે કવિ સુંદરમ્્્્ની જેમ ખોંખારીને કહેવું પડે ‘ઘણ ઉઠાવ મારી ભૂજા’ આખો સિનારિયો એવો છે કે રિસર્ચ બહુ થતું નથી. એક બાજુ પીએચડીની ડિગ્રીનાં થોથાંઓનું ભણતર વધી રહ્યું છે એમાં જ્ઞાન નથી. યુવાનો દિશાહીન છે એમાં પરિષદના જ્ઞાનસત્રો વારંવાર યોજવા જોઈએ. મેલી વિદ્યા અને સાચી વિદ્યા વચ્ચે જે ભેદરેખા છે એનો વિવેક યુવાપેઢીમાં સંક્રાન્ત કરવો જોઈએ. સાહિત્યમાં માસ્ટર માઇન્ડની સંગતિનો વિશેષ મહિમા છે.


આ લખી રહ્યો છું એ જ ક્ષણે એક દુઃખદ સમાચાર આવ્યા છે. અમદાવાદના યુવાન કવિ પાર્થ પ્રજાપતિએ આત્મહત્યા કરીને જીવનનો અંત લાવી દીધો છે. મેં તરત સાહિત્ય પરિષદના પ્રમુખ સિતાંશુને ફોન કરીને પ્રતિભાવ માગ્યો. સિતાંશુએ વ્યથા સાથે પ્રતિભાવ આપ્યો કે ‘પાર્થ જેવા યુવાન કવિની આત્મહત્યા સહુને આપણા સમય વિશે વિચાર કરવા મજબૂર કરે છે. અનેક ખેડૂતોની આત્મહત્યા અને પીડિત મહિલાઓનાં કરપીણ મૃત્યુ એ સહુની સાથે કવિની આત્મહત્યા આપણી સંસ્કૃતિ, સાહિત્ય અને કલા વિશે મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. આવી વેદનાઓમાંથી જે જ્ઞાન જન્મવાનું એનાં આયોજનો સ્વાયત્ત રીતે વિચારી શકતી અને નિર્ણયો કરી શકતી સ્વાયત સંસ્થા જ કરી શકશે.’ સિતાંશુનો આ પ્રતિભાવ ખૂબ વિચારણીય છે.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP